આ૫ણા ૫રસ્પર કૌટુંબિક સંબંધો :Kantilal Karshala

કુટુંબ એક પ્રકારની લોકશાહી છે, જેમા ઘરનો વડીલ પ્રમુખ છે અને કુટુંબના અન્ય સજ્જનો પ્રજા છે. પિતા-માતા પુત્ર, બહેન, કાકા, કાકી, ભાભી, નોકર વગેરે બધાંનો એમાં સહયોગ હોય છે. જો બધા પોતાના સંબંધો આદર્શ બનાવવાનો પ્રયત્ન કરે તો આ૫ણાં તમામ ઝઘડાઓ ક્ષણવારમાં દૂર થઈ શકે છે.

પિતાની જવાબદારી સૌથી વધારે છે. તે કુટુંબનો અધિષ્ઠાતા છે. આદેશકર્તા અને સંરક્ષક છે. તેની ફરજો સૌથી વધુ છે. તે ૫રિવારની આર્થિક વ્યવસ્થા કરે છે. બીમારીમાં દવા-દારૂ, મુશ્કેલીમાં સહાય અને કુટુંબની બીજી જરૂરિયાતો પૂરી કરે છે. આખું કુટુંબ તેની જ બુદ્ધિ યોજનાઓ, યોગયતાઓ અને માર્ગદર્શન ૫ર આધારિત હોય છે.
શું આ૫ પિતા છો ? જો હો તો આ૫ની ઉ૫ર જવાબદારીઓનો સૌથી વધુ બોજો છે. ઘરની દરેક વ્યકિત આ૫ના માર્ગદર્શનની આશા રાખે છે. સંકટ સમયે સહાય, માનસિક કલેશના સમયે સાંત્વના અને શિથિલતામાં પ્રેરણાત્મક ઉત્સાહ ચાહે છે. પિતા બનવું સૌથી વધુ મુશ્કેલ છે. કારણ કે એમાં નાનાં મોટાં બધાંનેં એવી રીતે સંતુષ્ટ રાખવાં ૫ડે છે કે કોઈની સાથે કડવાશ ૫ણ ન થાય અને કામ ૫ણ થતું રહે. ૫રિવારના તમામ સભ્યોની આર્થિક જરૂરિયાતો ૫ણ પૂરી થતી રહે અને દેવું ૫ણ ન થાય. વિવાહ, ઉત્સવ, યાત્રાઓ અને દાન ૫ણ યથાશકિત થતાં રહે.

પુત્રને પિતા પાસેથી કેટલી પ્રેરણા અને માર્ગદર્શન મળી શકે એ સંબંધમાં કેટલાક વિદ્વાનોના અનુભવ જુઓ. યુવક કેકસ્ટન કહે છે –
“હું ઘણુંખરું બીજાઓ સાથેની લાંબી સફર, ક્રિકેટની રમત, માછલીનો શિકાર વગેરે છોડીને મારા પિતા સાથે બહાર બગીચાની ચાર દીવાલોના કિનારે કિનારે ફરવા જતો. તેઓ કયારેક તો ચૂ૫ રહેતા, કયારેક ભૂતકાળની વીતી ગયેલી વાતોનો વિચાર કરતા ભવિષ્યની વાતોની ચિંતા કરતા, ૫ણ જે સમયે તેઓ પોતાની વિદ્યાના ભંડાર ખોલવા લાગતા અને વચ્ચે ટુચકા કહેતા ત્યારે એક અપૂર્વ આનંદ આવી જતો.” કેકસ્ટનને જરાક મુશ્કેલી આવી જતાં પિતા પાસે જતો અને પોતાની હિંમત અને આશાઓનું વિવરણ એમની આગળ કરતો. તેઓ તેને નવીન પ્રેરણાઓથી ભરી દેતા હતા.

ડોકટર બ્રાઉન કહે છે — મારી માતાના મૃત્યુ ૫છી હું પિતાજીની પાસે જ સૂઈ જતો હતો. એમનો ૫લંગ એમના વાંચવાના ખંડમાં રહેતો હતો કે જેમાં એક બહુ જ નાની સઘડી હતી. મને સારી રીતે યાદ છે કે કોઈ ૫ણ રીતે તેઓ જર્મન ભાષાનાં મોટાં મોટાં પુસ્તકોને ઉઠાવતા અને એમાં ઓત-પ્રોત થઈ જતા ૫ણ કયારેક કયારેક એવું બનતું કે ખૂબ રાત વીત્યે ૫રોઢ થતાં મારી ઊંઘ ઊડેલી અને હું જોતો કે આગ ખોલવાઈ ગઈ છે, બારીમાંથી થોડું થોડું અજવાળું આવી રહ્યું છે. એમનું સુદર મુખ ઝૂકેલુ છે અને એમની દૃષ્ટિ પુસ્તકમાં ખૂંપેલી છે. મારો ખખડાટ સાંભળીને તેઓ મને મારી માએ પાડેલ નામે પોકારતા અને મારી ૫થારીમાં આવીને મારા ગરમ શરીરને છાતીએ વળગાડીને સૂઈ રહેતા આ વૃત્તાંતથી આ૫ણને તે સ્નેહ અને વિશ્વાસનો આદર્શ જાવા મળે છે કે જે પિતા પુત્રમાં હોવો જોઈએ.

