ભગવાનનો પત્ર ! – ડૉ. આઈ. કે. વીજળીવાળા

તારીખ : આજની જ.

પ્રતિ,
તમોને જ

વિષય : જિંદગી અને તમે !

ભાઈશ્રી/બહેનશ્રી,

હું ભગવાન – આજે તમને બે શબ્દો લખવા માંગું છું. ધ્યાનથી વાંચજો. આજે તમારી જિંદગીના બધા જ પ્રશ્નોનું નિરાકરણ કરી શકાય તેવો રસ્તો તમને બતાવવાનો છું. એટલું યાદ રાખજો મારે તમારી મદદથી કોઈ પણ જગ્યાએ જરૂર પડવાની નથી. હું તમારી પાસે સીધો આવવાનો પણ નથી. તમારે ફક્ત નીચેના મુદ્દાઓ યાદ રાખવાના છે અને એ મુજબ પાલન કરવાનો પ્રયત્ન કરવાનો છે :

[1] જિંદગી તરફથી એવી કોઈ સમસ્યા ઊભી થાય કે જે તમારાથી હલ ન થઈ શકે તો એને મારા નામની પ્રાર્થનાના પોસ્ટબૉક્સમાં મૂકી દેવી. એના ઉપર – ભગવાનને માટે – એવું અવશ્ય લખવું. એક વખત આ બૉક્સમાં સમસ્યા મૂક્યા પછી વારંવાર એને બહાર કાઢીને તપાસ્યા ન કરવું. એનું નિરાકરણ ચોક્કસ થશે, પણ હા ! મારા સમયે, તમારા સમયે નહીં !

[2] તમે ધંધાની કોઈ આફતમાં ઘેરાઈ જાવ તો મૂંઝવણ ન અનુભવશો. ફકત એવા માણસોને યાદ કરજો કે જેની પાસે ધંધો જ નથી.

[3] ટ્રાફિકમાં ક્યારેય પણ ફસાવ તો અધીરા ન થશો, એવા લોકોને યાદ કરજો કે જેને માટે કાર ચલાવવી એ એક પરીકથાની વસ્તુ જેવું હોય.

[4] તમારા શેઠ કે સાહેબ તમને ક્યારેક ખિજાય તો એવા માણસોનો વિચાર કરજો કે જેમના નસીબમાં કામ કે નોકરીમાં કામ કે નોકરી લખાયા જ ન હોય. જે સાવ બેકાર હોય.

[5] તમારો એકાદ રવિવાર કે રજા ખરાબ જાય તો દુ:ખી થવાને બદલે એવા લોકોનું સ્મરણ કરી લેજો કે જેને કુટુંબનું પેટ ભરવા માટે રોજેરોજ કપરી મજૂરી કરવી પડતી હોય. જેનો એક પણ રવિવાર રજાનો દિવસ જ ન હોય.

[6] ક્યારેક વાહન વગર ચાલવાનું થાય તો અફસોસના બદલે બંને પગે જેને પૅરાલિસિસ કે લકવો થયો હોય તેવી વ્યક્તિને યાદ કરજો. એમને એકાદ ડગલું પણ ચાલવા મળે તો એ લોકો કેટલો આનંદ પામે એનો વિચાર કરજો.

[7] તમારી જિંદગીએ તમને શું આપ્યું છે એવો વિચાર કદીકેય આવે તો એવા લોકોને યાદ કરજો જે તમારા જેટલી ઉંમરે પહોંચ્યા જ ન હોય. એ પહેલાં જ જેને મૃત્યુ આંબી ગયું હોય.

[8] કોઈ તમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે, તમારું અપમાન કરે, તમને નુકશાન પહોંચાડે તોપણ ખુશ એ વાતથી થજો કે તમે એ વ્યક્તિ નથી !

[9] કોઈ દિવસ અરીસામાં એકાદ સફેદ વાળ જોઈ જાવ તો કૅન્સરથી પીડાતાં નાનાં બાળકો કે નાની ઉંમરની વ્યક્તિઓને યાદ કરજો કે જે પોતાને વાળ હોય તેવી આશા રાખતાં હોય.

અને છેલ્લે….

હું તમારા પ્રશ્નોનું નિરાકરણ કરીશ જ, વિશ્વાસ રાખજો પણ ત્યાં સુધીમાં જો તમને આ બાબતો ગમી હોય તો તમારા મિત્રોને સગાંવહાલાંને મોકલજો અને એમનો દિવસ પણ સુધારજો અને એ લોકો પણ નિશ્ચિંત થઈ જાય તેવું કરજો.

એ જ લિ,
ભગવાનની આશિષ.

દીકરી મારી દોસ્ત – નીલમ દોશી

બેટા ઝીલ,

સગાઇ પછી પહેલીવાર કાલે સાસરેથી છલકતી અને મલકતી તું શુભમ સાથે મને મળવા આવી ત્યારે તારું એ નવું સ્વરૂપ જોઇ હું આશ્ચર્ય અને હરખથી છલકાઇ ગઈ. આમ તો દેખીતું કોઈ પરિવર્તન તારામાં નહોતું આવ્યું અને છતાં…. છતાં તારું એક મનગમતું અલગ આકાશ રચાયું હતું એ હું અનુભવી શકી. સુરેશ દલાલની આ પંક્તિ મારા મનમાં રમી રહી :

પંખી ટહુકા મૂકી ને ઝાડ છોડી ગયું,
એના ગમતા આકાશ પાસે દોડી ગયું.

યૌવનના ઉંબરે પગ મૂકતી છોકરીના તન, મનમાં ઉઠતાં આવેગોથી દરેક મા પરિચિત હોય જ છે. કેમકે એ અવસ્થામાંથી તે પોતે પણ પસાર થયેલ છે. અને છતાં, ઘણીવાર મા દીકરી વચ્ચે આ પ્રશ્ને ચકમક કે તણખા ઝરતા રહે છે. એનાં કારણો જોકે ઘણાં હોઇ શકે અને બધા માટે એ કારણો અલગ અલગ જ હોય. એટલે એ માટે કોઈ સર્વસામાન્ય નિયમ બાંધી ન શકાય પણ લગભગ દરેક મા થોડી ઘણી રોકટોક કરતી રહે છે. દીકરી રાત્રે મોડી આવે ત્યારે ચિંતા કરતી રહે છે અને એ ચિંતા શબ્દોમાં વ્યકત થાય છે ત્યારે દીકરીને મા જુનવાણી લાગે છે. ‘એમાં શું ?’ આ દીકરીનો સર્વસામાન્ય જવાબ હોય છે. જે માને સ્વીકાર્ય નથી હોતો.

યાદ છે, આપણી સામે રહેતા અંજુ આન્ટીની પુત્રી, દિશાની સગાઇ થઈ અને ગામમાં જ સાસરું હોવાથી રોજ બંને ફરવા જતા. રાત્રે મોડું થતું ત્યારે આન્ટી કેવા ગુસ્સે થતા. પુત્રીને મા નો ગુસ્સો સમજાતો નહીં… અને મા દીકરી વચ્ચે રોજ એ પ્રશ્ને ચકમક ઝરતી રહેતી. અંજુ આન્ટીના એક સગાની પુત્રીની સગાઈ આવા જ કોઇ સંજોગોને લીધે તૂટી ગઇ હતી. તેથી આન્ટી ડરતા હતા. જોકે પાંચેય આંગળીઓ સરખી ન હોય. બધાની સાથે કંઈ આવું નથી થતું…છતાં દીકરીની મા ની ચિંતા અવગણી શકાય તેમ પણ નથી જ. અત્યારે સમાજમાં બનતા બનાવોથી દરેક માના મનમાં એક અજાણ્યો ડર રહે જ છે. ખેર…! અત્યારે આ વાત અચાનક મનમાં ઊગી આવી. બાકી પાંખ આવે ને પંખી માળામાંથી ઊડી જાય એમ દીકરી પણ સમય આવે અને પોતાના આગવા આકાશમાં ઊડી જાય. દીકરીના મા બાપે જીવનનું આ પરમ સત્ય સ્વીકારવું જ રહ્યું અને ફકત દીકરી જ નહીં….દીકરા માટે પણ આ એટલું જ સત્ય છે. પાંખો આવે ને ઉડ્ડયન શરૂ થાય એ તો કુદરતનો ક્રમ છે. એનો અફસોસ શા માટે ? એક ધરામાં પ્રગટી, બીજી ધરામાં ધરબાવું એ દરેક પુત્રીની આગવી વિશિષ્ટતા છે. હું એને મજબૂરી નહીં કહું. સદીઓથી ચાલ્યો આવતો એ ક્રમ છે.

આજે તારી પણ આગવી દુનિયાની શરૂઆત થઈ છે. એને હોશે હોંશે મૌન બની હું નીરખી રહું છું….વધાવી રહું છું. અને મારા અંતરમાંથી અજાણતા જ તમારા બંને માટે આશિષો વરસી રહી છે. તારી ક્ષિતિજો વિસ્તરતી રહે, અનંત આકાશમાં તું તારા સાથી સાથે ઉડાન ભરતી રહે એથી વિશેષ ખુશી એક મા માટે બીજી કઈ હોઈ શકે ? આજે સ્કૂલમાં કવિ વિઠ્ઠલરાય આવસત્થીનું ‘મીઠી’ કાવ્ય ભણાવતા ભણાવતા અનાયાસે મારી આંખો છલકી રહે એ સ્વાભાવિક જ છે ને ? તારું એ માનીતું કાવ્ય….! જે નાનપણથી આજ સુધી તું સંભળાવવાની ફરમાઇશ મને કરતી આવી છો અને હું ગાતી આવી છું.

