એક અધૂરો ઈન્ટરવ્યૂ (એકાંકી) – નીલમ દોશી

[સાંપ્રત સમયની અનેક સમસ્યાઓને વાચા આપતું આ સુંદર નાટક તાજેતરમાં ભાવનગર ગદ્યસભા દ્વારા આયોજિત એકાંકી નાટ્યલેખન સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા બન્યું છે. રીડગુજરાતીને આ નાટક મોકલવા માટે લેખિકા નીલમબેન દોશીનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે nilamhdoshi@yahoo.com સંપર્ક કરી શકો છો.]

સ્થળ : ગામનું પાદર (ચોતરો)
સમય : સાંજનો.
પાત્રો :

વડલાદાદા : (વડના વૃક્ષના વેશમાં પ્રૌઢ પુરૂષ) ઉજાસ : યુવાન પત્રકાર (પચ્ચીસની આસપાસની ઉમર ) આર્ય : (દસેક વરસનો છોકરો) ઇતિ: (દસેક વરસની છોકરી)
મોટો આર્ય : (વીસેક વરસનો યુવાન)
મોટી ઇતિ : (વીસેક વરસની યુવતી)
મૌલવીજી : (પચાસની આસપાસના)
જમના મા : (પ્રૌઢ ઉંમરની સ્ત્રી)
વિરાજ, અલતાફ : (સાત આઠ વરસના ભાઇ-બહેન)
આકાશ : (વીસેક વરસનો યુવાન….જમનામાનો પુત્ર)
મીક્ષા : (પચ્ચીસની આસપાસની યુવતી)
નિરાલી : (મીક્ષાની બહેનપણી..લગભગ તેની જ ઉંમરની)
ચૈતાલી : (સોળ વરસની આસપાસની યુવતી)
ઈરા, ઈશા, શિવાની : (સોળ, સત્તર વરસની છોકરીઓ)
રહીમ, ઇબ્રાહિમ : (વીસથી પચીસની આસપાસના યુવકો)
બે મજૂરો : (કોઇ પણ ઉમરના ચાલે)

(પડદો ખૂલે છે ત્યારે વડના વૃક્ષના ડ્રેસીંગમાં એક પ્રૌઢ ઉંમરનો પુરૂષ ટટ્ટાર ઉભો છે. તેની આસપાસ ગોળાકાર ઓટલો કે ચોતરો છે. સામે એક યુવાન પત્રકાર હાથમાં પેન અને ડાયરી લઈને બેઠો છે. તે નીચું માથું ઘાલી કશુંક લખવામાં મશગૂલ છે.)
ઉજાસ: (સ્વગત) આ તંત્રીઓને પણ ઠીક જાતજાતના તઘલખી તુક્કાઓ સુઝતા રહે છે. પરંતુ શું થાય ? નોકરીનો અર્થાત પાપી પેટનો સવાલ છે. સકર્મીની જીભ અને અકર્મીના ટાંટિયા – આવી કહેવત કંઈ અમસ્તી થોડી પડી હશે ? ચાલ ભાઈ, ઉજાસ…..થઇ જા શરૂ. હજુ તો નવી નવી નોકરી છે. માંડ મળી છે. આ મંદીના જમાનામાં એ ગુમાવવી પોસાય તેમ નથી. મને તો હતું કોઈ મોટા માણસનો કે કોઇ ફિલ્મી કલાકારનો ઈન્ટરવ્યૂ લેવાનું મળશે પણ એને બદલે અહીં તો…..ખેર ! જેવા નસીબ. બીજું શું થાય ? પ્રશ્નોત્તરીના કાગળિયા તો તૈયાર છે જ. છતાં લાવ, એકવાર ચેક કરી લઉં.’ (બે-ચાર ક્ષણ ચૂપચાપ વડલાના વૃક્ષને નીરખે છે. કાગળ કાઢીને મનમાં જ એકવાર વાંચી લે છે. પછી હાથમાં ડાયરી અને પેન રાખી ગંભીર મુખમુદ્રા કરી બોલે છે.)