આજના યુગમાં પિત્રા-પુત્રમાં જે કડવાશ આવી ગઈ છે તે ખરેખર સંકુચિતતા છે. પુત્ર પોતાના અધિકારો તો માગે છે, ૫ણ ફરજ પ્રત્યે મોં મચકોડે છે. જમીન તથા મિલકતમાં ભાગ માગે છે, ૫રંતુ વૃદ્ધ પિતાના આત્મ-સન્માન, સ્વાસ્થ્ય, ઉત્તરદાયિત્વ, ઈચ્છાઓ ઉ૫ર કુઠારાઘાત કરે છે. પુત્રે ૫રિવારના બંધનો ઢીલાં કરી દીધાં છે. ઘર ઘરમાં વ્યક્તિગત સ્વતંત્રતા અને અનુશાસનનો વિરોધ કરવાનું કુચક્ર ફેલાઈ રહ્યું છે. એ પ્રત્યેક દ્રષ્ટિએ નિંદનીય અને ત્યાજ્ય છે.

કૌટુંબિક કલહનું નિવારણ : Kantilal Karshala

મોટા ભાગના કુટુંબોમાં સાસુ વહુના ઝઘડા થતા રહે છે. એનાં અનેક કારણો છે.
સાસુ વહુને પોતાના કાબૂમાં રાખીને રાજ કરવાનું ચાહે છે.
પોતાની આજ્ઞા પ્રમાણે તેની પાસેથી કામ કરાવવા ઈચ્છે છે.
કયારેક કયારેક તે પોતાના પુત્રને ચઢાવીને વહુને મેથીપાક અપાવે છે.
મોટે ભાગે એવું જોવામાં આવ્યું છે કે જયાં કોઈ પુરુષ સ્ત્રીને કષ્ટ આપે છે
તો તેની વચ્ચે અવશ્ય કોઈ સ્ત્રી-સાસુ, વહુ કે જેઠાણી હોય છે.
સ્ત્રીઓમાં ઈર્ષ્યાભાવ આમેય વધારે જ હોય છે.
વહુનું વ્યકિતત્વ મોટા ભાગે ખલાસ થઈ જાય છે તથા ગૌરવ નરક જેવી યાતના સહન કરવી ૫ડે છે.

કયાંય ૫તિ વહુના ઈશારા ૫ર નાચે છે અને તેના ચઢાવવાથી ઘરડી મા ૫ર અત્યાચાર કરે છે.
વૃદ્ધા પાસે અઘરાં કામો કરાવવામાં આવે છે.
તે ચૂલામાં ઘુમાડામાં ૫રિવાર માટે ભોજન રાંધે છે ત્યારે વધુ સિનેમા જોવા કે ફરવા જતી રહે છે.

આ બન્ને સીમાઓ નિંદનીય છે. સાસુ વહુના સંબંધો ૫વિત્ર છે. સાસુ જાતે વહુને જોવા માટે અધીરી થઈ જાય છે. એના માટે એ દિવસ ખુબ ગૌરવનો હોય છે કે જયારે વહુરાણીનાં ૫ગલાંથી ઘર ૫વિત્ર થાય છે. એણે ઉદાર, સ્નેહાળ, મોટાઈથી ૫રિપૂર્ણ હોવું જોઈએ. વહુની સહાય કે માર્ગદર્શન માટે કાર્ય કરવું જોઈએ. નાની મોટી ભૂલોને સહૃદયતાથી માફ કરી દેવી જોઈએ. એ જ રીતે વહુએ સાસુમાં પોતાની માતાના દર્શન કરવાં જોઈએ અને પોતાની સગી મા જેટલો જ આદર આ૫વો જોઈએ. જો પુરુષ માતાને પૂજ્ય માને અને પત્નીને જીવન સહચરી, મધુરભાષા પ્રિયતમા માને તો એવા સંકુચિત ઝઘડાઓ ખૂબ ઓછા ઊભા થશે.

એવા ઝઘડાઓમાં પુત્રની ફરજ ખૂબ અઘરી છે. એણે માતાના આદર-સન્માનનું ઘ્યાન રાખવું જોઈએ અને ૫ત્નીના ગૌરવ તથા પ્રેમનું રક્ષણ ૫ણ કરવું જોઈએ. એટલે એણે પૂર્ણ શાંતિ અને સહૃદયતાથી કર્તવ્યભાવના નિભાવીને એવા ઝઘડાઓનું નિવારણ કરવું યોગ્ય છે. કોઈને ૫ણ ખોટી રીતે દબડાવીને માનભંગ ન કરવો જોઈએ. જો ૫તિ કઠોર, ઉગ્ર તથા લડાયક સ્વભાવનો હોય તો કૌટુંબિક શાંતિ અને સમૃદ્ધિ હણાઈ જશે.

પ્રેમ અને સહાનુભૂતિથી બીજાના દ્રષ્ટિકોણને સમજીને બુદ્ધિમત્તાથી અગ્રેસર રહેવું જોઈએ.

સ્વસ્થ અને સુખી જીવનની દિશામાં – કલ્પના શાહ

[ લેખિકા લુઈસ સામવેઝના ‘ધી ટેન સીક્રેટ્સ ઑફ હેલ્થ ઍન્ડ હેપીનેસ’ પુસ્તકનો આધાર લઈને ભારતીય સંસ્કૃતિના પરિપેક્ષ્યમાં ‘સુખ’ શબ્દનો અર્થ સમજાવતાં પુસ્તક ‘સ્વસ્થ અને સુખી જીવનની દિશામાં’થી પ્રસ્તુત છે પ્રથમ પ્રકરણ. પુસ્તકપ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