ડુંગર કેરી ખીણ માં ગાંભુ નામે ગામ,
ખેતી કરતો ખંતથી પટેલ પાંચો નામ

આપણી કેટકેટલી સ્મૃતિઓ આ કાવ્ય સાથે સંકળાયેલી છે. તું નાની હતી ત્યારે આ કાવ્ય હું તને સૂવડાવતી વખતે અચૂક ગાતી. કેમકે મને યે એ બહુ પ્રિય છે અને ન જાણે કેમ પણ એ કાવ્ય તારી ઊંઘ સાથે અજબ રીતે સંકળાઈ ગયું. તને ઘોડિયામાં હિંચોળતી હું કેટલાંયે કાવ્યો લલકારતી રહેતી. ગાતા ભલે ને સારું નહોતું આવડતું પણ છતાં હું સતત ગાતી રહેતી અને તું જાણે હું લતા મંગેશકર હોઉં તેમ સાંભળતી રહેતી. કેટલાંયે જોડકણાં, હાલરડાં અને કાવ્યોની અખૂટ ધારા વહેતી રહેતી. તું કંઈ ન સમજતી અને છતાં મને થતું કે તું બધું સમજે છે ! ઘોડિયામાં સૂતાં સૂતાં તું સૂવાનો ડોળ કરી લુચ્ચું હસતી ત્યારે મને યશોદામા અચૂક યાદ આવતા અને સાથે યાદ આવતી આ પંક્તિ :

પ્રથમ શિશુ સૌ કહાનો, માતા બધી જ યશોમતી;
મૃદુ,મલિન મ્હોંમાં, બ્રહ્માંડો અનેક અવલોકતી.

શિશુની આંખમાં બ્રહ્માંડ જોવા, અનુભવવા માટે એક માની દ્રષ્ટિ જોઈએ. તારી આંખો બંધ થાય એટલે તું સૂઇ ગઈ માની હું ગાવાનું બંધ કરતી અને બીજી જ મિનિટે તું ઘોડિયામાં બેઠી થઈ ખોયાની બંને સાઇડ પકડીને ટગર ટગર મારી સામે જોઈ ડિમાન્ડ કરતી હોય તેમ જોઈ રહેતી અને બે મિનિટ રાહ જોઈને જો હું મારો લલકાર શરૂ ન કરું તો તું તારી ભાષામાં કહેતી. અર્થાત્ રડવાનું ચાલુ કરી દેતી. ને હું ગમે તેટલી થાકી ગઈ હોઉં તોયે મારું ગાવાનું ચાલુ થઇ જાય ! અને તું સંતોષ પામી….. ‘હં હવે બરાબર’નું સ્મિત કરી ધીમેથી સાચવીને પાછી ઘોડિયામાં લંબાવી દેતી….! એ પછી થોડું બોલતા શીખી ત્યારે તો ઊંઘ આવે ત્યારે અચૂક ‘મીઠી’ એટલું બોલતી અને મારે સમજી જવાનું કે તને ઉંઘ આવે છે એટલે મારે હવે એ કાવ્ય ગાવાનું છે….! આ વાત તો તું આજેય યાદ કરે જ છે ને ? આજેય હોસ્ટેલમાંથી ફોન પર પણ તેં કેટલીયેવાર રાત્રે મારી પાસે ‘મમ્મી, મીઠી ગાને. આજે ઊંઘ નથી આવતી…’ કહીને ગવડાવ્યું છે. પપ્પા ફોનનું બિલ ભરતા રહેતા અને આપણે મા દીકરી ‘મીઠી’ ગાતા રહેતા.

મને ડર છે કે પછી ખાતરી છે કે લગ્ન કરીને તું અમેરિકા જઈશ ત્યારેય કયારેક અચાનક તારી ફરમાઇશ આવશે જ કે ‘મમ્મી, મીઠી ગાને….’ અને શુભમ બિલ ભરતો રહેશે…!

માઇલોના માઇલોનું અંતર ખરી પડે.
જયાં અંતરનો સેતુ નિરંતર.

અને ત્યારે આપણી વચ્ચેનું માઈલોનું અંતર પાનખરમાં ખરી પડતા પર્ણની જેમ ખરી પડશે અને ફરી એકવાર આપણું મા-દીકરીનું આગવું ભાવવિશ્વ રચાઈ જશે….સાત સાગરની પાર… કેવી કેવી કલ્પનાઓ મન કર્યા કરે છે, નહીં ? હાલરડાં…કદાચ આપણી સંસ્કૃતિનું આગવું પ્રતીક છે. બાળ શિવાજીને હાલરડા સુણાવી ભવિષ્ય માટે તૈયાર કરતી માતા જીજાબાઇનું સ્મરણ આજે સહેજે થઈ આવે છે.

આભમાં ઊગ્યો ચાંદલોને જીજીબાઇને આવ્યો બાળ,
બાળુડાને માતા હિંચોળે, ધણણણ ડુંગરા બોલે,
શિવાજીને નીંદરુ ના આવે, માતા જીજાબાઈ ઝુલાવે

આ ભાવવાહી હાલરડું ઈતિહાસમાં એક સ્થાન બનાવી ચૂક્યું છે. બાળ શિવાજીને ગર્ભમાંથી જ સંસ્કાર આપતી, આવનાર ભવિષ્ય માટે તૈયાર કરતી, માતા જીજાબાઈનું નામ ઇતિહાસકારો આદરપૂર્વક લે છે. આજે વિજ્ઞાન પણ કહે છે બાળકના સંસ્કાર…. તેની શીખવાની શરૂઆત માતાના ગર્ભમાંથી શરૂ થઈ જાય છે. (હવે તો ઘણી જગ્યાએ સગર્ભા સ્ત્રીને આ માટે રીતસરની ટ્રેનીંગ આપવામાં આવે છે. કેમકે માતાના વિચારોની અસર બાળક પર ગર્ભમાંથી પડે છે એ સાબિત થઈ ચૂકયું છે.) મહાભારતમાં બાળક અભિમન્યુ માતાના ગર્ભમાં હતો ત્યારે જ ચક્રવ્યુહના છ કોઠા શીખીને જન્મેલ…. તે વાતથી આપણે કોઈ અજાણ નથી જ. એટલે હાલરડાં સાંભળતું બાળક કંઈ નથી સમજતું એમ કેમ કહી શકાય ? હા, બની શકે કે પછી ભવિષ્યમાં એને એ મુજબના ખાતર, પાણી અર્થાત્ વાતાવરણ ન મળે તો એ બધું વિસરાઈ જાય. માતાના અવાજને બાળક ચોક્કસ ઓળખે જ છે. એ અવાજ કદાચ એના અજ્ઞાત મનમાં સુરક્ષાની ભાવના ઉત્પન્ન કરે છે. એ અવાજ માતા પોતાની આસપાસ છે એનો અહેસાસ બાળકને કરાવે છે. એટલે જ બાળક સમજતું હોય કે નહીં પણ એને ગીત, સંગીત ગમે છે. સંગીતની અસર વૃક્ષ પર પણ થતી હોય તો ચૈતન્યથી ભરપૂર, પરમના અંશ સમાન બાળક પર કેમ ન થાય ? માતાના કંઠે ગવાતા હાલરડામાં છલકતો ઉત્સાહ બાળક ચોક્કસપણે અનુભવી શકે છે. શિશુને પોઢાડતી દરેક માએ કંઈક ગાયું કે ગણગણ્યું જ હશે. હાલરડાના એ શબ્દો માના અંતરના ઊંડાણમાંથી પ્રગટ થાય છે. એ સામાન્ય શબ્દોમાં ભાવનાનો અર્ક ભળેલ હોય છે. તેથી જ એ અવિસ્મરણીય બની દરેક બાળકની યાદ સાથે જોડાઈ જાય છે. એ શબ્દો વહાલના પ્રતીક બની રહે છે. જેમ તારે માટે ‘મીઠી’ શબ્દ વહાલનો લાડનો પર્યાય બની ગયો છે.

કેટકેટલી સ્મૃતિઓ માનસ પટ પર છલકાય છે. શું યાદ કરું ને શું ભૂલું ? તારા લગ્નની કલ્પના કરું કે તારા શૈશવની ગલીઓમાં યાદોને સહારે ઘૂમું ? આ બધું શું કામ લખુ છું. એ યે આજે અત્યારે તો ખબર નથી. બસ છલકાઉં છું… એટલે શબ્દો સરતા જાય છે. કોઈ સભાનતા વિના… આ કંઈ મારી એકની વાત નથી. દુનિયાની દરેક સ્ત્રીના આંતરમનની આ લાગણી છે. દરેક મા-દીકરીનું આ વ્યકત કે અવ્યક્ત ભાવવિશ્વ છે. વહાલનો દરિયો સેતુ બનીને માતા પુત્રી વચ્ચે ઘૂઘવતો રહે છે. કોઈ ઓટ વિના. અહીં તો છે ફકત ભાવોની ભરતી, લાગણીના સતત ઊછળતાં મોજાં….એ કયારેક ન દેખાય તોપણ હાજર હોય જ ! ઉપરથી સૂકી દેખાતી નદીને પણ ખોદો તો એની ભીનાશ અકબંધ હોય જ. એમ ઘણીવખત સંજોગોને લીધે ઉપરથી શુષ્ક જણાતાં મા કે દીકરીના અંતરના ઊંડાણમાં તો લાગણીનો અખૂટ ઝરો વહેતો જ રહે છે. નરસિંહ મહેતા જેવા દ્રઢવૈરાગી પિતા પણ કુંવરબાઈના સ્નેહથી બંધાયેલ હતા. ગુણવંત શાહે સાચું જ કહ્યું છે : ‘ગાંધીજીને એક વહાલસોયી દીકરી હોત તો બાપુના સત્યાગ્રહને પણ ઝાકળની ભીનાશ પ્રાપ્ત થઇ હોત.’ હકીકતે તારા ફોનની રાહ જોઈ ને બેઠી છું. આંખોમાં ઊંઘ નથી એટલે હાથમાં ફરી એકવાર ડાયરી લઇને બેઠી છું અને મનમાં જે ભાવો ઉઠે તેને શબ્દદેહ આપું છું.

આજે શું કર્યું શુભમ સાથે ? કયાં ફર્યા ? શું વાતો કરી ? મને ખબર છે કે મને વાત કર્યા વિના તનેય ઊંઘ નહીં જ આવે અને મને તો આવવાનો સવાલ જ નથી. બસ…હવે કાલે વાત.

પપ્પા જાણી જોઇને તારી કોઈ વાત મારી પાસે કાઢતા નથી. કેમકે એને ખબર છે કે હું રડીશ. એ પણ તને એટલી જ યાદ કરે છે. જોકે પુરૂષ હંમેશાં પોતાની લાગણી જલ્દી વ્યકત નથી કરતો કે નથી કરી શક્તો. પણ હું જાણું છું, અનુભવુ છું. પપ્પાનું મન પણ છલકાઈ રહ્યું છે. ફકત આંખો જ મારી જેમ નથી છલકતી. દરેક દીકરીની જેમ તું પણ પપ્પાની ચમચી રહી ને ! તારી કિલકારી તો કેટલે દૂરથી પણ પપ્પા સાંભળી શકે છે. દીકરી હમેશાં બાપની સંવેદનાને અનાયાસે વધુ ઉજાગર બનાવે છે. વહાલને એક વિશિષ્ટ અર્થ દીકરી દ્વારા મળે છે. મારી જેમ જ કયા માતા-પિતા પાસે આવાં કોઈ ને કોઈ સંસ્મરણો નહીં હોય ?