ઉજાસ : ‘તમે ઈન્ટરવ્યૂ માટે સંમતિ આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.’
વડલાદાદા : ‘એવી બધી ફોર્માલીટી અહીં નહીં કરો તો પણ ચાલશે. સીધા મૂળ વાત ઉપર આવી જશો તો તમારું કામ ઓછા સમયમાં પૂરું થશે એમ મને લાગે છે.’
ઉજાસ : ‘તમારી સીધી અને સરળ વાત મને ગમી.’
વડલાદાદા : ‘આડુંઅવળું અમને ફાવે નહીં અને આવડે પણ નહીં.’
ઉજાસ : ‘તમારું નામ ?’
વડલાદાદા : ‘મને લાગે છે મારું નામ વિસામો છે.’
(ઉજાસ નીચું માથું ઘાલી જે જવાબ મળે તે કોઈ નિસ્બત સિવાય ચૂપચાપ ડાયરીમાં ટપકાવતો રહે છે.)
ઉજાસ : ‘લાગે છે મતલબ ? આપને આપના નામની જાણ નથી ?’
વડલાદાદા : ‘વાત એમ છે કે અમારામાં નામ પાડવાની ખાસ પ્રથા નથી. પરંતુ અહીં આવતા લોકો “હાશ ! વિસામો આવ્યો” એમ કહેતા હોય છે.’
ઉજાસ : ‘તમારી જ્ઞાતિ ?’
વડલાદાદા : ‘હજુ યે એકવીસમી સદીમાં પણ તમે લોકો આ પ્રશ્નમાંથી બહાર નથી નીકળી શકયા ? જો કે કયાંથી નીકળો ? તમારે તો એના નામે જ સત્તાની ખુરશી સુધી પહોંચવાનું ને ? ખેર ! જવા દો….કોઇની પંચાત કરવી એ અમારું કામ કે અમારું ગજુ નહીં.’
ઉજાસ : ‘આ મારા પ્રશ્નનો જવાબ નથી.’
વડલાદાદા : ‘ઠીક છે…..લખો..અમારી જ્ઞાતિ…….’
ઉજાસ : ‘આભાર…..તમારી ઉંમર ?’
વડલાદાદા : ‘પાક્કી ખબર તો નથી. પરંતુ સીનીયર સીટીઝનની ઉંમરે તો પહોંચી જ ગયો છું.’
ઉજાસ : ‘તમારા જન્મ અને ઉછેર વિશે બે ચાર વાત કરશો ?’
વડલાદાદા : ‘અમે તો ધરતીના છોરૂ…..વગડાઉ જીવ…..ગુલાબની જેમ અમને માવજતની જરૂર ન પડે. શ્રીમંતના છોકરાઓને ઉછેરવાના હોય, ગરીબના તો એમ જ મોટા થઇ જાય. એમ અમે પણ જાતે જ ઉછરી જઇએ. હા, નાનો હતો ત્યારે કયારેક કોઇ બે-ચાર લોટા પાણી જરૂર પીવડાવી જતું.’
ઉજાસ : ‘તમારો અભ્યાસ ? તમારું શિક્ષણ કયાંથી થયું ?’
વડલાદાદા : ‘કુદરતમાંથી. ધરતી અને આકાશ એ અમારી યુનિવર્સીટી અને શિક્ષણ તો હજુ ચાલુ જ છે. જીવનભર ચાલુ જ રહેશે. રોજ કંઇક નવું શીખતા રહીએ છીએ.’
ઉજાસ : ‘તમે કામ શું કરો છો ? તમારી આવક ?’
વડલાદાદા : ‘અમારું મુખ્ય કામ અમારી પાસે આવનાર દરેકને શાતા આપવાનું. પંખીઓ અમારી ડાળે ડાળે એમના ટચુકડા ફલેટ બનાવે અને કલરવ કરી રહે. અને આવક ? અમારી આવકમાં અસંખ્ય ટહુકા અને અનેકના હાશકારા. એ એક-એક હાશકારાની કિંમત કાઢો તો તમારા બિલ ગેટસ કરતાં પણ આવક વધી જાય. તમે લોકો બધી વસ્તુની કિંમતમાં જ સમજોને એટલે તમને સમજાય એ ભાષામાં કહ્યું.’
ઉજાસ : ‘ઓકે..ઓકે…તમે મેળવેલ કોઈ અગત્યની સિદ્ધિ ?’
વડલાદાદા : ‘ટાઢ, તાપ, વરસાદ, વંટોળ કે વાવાઝોડાનો ભાર પોતાની લીલીછમ્મ છાતીએ ઝીલી, કોઇને રક્ષણ આપવું તે સિદ્ધિ ગણાય કે નહીં તે ખબર નથી.’
ઉજાસ : ‘સમાજમાં તમારું સ્થાન ?’
વડલાદાદા : ‘લોકો અમને સ્નેહથી દાદા કહે છે. વાર-તહેવારે અમારી પૂજા કરે છે એ વાત સમાજમાં અમારું સ્થાન સૂચવવા પર્યાપ્ત નથી ?’

