તંબાવટી નગરી મા રૂપાવટી નગરી

માતાજીની આરતી આવે છે કે, તંબાવટી નગરી મા, રૂપાવટી નગરી…અહીં એ જ રૂપાવટી નગરીની વાત છે. વર્ષો પહેલાં રૂપાવટી નગરી તરીકે ઓળખાતા બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રૂવેલ ગામે આજે અંબાજી માતાજીનું મંદિર પૌરાણિક ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું શોભી રહ્યું છે.

અહીંની લોકવાયકા પ્રમાણે એવું કહેવાય છે કે આ ગામની નજીક રૂપાવટી નગરી હતી. રૂપાવટી નગરીનું નામ સમય જતાં પરિવર્તન થયેલ અને રૂવેલના નામથી ઓળખાવા લાગ્યું.

જે ભાવિક ભક્તો માતાજી ઉપર શ્રદ્ધા રાખે છે તેમના મનોરથ પૂર્ણ થાય છે. રોળિયા અટકના જૈન પરિવારો જેઓ જુદી જુદી જગ્યાએ ભાભર, ભુજ, અમદાવાદ, પાટણ, સુરત, મુંબઇ વગેરે જગ્યાએ રહે છે તેઓ દર વર્ષે વસંત પંચમી, મહા સુદ પાંચના રોજ નિયમિત દર્શનાર્થે આવે છે અને તેમને કુળદેવી તરીકે પૂજે છે અને તેમની બાધા-માનતાઓ અને નૈવેધ, પ્રસાદ વગેરે કરે છે. વસંત પંચમીએ હવન પણ કરવામાં આવે છે અને મોટા પ્રમાણમાં ભાવિક પરિવારો પધારે છે. અંબાજી માતાજીની આરતીમાં આવતા નીચે મુજબના શબ્દો આ વાતની સાક્ષી પૂરે છે.

‘તંબાવટી નગરી મા, રૂપાવટી નગરી, સોળ સહસ્ત્ર ત્યાં સોહીએ, ક્ષમા કરો ગૌરી, મા દયા…’ મંદિર આજુબાજુ આવેલા ટેકરાળ વિસ્તારમાં જૂની મોટી ઇંટો, પથ્થર વગેરે અવશેષો ઘણી વખત નીકળે છે.

એક લોકવાયકા મુજબ પહેલાં અહીં પાંચ નગરીઓ હતી. કાકર (કંકાવટી), તેરવાડા (તંબાવટી), રૂવેલ (રૂપાવટી), માંડલા (મંછાવટી) અને ચાંગા (ચંગાવતી) આવા શબ્દો જુદી જુદી અંબાજી માતાજીની આરતીમાં બોલાવવામાં આવે છે. સમય જતાં તે નગરીઓ દટાઇ જતાં તેની બાજુમાં કાકર, તેરવાડા, રૂવેલ, માંડલા, ચાંગા નામથી ગામોનો વસવાટ થયેલ છે.

Leave a comment