Picture 030મનુષ્ય આ જગતમાં રુદન કરતો પ્રવેશે છે, અને જન્મથી લઈને મૃત્યુ સુધીની તેની યાત્રમાં તેના રુદનની લાગણીને સુખની લાગણીમાં ફેરવવાના નિરંતર પ્રયાસમાં મચ્યો રહે છે. તેની સઘળી ક્રિયાઓ અને પ્રવૃત્તિઓને દોરનારું બળ છે – તેની સુખ મેળવવાની ઈચ્છા. કોઈ પણ માણસ દુ:ખ મેળવવા ઈચ્છતો નથી. સુખની શોધ માણસ માટે સ્વભાવગત છે. પણ સુખ મેળવવાના તેના પ્રયાસોમાં તે ઝાઝો સફળ થતો હોય તેમ જણાતું નથી. આપણા તેમજ આપણી આજુબાજુની વ્યક્તિઓના જીવન પર નજર નાંખીએ તો દુ:ખ અને દુ:ખને પેદા કરતી સમસ્યાઓનું પ્રમાણ કદાચ વધુ દેખાય. અને છેલ્લાં 20 વર્ષોની સાઈકોલોજિકલ જર્નલ તપાસીએ તો તેમાં હતાશા, ચિંતા અને ગુસ્સા જેવા વિષયો પર લખાયેલા સંશોધનાત્મક લેખો હજારોની સંખ્યામાં મળી આવે પણ આનંદ, આશા અને સુખ જેવા વિષયો પર તો આંગળીને વેઢે ગણાય તેટલા જ લેખો મળે. તો શું એમ માની લેવું કે સુખ અપ્રાપ્ય છે ? કે પછી, એ મળી જાય તો પણ તેને લાંબો સમય ટકાવવું અશક્ય છે ?

જી ના, સુખી થવું અને તેને ટકાવી રાખવું, એ દરેક માટે જમીન પર ઊભા રહેવા જેટલું શક્ય છે. સુખ સહેલાઈથી મળતું નથી તેનું કારણ એ છે કે આપણે એની શોધ ખોટી દિશામાં, ખોટી રીતે કરતા હોઈએ છીએ. સામાન્યપણે એમ માનવામાં આવે છે કે જેની પાસે પૈસો, યુવાની, તંદુરસ્તી, સામાજિક મોભો અને સંજોગોની અનુકૂળતા છે એ વ્યક્તિ જ સુખી થઈ શકે, પણ આ પૂરેપૂરું સાચું નથી.

ઝીણી નજરે જોશો તો સમાજમાં એવા ઘણા માણસો મળી આવશે કે જેમના જીવનમાં સુખના કહેવાતાં પરિબળો ગેરહાજર હોવા છતાં તેઓ હંમેશા સ્વસ્થ અને સુખી અવસ્થામાં જીવી રહ્યા છે. પૈસાને સુખ સાથે સીધો સંબંધ નથી. વધુ પૈસે વધુ સુખ મળે એ માન્યતા ભ્રામક છે. વધુ પૈસાવાળો માણસ દુ:ખી હોય જ્યારે ઓછા પૈસાવાળો લ્હેરમાં રહેતો હોય એવું પણ ઘણીવાર જોવા મળે છે. આ બાબત ઉંમર અને સુખ વચ્ચેના સંબંધને પણ લાગુ પડે છે. યુવાની સુખનો અને વૃદ્ધાવસ્થા હંમેશાં દુ:ખનો કાળ મનાય છે, પરંતુ નિસ્તેજ દુ:ખી યુવાનો અને પ્રફુલ્લિત, પ્રસન્ન વૃદ્ધો આપણને ઘણીવાર મળી જતા હોય છે. બીજું, જીવનના વિવિધ તબક્કે – જેવા કે બાળપણ, તરુણાવસ્થા, વિવાહિત અને કૌટુંબિક જીવન, મેનોપોઝ, બેકારી કે રિટાયરમેન્ટના સમયે થયેલા ભૂતકાળના દુ:ખદ અનુભવોને મનોશાસ્ત્રીઓ વર્તમાનના સુખ કે દુ:ખ માટે જવાબદાર ગણાવે છે પણ તે પણ પૂરેપૂરું સાચું નથી. વળી, સામાન્ય રીતે આપણે માનીએ છીએ કે તંદુરસ્ત વ્યક્તિ આનંદમાં રહી શકે જ્યારે બીમાર તો દુ:ખી જ રહે. પણ આ વાત પણ સાવ સાચી નથી. હા, તંદુરસ્ત લોકો માટે સુખી રહેવું સહેલું છે પરંતુ અસાધ્ય રોગો અને પંગુતાથી પીડાતા એવા લોકો પણ જોવા મળે છે જે હંમેશા સ્વસ્થ અને પ્રસન્ન રહેતા હોય છે. તો પછી પ્રશ્ન એ થાય કે સુખની અવસ્થા ખરેખર ક્યા પરિબળો પર આધારિત છે ?

સુખને પામવા અનેક ફાંફાં મારતા માણસની દશા એ કસ્તુરીમૃગ જેવી છે, જે સુગંધના સ્ત્રોતને ખોળવા વન વન ભટકી રહ્યું છે, પણ જાણતું નથી કે એ સ્ત્રોત તો એની ભીતરમાં જ છુપાયેલો છે. આપણા સુખનો સ્ત્રોત પણ આપણા મનમાં જ રહેલો છે. પણ આ સ્ત્રોતની આડે પડેલા અવરોધો આપણને સુખના અનુભવથી અળગા રાખે છે. આ અવરોધો તે આપણા મનમાં ધરબાઈને પડેલી ખોટી માન્યતાઓ અને તેમાંથી જન્મેલી ખોટી વિચારસરણી ! આ માન્યતાઓ સમથળ સપાટી નીચે દટાયેલા એ પથ્થરો જેવી છે, જે સામાન્ય રીતે આપણી નજરે પડતા નથી, પણ સફળ ખેતી કરવા માટે પહેલાં જમીનમાંથી કાંકરા-પથરા દૂર કરવા પડે તે રીતે મનની ખેતી કરી સુખનાં ફૂલ ઉગાડવા માટે આ અવરોધક માન્યતાઓ અને વિચારોને વીણી ઉખાડીને દૂર કરવા પડે. આપણા સુખની શક્યતાને રુંધતા કેટલાક મનોવરોધકો જોઈએ.