હૈયાના ઝાડવાને મૂળિયાં અનેક,
એને ખોદો તો નીકળે પરભવમાં ઠેઠ.

તું સારી પત્ની, સારી વહુ, સારી માતા , સારી ભાભી વગેરે જરૂર બનજે…પણ સારી સ્ત્રી બનવાનું ચૂકીશ નહીં. તું વસ્તુ નહીં પણ વ્યક્તિ છો. તારું ગૌરવ જરૂર જાળવી રાખજે. પરંતુ આત્મસન્માન અને અભિમાન વચ્ચે બહુ
બારીક અને અદ્રશ્ય ભેદરેખા હોય છે. એ ભેદરેખાને પારખતાં શીખજે. અહંકાર હંમેશાં બંને પક્ષે વિનાશકારક જ બની રહે છે. પતિની આગળ કે પાછળ નહીં….પણ પતિની સાથે ચાલી રહેજે. તને મિત્ર પતિ મળ્યો છે. ત્યારે સાચા
અર્થમાં તમ પતિ-પત્ની વચ્ચે મૈત્રીનું આકાશ વિસ્તરી રહે…. અક્ષુણ્ણ મૈત્રીનો દીપ તમારી વચ્ચે પ્રજવલિત રહે એ પ્રાર્થના…….અને મૈત્રીએ પિંજર નહીં…..ખુલ્લું…..મુકત આકાશ છે એ ભૂલીશ નહીં. તમારી મિત્રતાનું વર્તુળ સદા વિસ્તરી રહેશે…એ શ્રધ્ધા સાથે….

– માનું વહાલ.

પ્રેમ થકી મૈત્રી બંધાતી, ચાલી પગલાં સાત;
પ્રેમશૂન્ય છે સાવ નકામો, જીવનનો સંગાથ.

પાન લીલું જોયું ને….. – ડૉ. પ્રદીપ પંડ્યા

શ્રીયુત બિરેન શાહ, શહેરના નામાંકિત વકીલ હતા. તેઓ આમ તો સીવીલ કેસોના નિષ્ણાત હતા, પણ તેઓને ખરી નામના તો છૂટાછેડાના કેસોને લીધે મળતી હતી. શહેરમાં એવા કેટલાય કુટુંબો હતા, જેઓના લગ્ન જીવન તેઓને આભારી હતા. તેઓના છૂટાછેડા બિરેન શાહે અટકાવ્યા હતા અને આ બધા જ યુગલો તેમને માનથી નિહાળતા હતા અને દર વર્ષે કોઈ ભેટ આપતા હતા. આમ છતાં, તેઓએ અનેક પતિ-પત્નીને અલગ પણ કર્યા હતા. જ્યારે તેઓને લાગતું કે આ પતિ-પત્ની કોઈ પણ રીતે સાથે રહી શકે તેમ નથી અને છૂટા પડે તેમાં જ તેમની ભલાઈ છે, ત્યારે તે, તેમનો કેસ લઈને, સચોટ દલીલો કરીને, કોઈને પણ બદનામ કર્યા વગર છૂટાછેડા અપાવતા હતા.

આજે સવારે નવ વાગ્યે, તેઓની ઑફિસમાં નિતા અને નિખીલ બેઠા હતા.
‘ચા લેશો ?’ બિરેશ શાહે પૂછ્યું. ‘હવે તમે છૂટા પડવાના જ છો તો સાથે બેસીને ચા લઈ લો ને !’ અને તેઓ બીજું કંઈ કહે તે પહેલા તેઓએ ટેલીફોન પર ચા લાવવાનું કહ્યું.
‘મારે કોઈ પણ હિસાબે નિખીલ સાથે રહેવું નથી. મારાથી તે હવે સહન થતો નથી.’
‘મારે પણ રહેવું નથી. તેની હાજરીથી મને ગુંગળામણ થાય છે.’ નિખીલે કહ્યું.
‘તમારા લગ્નને કેટલા વર્ષ થયા ?’
‘પાંચ’ નિતાએ કહ્યું.
‘લગ્ન કેવાં હતાં ?’
‘એટલે ?’
‘તમારા પ્રેમ લગ્ન કે – ’
‘પ્રેમ લગ્ન !’ નિખીલે કહ્યું.
‘અને પાંચ વર્ષમાં જ પ્રેમનું ઝરણ સુકાઈ ગયું ?’
‘પ્રેમ એ મારો ભ્રમ હતો.’ નિખીલે કહ્યું.
‘અને કોઈ ઝરણ હતું જ નહિ.’ નિતાએ કહ્યું.

વકીલ બન્ને ને જોઈ રહ્યા. બન્ને મક્કમ લાગતા હતા.
‘પ્રેમ કેવી રીતે થયો હતો ?’
‘અમે બન્ને કૉલેજમાં હતા અને અમારી મૈત્રી થઈ અને પછી – ’
‘તે સમયે તમને લાગ્યું હશે કે તમે એક બીજા સાથે જીવનભર રહી શકશો ?’
‘હા. તે સમયે અમને થયું હતું કે આ સાથ જીવનભર રહેશે.’
‘તો પછી આ પાંચ વર્ષ કે છેલ્લા એકાદ-બે વર્ષમાં એવું શું થયું કે તમને લાગ્યું કે હવે બસ થયું.’
‘વકીલ સાહેબ,’ નિતાએ શરૂઆત કરતાં કહ્યું, ‘નિખીલ, હંમેશ બિઝી રહે છે. મારી તરફ ધ્યાન જ આપતો નથી. એને કોઈ દરકાર નથી અને નાની નાની વાતમાં મારો વાંક કાઢે છે, ઝઘડે છે. તેને હવે મારામાં રસ જ રહ્યો નથી. અમે છેલ્લા છ મહિનાથી બહાર ગયા નથી, પિક્ચર જોયું નથી ને રેસ્ટોરામાં ગયા નથી.’
‘અને તે મારી કાળજી રાખતી જ નથી. આખો દિવસ ફોન પર તેની કોઈ બહેનપણી કે બીજા સાથે વાત કર્યા કરે છે. ઘર અસ્તવ્યસત રહે છે, રસોઈ સમયસર થતી નથી અને નાની નાની વાતમાં મારો વાંક કાઢે છે. હું ત્રાસી ગયો છું.’

એટલામાં ચા આવી, કપમાંથી વરાળ નીકળતી હતી. બિરેન શાહે, એક કપ લીધો અને નિતાના હાથમાં આપવા જતાં, ચા, નિતાની સાડી પર પડી.’
‘અરે દાઝી જશે’ નિખીલે ચીસ પાડી અને તરત રૂમાલ કાઢ્યો અને સાડી પરથી ડાઘ સાફ કરવા લાગ્યો. વકીલે જોયું. સ્મિત કર્યું. ‘માફ કરજો, બીજી ચા મંગાવું છું.’
‘વકીલ સાહેબ, હવે રહેવા દો.’
‘તો એમ કરો. એક જણ કપમાં લે અને બીજા રકામીમાં. ચાલશે ?’
‘હા.’
નિતા અને નિખીલે અર્ધી અર્ધી ચા લીધી. વકીલ જોતા રહ્યા. થોડીક વધુ ચર્ચા થઈ.

‘એક કામ કરીએ, તમારે જો અલગ થવું હશે તો, તે તો થઈ શકાશે, પણ મારી એક સલાહ છે. તમે આજે ઘેર જાવ, બે દિવસ પછી ફરીથી આવજો. તમારે આ બે દિવસ દરમિયાન એકબીજા સાથે વાત કરવાની નહિ. ભોજન હોટલમાંથી મંગાવજો અને તમે આવો ત્યારે તમારા લગ્નનું આલ્બમ અને બીજા ફોટા હોય તો એ લઈ આવજો.’
‘ભલે.’ બન્ને એ કહ્યું.
બે દિવસ પછી નિતા-નિખીલ પાછા આવ્યા. લગ્ન-રિસેપ્શનનું આલ્બમ અને બીજા ફોટા વકીલ સાહેબને આપ્યા. બિરેન શાહે, ઝડપથી લગ્નનું આલ્બમ જોયું અને બાજુ પર મુક્યું અને પછી બીજા ફોટા જોવાનું શરૂ કર્યું.
‘તમે હનીમુન પર ક્યાં ગયા હતા ?’
‘આબુ’ બન્ને સાથે બોલ્યાં.
‘અને આ ફોટો સરસ છે.’ વકીલે એક ફોટો કાઢીને બન્ને ને બતાવ્યો. ફોટામાં નિખીલે, નિતાને ઊંચકી હતી. નિતાના હાથ નિખીલના ગળામાં પરોવાયેલા હતા. ‘આ ફોટો કેવી રીતે લીધો હતો ?’
નિખીલ ફોટા સામે જોઈ રહ્યો. ‘વકીલ સાહેબ, અમે સવારે સનરાઈઝ પોઈન્ટ પર જતા હતા, રસ્તામાં ધુમ્મસ હતું, અને વાતાવરણમાં ઠંડકીય માદકતા હતી. અને મને એકાએક થયું કે પિકચરમાં હીરો, હિરોઈનને ઊંચકે છે તો હું કેમ નહિ અને મેં નિતાને ઊંચકી. તે સમયે બીજું પણ એક યુગલ હતું. તેને પણ અમને જોયાં. અને યુવકે – તેની પત્નીને ઊંચકી લીધી. અમે બન્ને નાં ફોટા પાડ્યાં.
‘અને નિખીલ, મને ઊંચકીને લગભગ અર્ધા કિલોમીટર ચાલ્યો હતો. બિચારો થાકી ગયો હતો.’ નિતાના ચહેરા પર મુગ્ધતાના ભાવ આવ્યા અને તેને એક ક્ષણ માટે નિખીલ તરફ પ્રેમથી જોયું.

બિરેન શાહે પણ આ દ્રશ્ય જોયું. તેમને થયું કે આ યુગલને અકબંધ રાખી શકાય છે. નિતા અને નિખીલ ફોટા જોવામાં અને ચર્ચા કરવામાં મગ્ન થઈ ગયા. તેઓ આ ક્ષણે ભુલી ગયા કે તેઓ તેમના આ પ્રેમના વિચ્છેદ માટે અહીં આવ્યા હતા.
‘તમે આ ફોટા તે પ્રસંગ પછી પ્રથમ વાર જુઓ છો ?’ વકીલે પૂછ્યું.
‘હા’ નિતાએ કહ્યું.
‘અને આ ક્ષણોમાં તમે ભુલી ગયા હતા ને કે તમે અહીં કેમ આવ્યા છો ?’
‘હા’ નિખીલે કહ્યું/
‘તો પછી એક કામ કરો, આ આલ્બમ-ફોટાઓ લઈને તમે ઘેર જાવ. દરરોજ સાંજના એક કલાક આ ફોટા જોજો. આ દશ્યોને તમારા ચક્ષુ સમક્ષ લાવજો. છૂટાછેડા શબ્દ કદી પણ ઉચ્ચારશો નહીં. અને સાત દિવસ પછી તમે ફરીથી આવજો. જો તે સમયે પણ તમારે અલગ થવું હશે તો હું વ્યવસ્થા કરીશ.’
‘ભલે’ નિખીલે આલ્બમ લેતા કહ્યું.

સાત દિવસ પછી બન્ને પાછા આવ્યા ત્યારે નિતાએ પાનેતર પહેર્યું હતું અને નિખીલે રેશમી પઠાણી ડ્રેસ પહેર્યો હતો. બન્ને ને જોતાં જ બિરેન શાહે કહ્યું : ‘મારાં હાર્દીક અભિનંદન, તમારાં લગ્નજીવન પૂર્ણ રહે અને કદાપી ભંગાણ ન આવે.’
‘વકીલ સાહેબ, અમે તમારા ઋણી છીએ. પ્રેમ શું છે તેની અમને હમણાં જ ખબર પડી. અમે જો છૂટા પડ્યા હોત તો અમે શું ગુમાવ્યું હોત તેની કલ્પનાથી હું ધ્રૂજી ઊઠું છું.’
‘આજે ચા લઈએ.. અને મીઠાઈ પણ. અને હું વચન આપું છું કે આ વખતે નિતાની સાડી બગાડું નહિ.’ વકીલ સાહેબે આંખ મિચકારતાં કહ્યું.

ચા આવી, પૂરી થઈ.
‘નિતા-નિખીલ, એક વાતનું ધ્યાન રાખજો, લગ્નજીવન એક છોડ છે. તેને દરરોજ પ્રેમનું સિંચન કરવું પડે, તો જ એ દાયકાઓ જતાં ઘટાદાર વૃક્ષ બને છે. તેને પ્રેમ, સંગીત, સહચાર, ઉષ્મા જોઈએ. નહિ તો તે સૂકાઈ જશે. અને છેલ્લે, લગ્નજીવનમાં ગમે તેટલા ઝઘડા થાય તો પણ ક્યારેય છૂટાછેડા શબ્દ ઉચ્ચારશો નહીં. અને આ ફોટાઓ, દર બે-ત્રણ વર્ષે જોતા રહેજો. મારા અભિનંદન અને શુભેચ્છાઓ તમારી સાથે હંમેશા રહેશે.’

નિતા-નિખીલે આભાર માન્યો અને નિખીલે નિતાનો હાથ પકડ્યો, બન્ને બહાર નીકળ્યા. વકીલ બિરેન શાહ અનોખા સંતોષથી બન્નેને જોઈ રહ્યા.

ભલે ને રૂપ ફરતું હો ગમે તેવી ખુમારીમાં, પ્રણયને દ્વાર એનું પ્રાણ પાથરવું ય જોયું છેડો. શરદ ઠાકર |

એકવીસ વર્ષના આવૃત્તે છેલ્લાં એક અઠવાડિયામાં એકવીસ હજાર વાર માથું ખંજવાળ્યું, પાછલા એક મહિનામાં પચીસ મિત્રોને પચાસ હજાર વાર એકનો એક સવાલ પૂછ્યો, જવાબમાં એક લાખ નુસખા સાંભળવા મળ્યા, આગલી આખીયે રાત ઊઘવાને બદલે પડખાં ઘસીને પસાર કરી નાખી અને આજ સવારથી અત્યાર સુધીમાં એક કરોડ વાર તાજા, ગરમાગરમ નિ:સાસા રમતાં મૂકયાં, તો પણ એની નાની અમથી સમસ્યાનો ઉકેલ ન જડયો. એની સમસ્યા હતી : ‘એના પડોશમાં રહેતી મનહરભાઇની મનમોહક દીકરી આસકિતને પોતાના દિલની વાત શી રીતે જણાવવી?

જે મિત્રો શબ્દશૂરા અને વચનબહાદુર હતા એમની સલાહ હતી, ‘તડ ને ફડ કરી નાખ! તારે તો એનાં ઘરમાં જવા-આવવાનો સંબંધ છે. એને સીધે સીધું જણાવી દે કે ‘આસકિત, હું તને પ્રેમ કરું છું!’ બસ, એનાં મનમાં જે હશે તે બહાર આવી જશે. અડધી મિનિટનો મામલો છે!’

આવૃત્ત ભડકી ઊઠતો, ‘ના, મિત્રો, ના! આ અડધી મિનિટનો નહીં, પણ આખી જિંદગીનો સવાલ છે. મારે કોઇ પણ સંજોગોમાં આસકિતનાં મુખેથી ‘ના’ સાંભળવાની ઇરછા નથી. મને કોઇ એવો ઉપાય બતાવો જેનાં જવાબમાં ‘હા’ અને માત્ર ‘હા’ જ સાંભળવા મળે!’ કેટલાંક વિચરશીલ મિત્રોએ સલાહ આપી, ‘પ્રેમપત્ર લખી નાખ! ગુલાબી કાગળ પર રકતભીનાં શબ્દોને રમતાં મૂકીને એવી તો ઉત્કષ્ટ રીતે પત્રનું ડ્રાફ્રટિંગ કર કે પેલી ભલે તારા પ્રેમમાં ન પડે, પણ તેં લખેલા પત્રના પ્રેમમાં તો પડે જ પડે! આવૃત્ત વિચારમાં પડી ગયો, ‘તમારી સલાહ ખોટી નથી, તો સો એ સો ટકા સલામત પણ નથી. જો ઉત્તમ પ્રેમપત્ર લખવાથી પ્રેમિકાનું હૃદય જીતી શકાતું હોય તો જગતનો એક પણ કવિ કે લેખક ભગ્નપ્રેમી હોય તેવું જોવા ન મળતું હોત! મને ટકોરાબંધ રસ્તો સૂજાડો, આવા ‘ફિફટી-ફિફટી’ ઉપાયોની મારે જરૂર નથી.’

આવૃત્ત ધનવાન ખાનદાનનો નબીરો હતો. બે દાયકાની જિંદગીમાં એણે એક પણ વાર ‘ના’નું મુખ જોયું ન હતું, પરાજયનો સ્વાદ ચાખ્યો ન હતો, સમાધાનની સ્થિતિ સ્વીકારી ન હતી, માટે જ એ આસકિતની જીભે પોતાનો અસ્વીકાર સહન કરવા માટે તૈયાર ન હતો, પડોશીઓ હોવાના નાતે આવૃત્ત અને આસકિત વચ્ચે સારી એવી દોસ્તી હતી. નાનાં હતા ત્યારથી બંને જણાં ભેગા રમીને ઉછર્યા હતા. આસકિતનો મોટો ભાઇ તો આવૃત્તનો મિત્ર પણ હતો. આવૃત્ત ચાહે ત્યારે બાજુના ઘરમાં જઇ શકતો હતો. પણ આસકિતનાં ઘરમાં જવું તે એક વાત હતી, એનાં હૃદયમાં પ્રવેશ કરવો તે અલગ વાત હતી.

છેવટે એ નિર્ણય પર આવ્યો : ટેલિફોન દ્વારા પોતાનો પ્રેમ આસકિત આગળ ખુલ્લો કરી દેવો! જોકે એમાં પણ એણે આગોતરા જામીનની વ્યવસ્થા તો કરી જ નાખી. એણે નક્કી કર્યું કે ફોનમાં એ પોતાનું નામ જાહેર નહીં કરે. શરૂઆત નનામા ફોન રૂપે જ કરશે અને પછી આસકિતનો પ્રતિસાદ સાનુકૂળ જણાશે તો એ પોતાની ઓળખાણ છતી કરી નાખશેએ બપોરે બે-અઢી વાગે આવત્તે લેન્ડલાઇનનો નંબર ડાયલ કર્યો. એ દિવસ રજાનો હતો અને બપોરના સમયે ઘરનાં બીજા સભ્યો ભોજન પછી ઘસઘસાટ ઊઘતા હોય છે એ વાતની એને જાણ હતી. એની ગણતરી સાચી પડી. રિસવિર આસકિતએ જ ઉપાડયું, ‘હેલ્લો, કોણ?’ આવૃત્ત જવાબ ન આપી શકયો. આસકિત પૂછી રહી હતી, ‘હેલ્લો! હેલ્લો! આપને કોનું કામ છે?’ માંડ-માંડ આવૃત્તની જીભ ખૂલી, ‘તમારું.’

‘તમે કોણ?”તમારો પ્રેમી. બસ, એટલું જ કહેવા માટે મેં ફોન કર્યો છે કે હું તમને ખૂબ જ પ્રેમ કરું છું, પણ તમને કહી શકતો નથી.’

‘મને પ્રેમ કરનારા તો હજારો છે. સુંદર છોકરીને ચાહનારા પાગલોથી તો આ પૃથ્વી ઊભરાય છે. તમારું નામ?’

આવૃત્ત ગભરાયો. અત્યાર સુધી તો બધું બરાબર ચાલ્યું હતું, પણ હવે વાત નિર્ણાયક મોડ પર આવી પહોંચી હતી, એને ખુદને નવાઇ લાગી રહી હતી કે પોતે શી રીતે આટલી વાતચીત કરી શકયો હતો! અલબત્ત, આવૃત્તે સભાનતાપૂર્વક એનો અવાજ બદલી નાખ્યો હતો. હવે આસકિતએ એનું નામ પૂછ્યું, એટલે એ ગભરાયો. ગભરાટને લીધે એનો અવાજ સાવ જ બદલાઇ ગયો, ‘મ…મ…મા…મારું…નામ..? એ તો તમે જ શોધી કાઢો ને?’