મનોવરોધ-1 : આપણું સુખ શરતોને આધીન છે.

કેટલાક લોકો માને છે જીવનની અમુક સ્થૂળ શરતો સંતોષાય કે ચોક્કસ પરિસ્થિતિ સર્જાય તો જ સુખ મળી શકે. સારી નોકરી મળે, કે વજન 10 કિલો ઓછું થાય, કે લગ્ન થાય, કે પોતે ઘરના માલિક બને કે લોકો તેમના કામની કદર કરે તો અને ત્યારે જ સુખી થવાય. વળી આ શરતો આજે, અબઘડીએ સંતોષવી શક્ય ના હોવાથી ભવિષ્યમાં જ્યારે સંતોષાય ત્યારે જ સુખી થવાય. તેમના માટે વર્તમાનમાં સુખી થવું શક્ય જ નથી, કારણ કે તેમણે આજના સુખને ભવિષ્ય સાથે સાંકળી, મુલત્વી રાખી દીધું હોય છે. તો બીજા કેટલાક એમ વિચારતા હોય છે કે મારી પાસે નોકરી છે તે ઠીક છે પણ હું સુખી ત્યારે બની શકું જ્યારે મને ગમતી કંપનીમાં નોકરી મળે, અથવા ગમતી નોકરી છે પણ તેમાં પ્રમોશન મળે. આ લોકો પોતાના સુખને ઈચ્છાપૂર્તિની શરતને હવાલે રાખે છે. જો અને જ્યારે જે તે ઈચ્છા પૂરી થશે તો અને ત્યારે સુખી થવાશે. પણ ઈચ્છાઓ તો અનંત છે. એક પૂરી થાય ત્યાં બીજી હાજર થઈ જાય ! અને સુખની અનુભૂતિ ભવિષ્ય પર ઠેલાતી જાય ! ખરું જોતાં, તમે આજે આ ક્ષણે જ, તમારી કોઈપણ સ્થિતિ કે સંજોગમાં સુખી બની શકો તેમ છો. ભલે વજન વધુ હોય, મિત્રો ઓછા હોય કે પૈસાની ખેંચ હોય, જો તમે તમારા સુખને શરતોની પકડમાંથી મુક્ત કરી દેશો તો વર્તમાનમાં જ સુખની સંભાવના પેદા કરી લેશો.

મનોવરોધ-2 : સુખનું પ્રમાણ કે જથ્થો મર્યાદિત છે.

કેટલાંક લોકોની દષ્ટિમાં સુખ ટોપલામાં રાખેલા લાડુઓ જેવું છે. અને આ લાડુઓની સંખ્યા મર્યાદિત હોવાથી જો આજે વધારે લાડુ ખાવામાં આવે તો કાલ માટે ઓછા રહે. તેઓ માને છે કે જો આજે સુખી થઈ જઈએ તો આવતીકાલનું સુખ ઓછું થઈ જશે. તેમને આજે સુખી થવા કરતાં ભવિષ્યમાં ક્યારેક સુખ મળશે તેવા વિચારમાં રાચતા રહેવામાં વધુ સલામતી લાગે છે. આજના પૈસાની બચત કરી ભવિષ્યમાં ખર્ચવાની યોજના તેઓ સુખને પણ લાગુ પાડતા હોય છે. સુખનો જથ્થો મર્યાદિત હોવાની માન્યતા ધરાવતા આ લોકો સામાજિક વ્યવહારમાં ક્યારેક અજાણતાં જ સામી વ્યક્તિના સુખનું ખંડન કરતા જોવા મળે છે. કોઈ હરખાઈને ખબર આપે કે મારા પતિને મુંબઈમાં સારી નોકરી મળે છે, તો જવાબ આપશે, ‘અરે, માણસોથી ખદબદતું અનેક તકલીફોવાળું મુંબઈ તે કાંઈ રહેવાલાયક શહેર છે ? (તેમની દષ્ટિએ સારી નોકરી મળ્યાના આજના સુખને અવગણી દુ:ખ જોવામાં વધુ સમજદારી છે.) અથવા મારો પુત્ર સ્ટેટ લેવલ પર ટેનિસમાં ચેમ્પિયન બન્યો તો જવાબ મળે ‘એમ ? મારો ભત્રીજો તો નેશનલ લેવલનો ચેમ્પિયન છે.’ (તમારા સુખનો સ્વીકાર કરવાથી મારા ભાગનું સુખ રખે ને ઓછું થઈ જાય !) બીજાના સુખને ઓછું કે નાનું કરીને પોતના સુખને વધારવાની વૃત્તિને કારણે લોકો આવા પ્રતિભાવો આપતા હોય છે.

કહેવાય છે કે ‘દુ:ખ વહેંચવાથી ઘટે અને સુખ વહેંચવાથી વધે.’ પણ સમાજમાં ખરેખર આમ થાય છે ખરું ? આપણા અચેતન મનમાં ક્યાંક એવો ભય રહેલો હોય છે કે બીજાના સુખી થવાથી મારા ભાગનું સુખ ઘટી તો નહિ જાય ને તેથી જ તો કોઈના સુખે સુખી થવાને બદલે તેનું સુખ જોઈને મનમાં દુ:ખની આછી-પાતળી લાગણીનો ચચરાટ અનુભવાતો હોય છે. પણ સુખ કાંઈ તળાવનું પાણી નથી કે ઉલેચવાથી ખાલી થઈ જાય. એ તો અવિરત વહેતી નદી જેવું છે અને તેનું ઉદભવસ્થાન કોઈ બહારી જગ્યા નહિ પણ આપણી ભીતર રહેલું આપણું મન છે. મન સ્વયંમાંથી અમર્યાદિત પ્રમાણમાં સુખ ઉપજાવી શકે છે અને એ સુખનો પ્રવાહ એટલો તો બહોળો બની શકે છે કે તેમાં ખુદ ભીંજાવા સાથે અન્યોને પણ ભીંજવી શકાય.