‘અરછા! મારી બુદ્ધિને પડકાર ફેંકો છો તમે? ઠીક છે. હું પડકારનો સ્વીકાર કરું છું. તમે બે-પાંચ મિનિટ વાત ચાલુ રાખો, હું તમને પકડી પાડું છું!’ આસકિતનાં બોલવામાં આત્મવિશ્વાસનો રણકો હતો. ગભરાયેલા આવૃત્તે રિસવિર મૂકી દીધું. એને સૌથી મોટો ડર એ વાતનો હતો કે રખે ને એની ઓળખ છતી થઇ ગયા પછી આસકિત એનો પ્રેમ ધુત્કારી નાખે તો એની સાથે વાતચીતનો સંબંધ છે એ પણ કપાઇ જશે!

એક ઘા તો ખાલી ગયો. હવે શું કરવું? એક સાંજે તે આસકિતનાં ઘરે ગયો. બહાનું તો આસકિતનાં ભાઇને મળવાનું હતું. પણ એનો આશય જુદો જ હતો. પોતાના ખિસ્સામાં એ એક નાનકડાં જાડા કાર્ડબોર્ડ જેવા કાગળ ઉપર સાંકેતિક ચિત્ર દોરીને લઇ ગયો હતો. એમાં લાલચટાક પેન વડે હૃદયની આકતિ દોરેલી હતી. એમાંથી એક ભૂરા રંગનું તીર હૃદયને વીંધતું બતાવેલું હતું. નીચેના કોરા ભાગમાં બે કબૂતરો ચાંચમાં ચાંચ પરોવીને પ્રેમચેષ્ટા કરતાં દર્શાવ્યા હતા. માદાને એણે નામ આપ્યું હતું : આસકિત. અને નર કબૂતર પાસે એણે મોટો પ્રશ્નાર્થ ચિતર્યો હતો.

બધાં સભ્યો પોતાના કામમાં મશગૂલ હતા, આસકિત પણ રસોડામાં હતી, એ તકનો લાભ લઇને આવૃત્ત એનાં સ્ટડીરૂમમાં સરકી ગયો. આસકિતનાં વાંચવાના ટેબલ ઉપર એનો સેલફોન પડેલો હતો. એની નીચે પેલું ચિત્ર દબાવીને આંખના પલકારામાં એ પાછો બહાર નીકળી ગયો. અઠવાડિયું પસાર થઇ ગયું. આસકિતનાં ચહેરા પરની એક પણ રેખા ફરકતી ન હતી! આવૃત્ત હવે મરણિયો બની ગયો. દિવસમાં ગમે ત્યારે ગમે તેટલી વાર એ ‘બ્લેન્ક કોલ’ કરવા માંડયો.

આસકિત દરેક વખતે પૂછતી ‘હેલ્લો! કોણ છો તમે?’ જવાબમાં આવૃત્ત મણ-મણનાં નિ:સાસા સંભળાવતો. તો પણ વાત જામતી ન હતી. એક વાર તો આવૃત્તે હદ કરી. આસકિતનું ‘એકિટવા’ કોલેજમાં પાર્ક થયેલું હતું એના કી-હોલમાં નાનકડી પ્રેમચિઠ્ઠી એ ભરાવી આવ્યો. એનો પણ કોઇ પડઘો ન ઊઠયો. આનો અર્થ એ થઇ શકે કે કાં તો આસકિતને પ્રેમની સમજ ન હતી, કાં તો એને પ્રેમની જરૂર ન હતી. આવૃત્ત હતાશાથી ધેરાઇ ગયો. વધારે પ્રયત્નો કરવાનું એણે માંડી વાળ્યું. એક દિવસ બપોરના સમયે આવૃત્ત કોલેજની કેન્ટીનમાં બેઠો હતો.કાળઝાળ ગરમી હતી અને દસ-બાર મિત્રોની સોબત હતી. બધાંના હાથમાં સોફટ ડિ્રન્કની બોટલ હતી. ત્યાં જ આસકિતનું આગમન થયું. એણે મૈત્રીભાવનો ટહુકો કર્યો, ‘હાય, આવૃત્ત! એકલો-એકલો ઠંડા પીણાંની મજા માણે છે?”હાય, આસકિત! એકલો કયાં છું? આટલાં બધાં મિત્રો તો છે સાથે. આવને તું પણ.’ કહીને આવૃત્તે બેસવા માટે ખુરશી ચીંધી. પછી પૂછ્યું, ‘શું લઇશ, બોલ! પેપ્સી કે કોક?’

આસકિતએ આવૃત્તના હાથમાંથી સોફટ ડ્રિન્કની બોટલ લઇ લીધી. એમાં સ્ટ્રો પણ હતી. આસકિતએ સ્ટ્રો પોતાનાં બે ગુલાબી હોઠો વચ્ચે મૂકીને સોફટ ડિ્રન્કના ઘૂંટડા ભરવા માંડયાં.

‘હાં..! હાં..! આસકિત, આ શું કરે છે?! સ્ટ્રો તો મેં એંઠી કરેલી છે!!’ આવૃત્ત ખળભળી ઊઠયો.’મને ખબર છે. પણ હું જીવનમાં દરેક વાત ખુલ્લંખુલ્લા કરવામાં માનું છું. નનામા ફોન કોલ્સ, નનામા પ્રેમપત્રો, નામ વગરના નિ:સાસા આ બધું માત્ર ડરપોક લોકનું કામ છે. મારો જવાબ મેં છડેચોક આપી દીધો છે. શરમાય તે કરમાય! તારે કંઇ કહેવું છે? કે હજુ પણ..?’

આવૃત્તે આસકિતનો હાથ પકડી લીધો,’કહેવું છે! આ કેન્ટીનની છત ફાડીને આસમાનનો ચંદરવો ભેદીને અંતરિક્ષમાં બિરાજેલા ઈશ્વરને સંભળાય, એટલા બુલંદ અવાજે મારે એક જ વાકય કહેવું છે : આઇ લવ આસકિત!

(સત્ય ઘટના)

સંવેદના અને અભિવ્યક્તિ – મારો ગુજરાતી સાહિત્યસંગ્રહ

આપણી પોતીકી ભાષાનો શબ્દ નીકળે છે ત્યારે સ્વાભાવિક છે કે આ શબ્દને પોતાના અંગત ભાવ-વિશ્વમાં કેદ કરીને રાખવાનું મન થાય.

આવો જ એક પ્રયાસ અત્રે કરવામા આવેલ છે, એવી રચનાઓ જે લાગણીઓની અભિવ્યક્તિ બને, અને જે આપણામા રહેલા ‘સ્વ’ સાથેનો આપનણો સેતૂ સાધી આપે, જેની સોડમ મહેંદીની સુગંધની માફક આપણા દિલોદિમાગ મા અકબંધ રહે, જે જીંદગીના દરેક સોપાન પર પ્રેરણાનો સ્રોત બની રહે – એ તમામ ગુજરાતી રચનાઓ આપ અહી માણી શકો છો.

મારો મૂળભૂત અભિગમ હકારાત્મક હોવાથી મારા સંગ્રહમાં આપને મારી પ્રિય એવી ખુમારી અને સ્વાભિમાન થી છલક્તી પ્રેરણાદાયી રચનાઓ મહત્તમ માણવા મળશે.

“જો આપના વિચારોની ભાષા ગુજરાતી હોય અને આપને સ્વપ્ન ગુજરાતીમાં આવતા હોય, તો આ બ્લોગ આપના માટે છે. જો આપને ગુજરાતી ભાષા પ્રત્યે પ્રેમ હોય અને ગુજરાતી સાહિત્યના વારસાનો ગર્વ હોય તો બ્લોગ માં આપનું સ્વાગત છે. ગુજરાતી સહિત્યની આપની પ્રિય રચનાઓ તથા ગુજરાતી ભાષા કે સહિત્યને લગતી જો કોઈ માહિતી આપની પાસે હોય, તો આ બ્લોગ ના માધ્યમથી આપ તે માહિતી તથા રચનાઓ અન્ય વાચકો તથા ભાવકો સુધી પહોંચાડી શકો છો. તદુપરાંત, અન્ય સભ્યોએ રજુ કરેલી સાહિત્યીક રચનાઓ આપ માણી શકો છો. તો આવો અને ગુજરાતી સહિત્યની ઊજાણીમાં શામેલ થઈ જાવ.”

વિવિધ લેખકો અને કવિઓની રચનાઓ જે લાગણીઓના તારને ઝંક્રુત કરી જાય અને આપણી સંવેદનાઓને વાચા આપે. આવી અમુક રચનાઓ જે મારા સંગ્રહ માં હતી તેને આ બ્લોગ ના માધ્યમ દ્વારા અહી મૂકેલ છે, આ સંગ્રહ ને બ્લોગ દ્વારા અહી મુક્વાનો એક માત્ર હેતુ આ કવિતાઓ,લેખ તેમજ લઘુકથાઓ અને ગીતો ને અન્ય ગુજરાતી ભાષાના ચાહકો સુધી તેમની પ્રિય કવિતા પહોચાડવાનો છે.

આ બ્લોગ પર અન્ય કવિઓની તેમજ લેખકોની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે.

બ્લોગ વિષે તમારા અભિપ્રાય અને સુચનો આપતા રહેશો તો મને ઘણો આનંદ થશે.