મનોવરોધ-3 : સુખ બધાંને ના મળતું હોય તો મને તે મેળવવાનો અધિકાર નથી.

કેટલાક વધુ પડતા સંવેદનશીલ લોકો વિચારે છે કે જગતમાં જ્યારે અનેક લોકો દુ:ખી છે ત્યારે તેઓ સુખી થાય કે રહે તે નૈતિક દષ્ટિએ વ્યાજબી નથી. અસંખ્ય દુ:ખિયારાઓ વચ્ચે સુખી બનવા જેટલા સ્વાર્થી તેઓ કેવી રીતે બની શકે ? ગરીબોને ભોજન ના મળતું હોય ત્યારે પોતે ભરપેટ કેવી રીતે જમી શકે ? પોતાના સુખની શક્યતા અને તકમાં તેમને અસમાનતા અને અન્યાયની ગંધ આવે છે. આદર્શના અતિરેકમાં કે સહાનુભૂતિના પ્રવાહમાં તણાઈને તેઓ પોતાના ભાગે આવેલા સુખને નકારી દુ:ખિયારાઓની પંગતમાં સામેલ થવાનું પસંદ કરતાં હોય છે. દુર્ભાગ્યે એ વાત તેમના ધ્યાનમાં આવતી નથી કે અન્યોના દુ:ખ ખાતર પોતાના સુખને નકારીને તેઓ તેમના દુ:ખને ઓછું કરવામાં કોઈ નક્કર યોગદાન આપતા નથી. આને બદલે, દુ:ખો વચ્ચે પણ જાતે સુખી રહીને અન્યો સુધી સુખનાં સ્પંદનો ફેલાવતા રહી, જગતના સુખદુ:ખના પલ્લાંઓમાંના સુખના પલ્લાને ભારે કરવામાં ફાળો આપવાનો હકારાત્મક માર્ગ અપનાવવાનું વધુ સમજદારીભર્યું બની રહે.

મનોવરોધ-4 : સુખ ખાસ પ્રકારની લાયકાત ધરાવનારાઓ માટે જ છે.

આપણે જાણીએ છીએ કે કોઈ પણ મનુષ્ય સંપૂર્ણ ગુણસંપન્ન નથી. દરેક માણસમાં નાનીમોટી ખામીઓ કે નબળાઈઓ હોવાની જ. પરંતુ કેટલાક લોકો પોતાની ત્રુટિઓ વિશે વધુ પડતા સભાન હોય છે અને સતત અપૂર્ણતાની લાગણી સાથે જીવતા હોય છે. તેઓ પોતાની ઉણપોને પોતાનો દોષ કે ગુનો સમજી, પોતે સુખી થવા માટે લાયક જ નથી તેમ વિચારતા રહે છે. ‘મારી કાયા બેડોળ છે, તેથી કોઈ મને પસંદ કરે નહિ.’ અથવા ‘હું ભાઈ જેટલો હોંશિયાર નથી, તેથી પપ્પા મારા માટે ક્રિકેટ કોચિંગનો ખર્ચો નહિ કરે’ અથવા તો ‘મારું કુટુંબ ધનવાન અને મોભાદાર નથી તેથી ધંધામાં આગળ વધવાની તકો મને મળી શકે નહિ.’ સુખ અને સફળતા વિશેના આવા નકારાત્મક વિચારો થકી તેઓ પોતાના સુખની શક્યતાઓને જાતે જ દફનાવી દેતા હોય છે. એ લોકો એ વાત વિસરી ગયા હોય છે કે સુખ પર પ્રત્યેક મનુષ્યનો જન્મજાત સરખો અધિકાર છે, અને તેમના સુખના બીજ તો તેમની અંત:ચેતનામાં પડેલાં છે. સુખની શક્યતાઓથી ભરેલાં એ બીજોને ફલિત કરવાનો પુરુષાર્થ કરી સુખને પામવું એ તેમના પોતાના હાથની વાત છે.

મનોવરોધ-5 : સુખનો આધાર મારા બાહ્ય સંજોગો અને લોકોની મારી સાથેની વર્તણૂંક પર રહેલો છે.