ત્યાં સુધી યુદ્ધસ્વ – કાન્તિ ભટ્ટ

આજે 75 વર્ષની ઉંમરે પણ લાગ્યા કરે છે કે જીવનમાંથી હું શીખ્યો નથી. હજી શીખવાનું બધું જ બાકી છે. સાર્થ જોડણીકોષમાં શીખવું એટલે જ્ઞાન મેળવવું. એ વ્યાખ્યા મુજબ હજી જ્ઞાન લાધ્યું નથી. અંગ્રેજીમાં શીખવું માટે લર્ન શબ્દ છે. તે અર્થમાં બ્રિટિશ કવિ વિલિયમ શેનસ્ટોને લખેલું કે માય નોલેજ ઑફ બુક્સ હેડ ઈન સમ ડિગ્રી ડિમિનિશ્ડ માય નોલેજ ઑફ ધ વર્લ્ડ – અર્થાત પુસ્તકો વિષેના મારા જ્ઞાને મારા જગત વિષેના જ્ઞાનને ઓછું કર્યું છે… પરંતુ મારા આ જવાબથી વાચકોને સંતોષ નહીં થાય. પ્રચલિત અર્થમાં જ મારે જીવનમાંથી શું શીખ્યો એમ નાછૂટકે કહેવું પડશે. શરૂમાં જ મેં સ્પષ્ટ જવાબ આપ્યો નથી, કારણ કે બચપણથી આજ સુધી મારે જે શીખવું હતું, જે જ્ઞાન મેળવવું હતું, જે ‘જાણવું’ હતું તે જાણવાની મને ખરી તક મળી નથી. આ જગતની વ્યવહારિકતા અને મારા અસ્તિત્વ માટેના સંઘર્ષમાં મને જોઈએ તે રીતે જાણવાની ફુરસદ મળી નથી અને આજે 75 વર્ષની ઉંમરે હું 15 કલાક લખવા અને વાંચવાનું કામ કરું છું. તેથી શીખવાનો મોકો મળતો નથી.

સવારે 5 વાગ્યે ઊઠીને લેખ લખવા બેસી જાઉં છું. રોજ રોજ 365 દિવસ માટે ગુજરાતી દૈનિકમાં એક કટાર લખવાની હોય છે. બે સાપ્તાહિક કટારો બીજાં બે પ્રકાશનો માટે લખવાની હોય છે. કોઈ સ્ત્રી ઉપર બળાત્કાર હોય કે નાના બાળક ઉપર અત્યાચાર થાય કે અસહ્ય દુ:ખ આવી પડ્યા પછી ઘણા કોમળ જીવો હિબકાં ભરે છે. હું આજે મારા સમગ્ર જીવનમાં મારા પર આવેલા કેટલાય વ્યવહારુ અને પ્રિયજનોએ કરેલા અન્યાય તેમજ લાગણીને લગતા આઘાતોનાં હીબકાં ભરું છું. તેથી નિવૃત્ત થવાનો કે ‘શીખવાનો’ અવકાશ મળ્યો નથી.

મને જેમના પર શ્રદ્ધા છે તે રાજશ્રી મુનિને મેં એક વખત પૂછેલું : ‘હું ક્યારે નિવૃત્તિ લઈશ ?’ પત્રકારત્વની મારી કહેવાતી લોકપ્રિયતા હવે કોઠે પડી છે. ઊલટાની બંધનમાં નાખે છે અને વ્યસનરૂપ બની છે. હું ખરેખર કંટાળી ગયો છું. થાકી ગયો છું. વાજ આવી ગયો છું. મને રાજશ્રી મુનિએ કહ્યું : ‘ના, લખવાનું ચાલુ રાખો.’ એ પછી આલ્બર્ટ આઈન્સ્ટાઈનનું એક કથન યાદ આવ્યું. તેમણે લખેલું કે ‘આ પૃથ્વી ઉપર આપણી સ્થિતિ બહુ વિચિત્ર છે. આપણે તદ્દન ટૂંકી મુલાકાતે આવીએ છીએ. એમ છતાં લાગે છે કે આપણે કોઈ દિવ્ય હેતુ અર્થાત ઈશ્વરની કોઈ યોજના હેઠળ અહીં આવી પડ્યા છીએ.’ વાહ. જો આઈન્સ્ટાઈનની વાત માનું તો ડિવાઈન પરપઝ મારે માટે એ છે કે હું લખ્યા કરું અને ‘જીવનમાંથી શું શીખ્યો’ તે વિષે વાચકને ગળે ઊતરી શકે તેવો જવાબ આપું. તે માટે મારે થોડું આત્મકથાત્મક કહેવું પડશે. તે પ્રક્રિયામાં હું જે કાંઈ શીખ્યો તેનો જવાબ આવી જશે. હજી થોડી આ લેખની પ્રસ્તાવના લંબાવું. તંત્રીઓના નિયમ પ્રમાણે પ્રત્યેક લેખના કદની મર્યાદા હોય છે. જો ભગવાન કૃષ્ણને આધુનિક એડિટરો મળ્યા હોત તો કહેત કે 18 અધ્યાય નહીં, સંક્ષેપમાં પતાવો. તો કૃષ્ણે માત્ર એટલું જ કહેવાનું રહેત કે ‘યુદ્ધસ્વ’

જીવન ગતિશીલ છે. માનવી છેલ્લો શ્વાસ ન લે ત્યાં સુધી તેણે નવું નવું રોજ શીખવાનું રહે છે. સાથે સાથે યુદ્ધ કરવાનું રહે છે. માનવીનાં જીવનમૂલ્યોય બદલાતાં રહે છે. અનુભવને લીધે અને કંઈક પ્રારબ્ધવાદી વલણ ગળથૂથીમાં મળવાને કારણે નવું શીખીને જૂની વિચારધારા સામે લડવું પડે છે. મેં જીવનમાં જોયું છે કે પત્ની, પુત્ર, ભાઈઓ કે સાથીદારો દગો દે છે. પણ પુસ્તકો દગો દેતાં નથી. પુરુષાર્થ દગો દેતો નથી. મેં પુસ્તકો અને પત્રકારત્વને જ મારા મિત્રો રાખ્યાં છે. જીવનમાંથી હું એ શીખ્યો કે આખરે રાત પડે ત્યારે તમે જ તમારા સાથીદાર છો, એટલે સાથીદાર શોધવા બહુ ધમપછાડા ન કરવા. છતાં પણ ધમપછાડા ચાલુ છે. હું કંઈ શીખ્યો નથી. આજથી 23 વર્ષ પહેલાં હું ‘અભિયાન’ નો તંત્રી હતો ત્યારે તે સમયના ઈન્ડિયન ચૅમ્બર ઑફ કોર્મસના વિદ્વાન મહાસચિવ રામુભાઈ પંડિતને પણ મેં વિષય આપેલો – ‘જીવનમાંથી હું શું શીખ્યો ?’ રામુભાઈ પંડિત જીવનમાંથી શીખેલા કે પ્રારબ્ધને દોષ દઈને બેસી ન રહેવાય. જીવન સાથે સંઘર્ષ કરવો જ પડે છે.

કેટલાંક પરસ્પર વિરોધી અનુભવો કે તારણો આપણને જીવનમાં જાણવા મળે છે. સરદાર પાણીકર જેણે ભારતના રાજ્યોની પુન:રચના કરી તેમણે જીવનનું તારણ કાઢેલું, ‘આખરે મારા જીવનમાં મેં જોયું કે માણસ ગમે તેટલા ધમપછાડા કરે પણ જ્યાં સુધી સંયોગો બળવાન ન બને ત્યાં સુધી માનવી કંઈ કરી શકતો નથી.’ સરદાર પાણીકરની આ વાત પણ મને સાચી લાગી છે. સાથે રામુભાઈ પંડિતની વાત સાચી લાગી છે કે સંયોગો કે પ્રારબ્ધને દોષ દઈ બેસી ન રહેવાય. હું કેટલીક કપરી સ્થિતિમાંથી છૂટવા સખત પુરુષાર્થ કરતો અને કેટલીય વખત બળવો કરીને અને કપરા સંયોગો સામે લડીને મુક્તિ મેળવી છે તે લાભપ્રદ નીવડી છે અને કેટલીક વખતે અનુકૂળ સંયોગોની રાહ જોવાનું હું 60ની ઉંમર પછી શીખ્યો, તેમાં લાગ્યું છે કે સંયોગો પાકે તેમ જ તમારી છટપટાહટ પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે જીવનમાં આફૂડું (પોતાની મેળે) પરિવર્તન આવે જ છે. કહેવતોને બહુ મહત્વ ન આપવું. ધીરજનાં ફળ મીઠાં છે, પણ વધુ પડતી ધીરજનાં ફળ માઠાં છે. મારી અધીરજ અને ઉતાવળાપણાથી મેં ગુમાવ્યું તેના કરતાં પત્રકારત્વમાં વધુ મેળવ્યું છે.

‘જે ગમે જગત-ગુરુ દેવ જગદીશ ને, તે તણો ખરખરો ફોક કરવો; આપણો ચિંતવ્યો અર્થ કાંઈ નવ સરે…’ કવિની આ પંક્તિઓ મારા જીવનમાં ઘણી ઉપયોગી નીવડી છે. બચપણમાં માતા-પિતાના કંકાસને કારણે માતા અભણ હોઈને ખાવાપીવાના સાચા સંસ્કાર ન મળ્યા. પિતા શિક્ષક અને કવિ હતા એટલે ઘરે પુસ્તકાલયનો લાભ મને મળ્યો. માતાને પેટ પિતાએ 8 સંતાનો આપી દીધાં. ઘરકામના ઢસરડા સાથે મહેમાનોની લંગાર લાગી હોય તેથી માતાની દયા ખાઈને હું 7 વર્ષની ઉંમરે તમામ ઘરકામ શીખ્યો. છાશ તાણવી, છાણાં થાપવાં, વાસણો માંજવાં, વાસીદું કરવું, પાપડ વણવા વગેરે શીખ્યો. એ પછી ભાદરોડ મહુવામાં વિધવા ગરીબ ફૈબા પાસે ગરીબીમાં રહ્યો. ઝાંઝમેર ગામે વતનમાં પિતા શિક્ષક હતા. 1931ની એ સાલમાં 75 વર્ષ પહેલાં શિક્ષક (માસ્તર) એ ગામના રાજા ગણાતા. પિતા શેરીમાં નીકળે તો સાંજે નિશાળિયા સંતાઈ જતા એટલી હાક પડતી. એ માસ્તરનો પ્રથમ ખોળાનો હું દીકરો એટલે આખું ગામ મને લાડ લડાવે. માસ્તરના મોટા દીકરા તરીકે એટલાં લાડ મળ્યાં કે આજે એ લાડના સંસ્કાર મને દુ:ખી દુ:ખી કરે છે. વળી તંત્રીઓ અને વાચકોના લાડ મેળવવા આંતરડાં તોડીને કામ કરું છું. લાડ અને પ્રેમની કિંમત ચૂકવવી પડે છે.