સામાન્યપણે, પ્રવર્તમાન સંજોગો આપણી ઈચ્છા અને સ્વભાવને અનુકૂળ હોય તો સુખ ઉપજાવે છે અને પ્રતિકૂળ હોય તો આપણને દુ:ખી કરી મૂકે છે. આપણા સંપર્કમાં આવતા લોકો આપણી સાથે મનને ગમે તેવો વ્યવહાર કરે તો આપણે સુખી થઈએ છીએ અને અપેક્ષા મુજબનું વર્તન ન કરે તો દુ:ખી થઈ જતા હોઈએ છીએ. કોઈ અપશબ્દો બોલે તો ગુસ્સો આવી જાય અને કોઈ પ્રશંસા કરે તો મોજમાં આવી જવાય. મારા સુખ-દુ:ખ અન્યોના વર્તનના આધારે નક્કી થાય. જાણે મારા મનના સુખ કે દુ:ખની ચાવી તેમના હાથમાં હોય ! તેઓ ચાવી સીધી ફેરવે તો હું સુખી અને ઊંઘી ફેરવે તો હું દુ:ખી ! વળી, આ વલણના ભાગરૂપે, આપણાં અંગત સંબંધોમાં પણ આપણને સુખી કરવાની જવાબદારી આપણે ઘણુંખરું સામી વ્યક્તિના શિરે નાંખીએ છીએ, અને આપણા દુ:ખનું કારણ તેમનામાં આરોપતા હોઈએ છીએ. પતિ માને કે તેના દુ:ખનું કારણ તેની પત્ની જ છે અને પત્ની માને કે તેને સુખી કરવાની પૂરી જવાબદારી એના પતિની જ છે. તરુણ વયનાં સંતાનો માને કે તેમને સુખી અને સફળ બનાવવાની સઘળી જવાબદારી તેમનાં મા-બાપની છે. તો મોટી ઉંમરના વડીલો પણ સંતાનો તરફથી સંપૂર્ણ સુખની અપેક્ષા રાખતાં જોવા મળે. જો કે અન્યોના વર્તન પર અવલંબિત એવી સુખની આ શોધમાં નિરાશા મળે તે બિલકુલ સ્વાભાવિક છે, કારણ પરાધીનતા ક્યારેય સુખ આપી શકતી નથી. પોતાના સુખ-દુ:ખની જવાબદારી વ્યક્તિની પોતાની જ હોય છે.

રાફડા – ડૉ. પ્રફુલ્લ દેસાઈ

લગભગ અડધા ખંડમાં સફાઈ થઈ રહી હતી. કબાટમાંના કપડાં, ઝૂલાની ગાદી, બેડપરનાં ઓશિકાં-ચારસા, નીચેની કારપેટ બધું સાફ થઈને વ્યવસ્થિત ગોઠવાઈ ગયું હતું. રણજિતને જરા ‘હાશ’ થઈ. ટેબલપરના અને કાચના કબાટની અંદર અને ઉપર ખડકાયેલાં પુસ્તકો, મેગેઝિન અને પોતાનાં લખાણના ગંજ હવે વ્યવસ્થિત કરવાના હતાં. એ બધાંની હાલત જોતાં એને જરા ધ્રુજારી આવી ગઈ. એને થયું કે એ કામ ભગીરથ છે. દર વર્ષે ચોમાસું પૂરું થતું હોય અને દિવાળી આવવાની તૈયારી હોય, ત્યાં જ રણજિતને ધ્રાસકો પડવા માંડે. વાસંતી અને મિતાને ઘરની સફાઈ કરવાનો સોલો ઉપડ્યો જ હોય. સફાઈયજ્ઞ શરૂ થતાં રણજિતનાં મોતિયાં મરી જાય. હલ્લો ગમે ત્યારે પોતાના ખંડ સુધી પહોંચવાના ભણકારા એને આવવા માંડે અને એ તપસ્યા કરતા ઋષિની જેમ તપોભંગ થઈ જાય.

આ દિવાળી શા માટે આવતી હશે ? એને સવાલ થતો. પોતે કંઈ ઉત્સવના તરવરાટ અને આનંદનો વિરોધી નહોતો પણ સાફસૂફી અને સફાઈની આકરી ઝૂંબેશ એને કદી સમજાતી નહીં. એને મન સફાઈ અને સ્વચ્છતા એ સતત ચાલતી પ્રક્રિયા હોવી જોઈએ. એને થતું કે સ્ત્રીવર્ગ વર્ષ દરમિયાન કેમ સતત સફાઈ કરતો નથી રહેતો ? વર્ષ આખું બેદરકાર રહે અને પછી અચાનક દિવાળીનાં દૂદૂંભી વાગવા માંડે અને ઘરેઘરની વીરાંગનાઓ સફાળી જાગી ધૂળ અને જાળાં સામે યુદ્ધ આદરવા મેદાને પડે અને દરેક ઘર ઉથલપાથલ અને અવ્યવસ્થાનું સમરાંગણ બની જાય ! એ યુદ્ધ પોતાના સ્થાનક સુધી આવી પહોંચે અને રણજિતને ભય લાગવા માંડે કે, એ આક્રમણમાં પોતાનાં પુસ્તકો, સામાયિકો, લખાણોની વ્યવસ્થા અને ગોઠવણીના ફૂરચેફૂરચા ઊડી જશે. પોતાનું ધ્યાનભંગ થાય તે તો કદાચ સહી શકાય પણ પછી આડાંઅવળાં, ગમે ત્યાં, ગમે તે રીતે, સીંચી દેવાયેલા એ સામાનમાંથી પોતાને જોઈતી સામગ્રી શોધતાં એને નવનેજાં પાણી ઊતરે. વાસંતીને પોતાનો એ ભય કદી સમજાયો નહોતો.

એવું નહોતું કે વાસંતીને એના તરફ લાગણી નહોતી કે એના કાર્યમાં રસ નહોતો પણ એ તો સારી વ્યવસ્થાપક અને કુશળ ગૃહિણી. એ સામી દલીલ પણ કરી શકતી :
‘અચ્છા, તમે કહો છો કે સફાઈ તો સતત ચાલુ રહેવી જોઈએ, તો તમે કેમ તમારા રૂમને ચોખ્ખો નથી રાખતા ?’ વાસંતીનો એ સવાલ યાદ આવતાં રણજિતને હસવું આવ્યું. પોતાની હાલત અત્યારે કેવી છે ? ખંડને દરવાજે ઊભા રહી કોઈ એને પુસ્તકોના ગંજ વચ્ચે શોધે તો એનો પત્તો પણ મળે ? ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું એ કામ… જો કે એને વધારે સારી ઉપમા મળી હતી અને તે પણ પાછી વાસંતીના સવાલના જવાબરૂપે…. ઋષિમુનિઓ તપસ્યામાં બેઠા હોય ત્યારે એમની આજુબાજુ…..