મોડે મોડે શીખ્યો છું કે સમાજ તમને જેટલાં લાડ કરે છે તેટલી જ થપ્પડો પણ મારે છે. એમ છતાંય બચપણથી સખત પરિશ્રમ કરીને ઊજળી કારકિર્દી રાખીને તમામ લોકોને પ્રિય થવાનો મારો જન્મજાત સ્વભાવ છે અને સાથે આવી રીતે બીજાને માટે ઘસાઈ મરીએ પણ સામે પક્ષેથી લાડ મળતા નથી તેથી વારંવાર નંદવાઈ જવાની ટેવ પણ પડી છે. ઘણા અનુભવ છતાં આ નંદવાઈ જવાની મારી ટેવને ભૂલતો નથી તેથી દુ:ખી થાઉં છું. એમ છતાં મને લાગે છે કે જીવનમાં તમે સીધે માર્ગે ચાલો, આંતરિક ચારિત્ર્ય નિર્મળ રાખો, તમારા પુરુષાર્થમાં ધારદાર અને પ્રમાણિક રહો તો ઈશ્વર તમને મદદ કરે છે. તમામ પ્રતિકૂળ સંયોગો ભવિષ્યમાં અનુકૂળ સ્થિતિ પ્રાપ્ત કરવાની પ્રથમ શરતરૂપે મળે છે.

બચપણમાં ખાવાની ખોટી ટેવથી પેટ બગડ્યું. બી.કોમમાં નરમ તબિયતને કારણે ફર્સ્ટકલાસ ન આવ્યો. ફર્સ્ટકલાસ આવ્યો હોત તો હું વડોદરા સ્ટેટમાં ક્યાંય 1952માં કલેકટર બનીને નિવૃત્ત થઈને મરી ગયો હોત. નરમ તબિયત ઉપકારક થઈ. ઉરુલી કાંચનમાં નિસર્ગોપચારનું શાસ્ત્ર જાણ્યું તે ઉપકારક થયું છે. બચપણમાં જે રેઢિયાળપણું ખોરાકમાં હતું તે આજે શિસ્તવાળું હોઈ 75 વર્ષની ઉંમરે પંદર કલાક કામ કરી શકું છું.

પિતા પરાવલંબી હતા. મેં ગાંધીજીના આશ્રમમાં સેવક તરીકે આજીવન રહેવાનો સંકલ્પ કર્યો. પણ પરાવલંબી પિતાને નિભાવતા કાકાએ મને મલેશિયા બોલાવ્યો. 12 વર્ષ કાકાની ગુલામી ભોગવી. આ ગુલામી ફળી. બિઝનેસનો અનુભવ મળ્યો. વિશાળ દષ્ટિ આવી. સાહસિકતા આવી. ડાયરી રાખતાં શીખ્યો. કાકાએ સ્વાર્થ પૂરો થતાં મલેશિયાથી રવાના કર્યો. રવાના ન કર્યો હોત તો ? ન્યુયોર્કમાં હું નોનફેરલ મેટલનો (બિનલોહ-ધાતુ) નિષ્ણાત બનીને દારૂડિયો બની મરી ગયો હોત. મલેશિયાથી પાછો ફરીને આખા દેશમાં ભટક્યો. આખરે મનગમતું પત્રકારત્વ હાથમાં આવ્યું. આજે પત્રકારત્વ મને જીવાડે છે. 56-58 વર્ષની ઉંમરના કાંદિવલીના વૃદ્ધોને ઓટલા ઉપર બેસી ગપ્પાં મારતા જોઉં છું ત્યારે મને લાગે છે કે ઈશ્વરે મને જેટલી થપ્પડો આપી તેના ઈનામમાં પત્રકારત્વ આપ્યું. આ પત્રકારત્વ મને જીવંત રાખે છે. એટલે ઈશ્વરની યોજના વિષે બહુ ફરિયાદ ન કરવી અને કહી જ હારણ ન થવું. ઈશ્વરે આપેલી તમામ અડચણો સ્વીકારવી. હા, પણ શરત છે કે તમે વર્તણૂકથી કે વલણથી બદતમીઝ અને અપ્રમાણિક ન હોવા જોઈએ. જો તમે સમાજ, વ્યવસાય અને તમારી પોતાની જાત પ્રત્યે વફાદાર રહો તો જીવનમાં આવતી તમામ અડચણો તમારે માટેની તકમાં ફેરવાઈ જાય છે. હું એ શીખ્યો છું.

પણ પુન: મારે તો ફરી આ જન્મના ચક્કરમાં ફસાવું નથી. મારે મોક્ષ મેળવવો છે. એ કેમ મેળવવો ? મારે શીખવાનું બાકી છે. કદાચ આવતે જન્મે તો શીખીશ જ. ત્યાં સુધી યુદ્ધસ્વ.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી

ગાંધીજી : આપણે સૌ થઈ શકીએ – પ્રવીણ ક. લહેરી

મહાત્મા, બાપુ, રાષ્ટ્રપિતા, મહામાનવ, યુગપુરુષ, ધર્મસુધારક, કર્મવીર, જેવાં અનેક વિશેષણોથી જેમનું વ્યક્તિત્વ ઢંકાઈ ગયું છે તેવી આ વ્યક્તિનું નામ અને કામ સમગ્ર વિશ્વમાં સૌનું ધ્યાન ખેંચી રહ્યું છે. શબ્દકોશમાં ‘ગાંધી’નો મૂળ અર્થ ‘કરિયાણાના વેપારી’નો છે, પરંતુ આજે ‘ગાંધી’ શબ્દનો અર્થ સનાતન મૂલ્યોની સાધના કરતા માણસના સંદર્ભમાં વધારે પ્રસ્તુત લાગે છે. અંગત કે સાર્વજનિક જીવનનાં કાર્યોને મૂલવવા માટે ‘ગાંધી’ શબ્દ કસોટીનો પથ્થર સાબિત થયો છે.

અન્યાય અને શોષણના પાયા પર ચણાયેલ સામ્રાજ્યવાદની એક બુલંદ ઈમારતના પાયામાં લૂણો લગાડી તેના કાંગરા ખેરવી નાખવાનું દુષ્કર કાર્ય આગવી રીતે પાર પાડનાર આ વ્યક્તિ સાચા અર્થમાં ‘ક્રાંતિવીર’ છે. ગાંધીજીનું જીવનકાર્ય એટલું વ્યાપક છે કે આવનારી અનેક પેઢીઓને તેમાંથી પ્રેરણા મળશે. આલ્બર્ટ આઈન્સ્ટાઈનની અંજલિ કે ભવિષ્યની પેઢી આશ્ચર્ય અનુભવશે કે આ પૃથ્વી પર આવો માનવ સદેહે વિચરણ કરતો હતો. આ અહોભાવ સૌ ભારતીયોનું મસ્તક ગૌરવથી ઉન્નત કરે છે, પણ ગાંધીજીને આમ ઉચ્ચાસને બેસાડી તેના માર્ગે આપણે કેમ ચાલી શકીએ ? તેવો પ્રશ્ન કરવો તે પલાયનવાદનો પુરાવો છે.

ગાંધીવિચારધારા સમજવા માટે કેટલીક પૂર્વશરતો છે. સૌથી પ્રથમ તો ગાંધીજીને ચીપકાવેલાં તમામ વિશેષણોથી તેમને મુક્ત કરવ જોઈએ. ગાંધીજીના વ્યક્તિત્વ અને વક્તવ્યોનો અભ્યાસ કરતાં જણાય છે કે તેઓની દઢ માન્યતા હતી કે તેમણે જે કાર્યો કર્યાં છે તે તમામ કાર્યો કોઈ પણ સાધારણ વ્યક્તિ (મારો, તમારો, આપણા સૌનો એમાં સમાવેશ કરી લઈએ.) અવશ્ય કરી શકે. ગાંધીજીને સામાન્ય માનવી તરીકે સ્વીકારીએ તો જ તેમણે અપનાવેલ માર્ગે આપણે પ્રસ્થાન કરી શકીએ. તેમની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ વાંચીએ તો કેટલીક હેરત પમાડે તેવી ઘટનાઓ જોવા મળે છે. ગાંધીજી બાળપણમાં અંધકાર, ભૂત-પ્રેતથી ખૂબ ડરતા હતા. પોતાને બીકણ, ડરપોક જાહેર કરવામાં તેમને સંકોચ નથી થયો. ડર દૂર કેમ કરવો ! આ કાર્યમાં એમનું માર્ગદર્શન ઘરમાં કામ કરતી બહેન રંભા કરે છે. રંભા બાળ મોહનને સમજાવે છે કે ‘રામનામ’નું રટણ કરીએ એટલે ભય ટળે. ઘરકામ કરતી બાઈની સલાહ ગાંધીજી ખરા દિલથી સ્વીકારે છે. તેનું પાલન કરે છે. મૃત્યુપર્યંત ગાંધીજી રામનામને વળગી રહે છે. આમાં ગાંધીજીની અંધશ્રદ્ધા હશે તેવો પ્રશ્ન બુદ્ધિગમ્ય છે. તેના સાચા ઉત્તર માટે ગાંધીજીના ‘રામનામ’ પુસ્તકનાં થોડાં વાક્યો વાંચીએ તે જરૂરી છે :

[1] ઈશ્વરને નામની દરકાર ન હોય.
[2] કોઈ પણ રૂપમાં હૃદયથી ઈશ્વરનું નામ લેવું એ એક મહાન શક્તિનો આધાર લેવા બરાબર છે. એની સરખામણીમાં અણુબૉમ્બ પણ કશી વિસાતમાં નથી.
[3] નામસ્મરણ તે પોપટિયું ન હોવું જોઈએ પણ છેક આત્માના ઊંડાણમાંથી આવવું જોઈએ.
[4] રામ એ કોઈ અયોધ્યાના રાજકુમારનું નામ એટલો સીમિત અર્થ ન કરતાં જે શક્તિ સચરાચરમાં સર્વવ્યાપક છે તે અર્થ સાચો છે.
[5] ઈશ્વર એકલો પૂર્ણ છે. મનુષ્ય કદી પૂર્ણ હોતો નથી. રામનામથી માણસમાં નિર્મોહતા અને સમતા આવે છે અને અણીને વખતે તે પાટા પરથી ઊતરી પડતો નથી.
[6] રામનામ આજે મારે સારુ અમોઘ શક્તિ છે.