મિતાએ એકવાર પૂછેલું પણ ખરું, ‘પપ્પા…. આ ધૂળના ઢગલા વચ્ચે તમને શોધવા પણ કઈ રીતે ?’ એ ફિક્કુ હસ્યો હતો. પછી મિતાને થયું હશે કે કંઈ વધારે પડતું બોલાઈ ગયું છે એટલે ક્ષોભથી બોલેલી, ‘આયમ સૉરી, પપ્પા !’ પણ વાસંતી આવી તક ચૂકે ? લાગલી જ બોલી ઊઠેલી :
‘મિતા, તને પેલા ચ્યવનઋષિની વાત તો ખબર છે ને ?’
મિતા વળી વધારે ક્ષોભથી બોલેલી, ‘ઓહ મમ્મા, ડૉન્ટ સ્ટાર્ટ અગેઈન !’
પણ પોતાનાથી કહ્યા વગર રહેવાયું નહોતું, ‘પણ એમાં ચ્યવનને ક્યાં ખોટ ગઈ હતી ? એના જેવા લઘરવઘરને સુકન્યા જેવી રાજકુમારી ક્યાં મળતે ?’ એણે વાસંતી તરફ જોઈને સ્મિત કર્યું હતું અને વાસંતી ચૂપ થઈ ગઈ હતી. તેણે વાસંતીને સારું લગાડવા નહોતું કહ્યું. સાહિત્યકાર તરીકેની એની થોડી પ્રસિદ્ધિથી જ એને વાસંતી મળી હતી ને ? વાસંતી ત્યારે સંસ્કૃત અને ગુજરાતી વિષયો સાથે એમ.એ. કરી રહી હતી અને એના વિશે જાણતી હતી, એટલે એણે જ એના પપ્પાને….

પહેલી મુલાકાત વખતે તેણે અહોભાવથી કહ્યું પણ ખરું, ‘તમારી આગળ હું તો ગામડિયણ કહેવાઉં !’ સારું હતું કે સસરાજીના મતે એ ઍન્જિનિયર થઈને સારી જૉબ મેળવી શકે તેવો કાબેલ હતો, નહીં તો પેલો ‘અહોભાવ’ પણ કંઈ કામ લાગ્યો ન હોત ! વાસંતીનો એ અહોભાવ જો કે થોડા સમય સુધી જ ટકી રહ્યો હતો. વચ્ચે એક ગરબડ થઈ ગઈ હતી. સરસ્વતીચન્દ્ર અને કુમુદસુંદરી લગ્ન પહેલાં એકબીજાને પત્રો લખતાં હતાં. એકવાર કુમુદે ભાવાવેશમાં એને ‘પ્રિયે’ કહી સંબોધ્યો હતો. એણે મજાકમાં વાસુને એટલે કે વાસંતીને લખ્યું હતું : ‘હું તારી પ્રિયા ક્યારથી થઈ ગયો ?’ બસ, વાસુના જવાબ આવતા બંધ થઈ ગયા. જેમતેમ રૂબરૂ મળ્યા ત્યારે એણે પૂછ્યું હતું.
વાસુ આડું જોઈને બોલી હતી : ‘ગામડિયણ વળી કાગળ શું લખવાની ?’ એ ‘ગામડિયણ’ શબ્દ પરનો શ્લેષ એને અકળાવી ગયો હતો.
‘અરે પણ…. એ તો મેં મજાકમાં…….’
પણ વાત બની નહોતી. એમાં વળી બીજો ‘લોચો’ પડ્યો હતો.

શહેરમાં જ ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન હતું. ક્યાં ક્યાંથી સાહિત્યકારો પધારવાના હતા. ‘ઘેર બેઠાં ગંગા’ જેવો ઘાટ હતો. તેણે વાસુને સાથે લઈ અધિવેશનમાં મહાલવાનું સપનું જોયું. વાસુનો કોઈ જવાબ આવ્યો નહીં. એને બદલે સસરાજી આવ્યા. લગ્નનું મુહૂર્ત કઢાવીને. મુહૂર્ત અધિવેશનના દિવસનું જ. એણે હિંમત કરીને લગ્ન પાછળ ઠેલવાની વાત કરી અને પપ્પાસહિત ઘરનાં બધાં જ એના પર વરસી પડ્યાં. સસરાજી માંડ માંડ એની જીદ આગળ ઝુક્યા પણ એક શરત સાથે. ‘કુંવારે માંડવે’ વાસંતી એની સાથે અધિવેશનમાં નહીં જાય. એણે વાસંતીને ફરી પત્ર લખ્યો હતો. ન તો એનો જવાબ આવ્યો હતો, ન તો એ ખુદ અધિવેશનમાં આવી હતી. નિરાશા સાથે રણજિતને સમજાયું હતું કે સાહિત્યના વિષયો ભણવા અને તેમાં શોખ ધરાવવો એ બંને અલગ બાબતો હતી.

લગ્ન પછી હનીમુન પર જવાનું જલદી બન્યું નહોતું. વાસુની એમ.એ.ની પરીક્ષા હતી અને એ જૉબ પર નવો હતો. શરૂઆતનાં એ વર્ષો ભારે સંઘર્ષનાં હતાં. એવું નહોતું કે એણે નોકરી અને વાસુ નામની છોકરી સાથે ઘરસંસારમાં બેદરકારી રાખી હતી. બૉસ, સગાંવહાલાં, મિત્રો સૌની એણે કાળજી રાખી હતી તો સાથે સાહિત્યક્ષેત્રે પણ પ્રગતિ કરી હતી. એનો પ્રથમ વાર્તાસંગ્રહ પ્રગટ થયો હતો અને એની સરસ નોંધ લેવાઈ હતી. ઉપરાંત એની ગઝલો અને વિવેચનલેખો પણ વખણાયાં હતાં. એણે એક નવલકથા લખવી શરૂ કરી હતી. નોકરી કરતાં કરતાં જે થોડો સમય એને મળતો હતો, તે હવે એ લખવા પાછળ ગાળતો હતો. એને ખ્યાલ જ નહોતો રહ્યો કે વાસુ…. એની નવલકથા છપાઈ અને પ્રકાશકે એનું દબદબાભર્યું વિમોચન રાખ્યું, તે જ દિવસે વાસુને પ્રસૂતિ માટે હૉસ્પિટલમાં દાખલ કરી હતી. સમારંભથી પરવારતાં રાત પડી ગઈ અને એ છેક બીજી સવારે દીકરીને જોવા ગયો, ત્યારે વાસુ એને જોતાં જ પડખું ફરી ગઈ હતી. એણે દીકરીને હાથમાં લીધી તો વાસુએ મોં કટાણું કર્યું, ‘ઓહ, તમે તમારા એકદંડિયા મહેલમાંથી બહાર નીકળ્યા ?’
‘અરે ભાઈ, આવી સરસ ભેટ તેં આપી, પછી હું……’
‘તમે તો એ પણ ભૂલી ગયેલા કે તમે બાપ બનવાના છો !’
‘મારું એક બીજું સર્જન પણ….’
‘હા, એ માનીતું….. અને આ… અણમાનીતું !’
એ કહેવા જતો હતો પણ કહી ન શક્યો કે એ છોકરી એને માટે કેટલી ભાગ્યશાળી નીવડી હતી. એણે દીકરીને છાતી સાથે દાબતાં એટલું જ કહ્યું હતું, ‘અરે, આ તો મારી મિત છે….. મિત !’

નીલેશના જન્મ પછી એને રણજિતરામ સુવર્ણચન્દ્રક આપવાનું નક્કી થયું હતું અને એનો સમારંભ અમદાવાદમાં હતો. એને નીલેશ અને મિતા સાથે વાસુને પણ એમાં લઈ જવાની તક મળવાની હતી. વાસુને એ બતાવી શકવાનો હતો કે એનો પતિ સાહિત્યવર્તુળમાં કેટલી પ્રતિષ્ઠા ધરાવે છે, પણ વાસુએ સમારંભમાં આવવા ઈન્કાર કરી દીધો. એક સાહિત્યકાર મિત્રે વાસુને કહ્યું પણ હતું, ‘ભાભી, તમારે તો સાથ આપવો જોઈએ.’
‘સાથ ? તમારા આ ઋષિમિત્ર તો ભરી ભીડમાં પણ એકલા રહેવા ટેવાયા છે !’ વાસુની વાત ખોટી નહોતી. એ હવે એના ખંડમાં પુસ્તકો વચ્ચે એકલો રહેવા ટેવાઈ ગયો હતો. એને લાગતું કે એની એકલતાને એ કોઈ સાથે વહેંચી શકે તો સારું.

થોડા સમયથી એવી એકમાત્ર વ્યક્તિ હતી નાનકડી મિતા. એના સ્થાનક અને બહારની દુનિયા વચ્ચે જો કોઈ સરળતાથી આવ-જાવ કરી શકતું તો તે મિતા જ. દીકરીને એ વાર્તા કહેતો, એની પાસે કાલુઘેલું સાંભળતો, હાથમાં પેન આપી કંઈને કંઈ લખાવતો. ગીતો શીખવાડતો. હતું કે એકાદ દિવસ એ મિતાને પોતાનો વારસો આપી શકે તો બહુ. અને નવ વરસની મિતા એક દિવસ ઉત્સાહથી દોડતી આવી હતી. એણે એક વાર્તા લખી હતી. એ સાંભળી એ ઝૂમી ઊઠ્યો હતો :
‘વાહ…. તેં વાર્તાનું નામ શું આપ્યું છે, બેટા ?’
મિતા થોડી ખચકાઈ ગઈ હતી. પછી ધીમેથી બોલી હતી, ‘પપ્પા…..મમ્મી કહે છે કે એનું એક નામ… જ બરાબર છે !’
‘એમ ? તારી મમ્મીએ કહ્યું ? શું….?’
મિતા ધીમેથી બોલી હતી, ‘રાફડા…. પપ્પા, રાફડા એટલે શું ?’

એને જરા ઝટકો લાગ્યો હતો. ત્યાં તો બહારથી વાસુનો ઘાંટો સંભળાયો હતો. મિતા વાર્તા સંભળાવ્યા વિના જ ભાગી છૂટી હતી. થોડીવાર પછી એનો રડવાનો અવાજ પણ આવ્યો હતો. રણજિતે એ યાદ કરતાં એક નિ:શ્વાસ નાંખ્યો. એને થયું કે હવે વધારે સાફસૂફી કરવાની શી જરૂર છે ? એ ખંડમાં…. નહીં…. રાફડામાં પ્રવેશ્યો, દરવાજો બંધ કર્યો. હવે એ હતો, એનાં સાથી પુસ્તકોની મદહોશ કરનારી ગંધ હતી. એણે એક પુસ્તક ઉપાડ્યું અને પછી એને ધીમે ધીમે કોતરવા લાગ્યો. એને એ રાફડામાં જ સુખ અને સલામતી લાગ્યાં હતાં.
[‘જલારામદીપ’ સામાયિકમાંથી સાભાર.]