આજે આપણે ઘરકામ કરનાર બાઈની કોઈ વાત ધ્યાનથી સાંભળીએ છીએ ખરા ? વાસ્તવમાં તો હિતેચ્છુ, મિત્રો, વડીલો, શિક્ષકો કે મા-બાપ કોઈની વાત સાંભળતાં કે સમજતાં આપણને નાનપ લાગે છે. જીવનનાં સત્યો ગ્રહણ કરવા સદાય તત્પર રહે તે ગાંધીજી કેમ ન બની શકે ? આ માટે નિષ્ઠા, નિખાલસતા, પરિશ્રમ, સમજદારી અને ચીવટની જરૂર છે. અન્ય એક જાણીતા પ્રસંગમાં પરીક્ષા સમયે નિરીક્ષક પાસે સારું દેખાડવા માટે શિક્ષક જ એક શબ્દની સાચી જોડણીની નકલ કરવાનું કહે છે. ગાંધીજીનું જાગૃત મન આ સલાહ સ્વીકારી શકતું નથી. આવી વિવેકબુદ્ધિને આપણે બાળસહજ ન ગણીએ તે સમજી શકાય છે. ‘ફૂટેલાં પ્રશ્નપત્રો’ અને ‘ભ્રષ્ટ પરીક્ષકો’ને શોધતાં મા-બાપ તો પુખ્તવયનાં હોય છે. જેઓને પોતાનું હિત સાધવા માટે સાધનશુદ્ધિની દરકાર નથી તે સમૂહમાં આપણે સામેલ છીએ. પોતાના સ્વાર્થી કામ માટે ઉપવાસ કે આંદોલન કરી પોતે ગાંધીચીંધ્યા માર્ગે ચાલતા હોવાનો દાવો કરે ત્યારે ગાંધીમાર્ગ ઉપરની બધી બત્તીઓ બુઝાઈ જાય છે અને સ્વાર્થનો ગાઢ અંધકાર પ્રસરે છે. ગાંધીજી તેથી જ કહે છે : ‘જીવન સેવાને સારુ છે, ભોગને સારુ નથી.’ ઉપભોક્તાવાદની બોલબાલા હોય ત્યાં આવો ઉપદેશ ! ગાંધીજીના જીવનદર્શનથી વિરુદ્ધ દિશામાં જઈ રહેલ વિશ્વમાં હિંસા, અન્યાય અને શોષણ જરૂરિયાત રૂપે સ્થાપિત થઈ રહ્યાં છે. સ્વ માટે જીવવું તે પ્રેય અને પરમાર્થે જીવવું તે શ્રેય એવી આપણી સંસ્કૃતિની માન્યતા છે.

ગાંધીજીનું જીવન પરમ શ્રેયાર્થીનું, સમષ્ટિના સુખ માટે સમર્પિત થયેલું છે. હે રામ, મને ક્યાંથી આવું ભદ્રંભદ્ર ગુજરાતી સૂઝ્યું ! જે ભાષા કોશિયો ન સમજે તો તેનો ઉપયોગ બિનજરૂરી છે. સાદી ભાષામાં ગાંધીજી પરાઈ પીડ જાણી તેને દૂર કરવાને અગ્રતા આપે છે. હિંસા પીડાનું સર્જન કરે છે જ્યારે પ્રેમ તેના ઘાવની પાટાપિંડીનંજ કામ કરે છે. જૈન મત અનુસાર કોઈ પણ જીવને અપાતું દુ:ખ અશાતા ઉત્પન્ન કરે છે. આવી અશાતાનું નિવારણ જરૂરી છે. અન્યથા સુખની સમતુલા જળવાતી નથી. અહિંસાને ગાંધીજી સર્વવ્યાપી પ્રેમની વ્યાખ્યા આપે છે. અહિંસા એ નમ્રતાની પરાકાષ્ઠા છે. ગાંધીજીનો અહિંસાનો આગ્રહ સત્યાગ્રહ આંદોલન પૂરતો સીમિત નથી પણ સર્વગ્રાહી છે. પશ્ચિમના ભોગ અને વ્યક્તિવાદના આગ્રહ સામે ગાંધીજી ચેતવે છે, તેની સીમા બાંધી આપે છે અને તેનાં જોખમો પણ સ્પષ્ટ કરે છે. ગાંધીજીના વિચારો પર શ્રીમદ રાજચંદ્રનો પ્રભાવ અવશ્ય છે પણ ગાંધીજીની મોક્ષ કે આત્મકલ્યાણની ભાવના ‘વ્યક્તિલક્ષી’ નથી પણ સામાજિક ચેતના અને ઉત્થાન માટે છે. ‘મોક્ષ તો હું ગરીબમાં ગરીબની સેવા વિના અને તેમની સાથે તાદાત્મ્ય વિના અશક્ય સમજું છું.’ ગરીબીને હટાવવા માટે આથી સારી ગુરુચાવી કઈ છે ? આપણે સૌ થોડું પણ નક્કર કાર્ય કરીએ તો સદકાર્યોનો પ્રભાવ ગુણાકાર જેમ ઝડપથી વધે. સૌને કાંઈક સારું કરવું છે, આ ભાવના દઢ થાય અને સંકલ્પમાં પરિણમે તે માટે ‘અભ્યાસ અને વૈરાગ્ય’ જરૂરી છે. ગાંધીજીના વિચારો મુજબ માળા, તિલક, ઈત્યાદિ સાધનો ભલે ભક્ત વાપરે પણ તે ભક્તિનાં લક્ષણો નથી.

ગીતાના ગુજરાતી ભાષાંતરની પ્રસ્તાવનામાં ગાંધીજી લખે છે : ‘ગુજરાતી ભાષાનું મારું જ્ઞાન ઓછું હોવા છતાં તેની વાટે ગુજરાતીઓની મારી પાસે જે કંઈ મૂડી હોય તે આપી જવાની મને હંમેશાં ભારે અભિલાષા રહેલી છે.’ મૂડી મેળવવામાં રસ ન હોય તો તે કાચો ગુજરાતી ગણાય. તેથી ગાંધીજી જ્ઞાન માટે મૂડી શબ્દ તો નહીં વાપરતા હોય ! ગાંધીજી આગળ લખે છે કે, ‘અત્યારે ગંદાસાહિત્યનો ધોધ વહી રહ્યો છે, (ફિલ્મો-ચેનલોના સિવાય પણ આવું જ હશે શું ?) તેવે સમયે હિન્દુ ધર્મમાં જે અદ્વિતિય ગ્રંથ ગણાય છે તેનો સરળ અનુવાદ ગુજરાતી પ્રજા પામે, ને તેમાંથી પેલા ધોધની સામે થવા શક્તિ મેળવે.’ આ અનુવાદની પાછળ આડત્રીસ વર્ષના આચારના પ્રયત્નનો દાવો છે. ભક્તની વ્યાખ્યા કરતાં ગાંધીજી ગીતાનો/ધર્મનો અર્ક આપણને આપે છે : ‘જે કોઈનો દ્વેષ કરતો નથી, જે કરુણાનો ભંડાર છે, જે અહં તેમ જ મમતાથી મુક્ત છે, જેને સુખદુ:ખ, ટાઢ-તડકો સરખાં છે, જે ક્ષમાશીલ છે, જે સદાય સંતોષી છે, જેના નિશ્ચય કદી ફરતા નથી, જેણે મન અને બુદ્ધિ ઈશ્વરને અર્પણ કર્યાં છે, જેનાથી લોકો ત્રાસતા નથી, જે લોકોનો ભય નથી રાખતો, જે હર્ષશોકભયાદિથી મુક્ત છે, જે પવિત્ર છે, જે કાર્યદક્ષ છે છતાં તટસ્થ છે, જે શુભાશુભનો ત્યાગ કરનારો છે, જે શત્રુમિત્ર પ્રત્યે સમભાવી છે, જેને માન-અપમાન સરખાં છે, જે સ્તુતિથી ફૂલાતો નથી, નિંદાથી ગ્લાનિ પામતો નથી, જે મૌનધારી છે, જેને એકાંત પ્રિય છે, જેની સ્થિર બુદ્ધિ છે તે ભક્ત છે.’ મહાત્માજી સદગુણરૂપી રત્નોની ખાણ આપણી સમક્ષ ખુલ્લી મૂકે છે.

ગાંધીજનના એક અમૃત મહોત્સવ પ્રસંગે તેને પ્રશ્ન પૂછ્યો કે, ‘ગાંધીજીમાંથી તમને શું પ્રેરણા પ્રાપ્ત થઈ હતી ?’ તેનો જવાબ હતો કે : ‘ગાંધીજી પારસમણિ હતા. તેમના સંપર્ક અને માર્ગદર્શનથી લાખો લોકોનાં જીવનમાં ધરમૂળ પરિવર્તન આવ્યું હતું. ગાંધીજીના ઉપદેશનો સાર એટલો જ છે કે હંમેશાં જાગતા જીવે જીવવું – માંહ્યલો કહે તે સાંભળવું. દરેક માનવીમાં સારા થવાની, સારું કરવાની અમાપ શક્તિ અને શક્યતા રહેલી છે. તે ગાંધીજીની આસ્થાનો પાયો છે. સાચું શું અને ખોટું શું તેની તટસ્થ વિચારણા કરી નિર્ણય કરવો અને આચરણમાં મૂકવો. તેનાં પરિણામો ઈશ્વર પર છોડવાં, તેમાં આસક્તિ ન રાખવી. સત્યના ક્ષીરને પ્રલોભન-સ્વાર્થનાં નીરથી છૂટાં પાડવામાં ગાંધીજી વિવેકસાગરના રાજહંસ છે.

ગાંધીવિચારો મૂળભૂત રીતે જીવન જીવવાની કળાના સિદ્ધાંતો છે. જીવન સામાન્ય ઘટનાઓ અને રોજિંદી પ્રવૃત્તિઓમાં સીમિત રહે તો માનવજન્મ સાર્થક ન થાય. ગાંધીજી માટે તો ‘માણસના જીવનનો પાયો નીતિ છે. આ પાયાથી માણસ ચળ્યો તે ક્ષણે તે ધાર્મિક મટે છે.’ દા…ત, માણસ જૂઠ આચરે, દયાધર્મ છોડે, અસંયમી બને અને છતાં ઈશ્વર પોતાની બાજુએ છે એવો દાવો કરે એ હાસ્યાસ્પદ છે.

Chhote Ganesh…….

Bal Ganeshji

Bal Ganeshji

Ganesh Chaturthi….

Lord Ganesh

Lord Ganesh

Previous Older Entries