ઉજાસ : ‘તમને કયારેય ડર લાગે ખરો ?’
વડલાદાદા : ‘ડર ? અમે તો વરસો વરસ ખરનારા અને ફરી ફરીને ખીલનારા. અમને ડર શાનો ?’
ઉજાસ : ‘તમારે કોઈ એક જ સંદેશ આપવાનો હોય તો લોકોને કયો સંદેશ આપવાનું પસંદ કરો ?’
વડલાદાદા : ‘અહીં એકવાર કોઈ સંત જેવી ઋષિ સમાન વ્યક્તિએ “ગાંધીકથા” સંભળાવી હતી. મેં પણ હોંશે હોંશે ધ્યાનથી સાંભળી હતી.’
ઉજાસ : (સતત નીચું ઘાલી ડાયરીમાં જવાબ ટપકાવતો રહ્યો છે…..પોતાની ધૂનમાં જ મસ્ત છે. એ જ ધૂનમાં બોલી ઉઠે છે….) ‘હા, હા…એ અમારા નારાયણભાઈ દેસાઇ. બીજું કોણ ?’
વડલાદાદા : ‘હા.. હા…એ જ. મારે જો કોઈ સંદેશ આપવાનો હોય તો હું પણ એમણે ગાંધીકથામાં કહેલું એ એક જ વાકય કહું : “મારું જીવન એ જ મારો સન્દેશ..”
ઉજાસ : ‘તમારે કોઇ મિત્રો ખરા ?’
વડલાદાદા : ‘મિત્રો…..? ગણ્યા ગણાય નહીં ને વીણ્યા વીણાય નહીં એટલા હતાં…. પણ કમનસીબે હવે એ બધા……’ (થોડા ઢીલા પડી જાય છે.)
ઉજાસ : ‘શું થયું બધાને ? કયાં ગયા ?’
વડલાદાદા : ‘જાય કયાં ? ભરઉનાળે ખીલતો ગુલમહોર, કડવો પણ ગુણકારી લીમડો, વાયરા સંગે ઝૂમતો લીલૂડો આસોપાલવ…..પીળો ધમ્મરક ગરમાળો….કેટકેટલા નામ ગણાવું ? બધા હોમાઇ ગયા માનવજાતના લોભના ખપ્પરમાં…અને છતાં લોભ અને સ્વાર્થનું એ ખપ્પર તો સદાનું અધુરૂં….વણભરાયેલું. લાવ…..લાવ….નો એનો પોકાર ન જાણે કયારે અટકશે ? બસ.. હવે હું એકલો અટૂલો…! મારા વારાની પ્રતિક્ષામાં….’ (અવાજમાં દુ:ખ, હતાશા.)

ઉજાસ : (એમ જ નીચું ઘાલીને ટપકાવતો રહે છે… બેધ્યાનપણે…) ‘ઓકે…..ઘણું સરસ….હવે આજનો અંતિમ પ્રશ્ન…અને તમે અને હું બંને છૂટા…’
વડલાદાદા : ‘બોલો, હજુ શું પૂછવું છે ?’
ઉજાસ : ‘મને લાગે છે અહીં તમને તો અનેકને મળવાનો, સાંભળવાનો મોકો મળતો હશે. તમારે એમના વિશે કશું કહેવાનું છે ? કોઇ યાદગાર પ્રસંગ, કોઇ યાદગાર વ્યક્તિ..કોઇ એવી ઘટના…જેના વિશે તમને કહેવું ગમે. જેણે તમારી ઉપર કોઈ અમિટ છાપ છોડી હોય. એવી કોઇ વાત કરશો ?’
વડલાદાદા : (જવાબ નથી આપતા. મૌન રહીને એક નિસાસો નાખે છે.)
ઉજાસ : ‘કેમ મૌન થઈ ગયા ? મારા પ્રશ્નનો જવાબ કેમ ન આપ્યો ? શું કોઇ એવી વાત યાદ નથી ?’
વડલાદાદા : (તંદ્રામાંથી જાગ્યા હોય તેમ) ‘પ્રશ્ન..? ઓહ…..શું પ્રશ્ન હતો તમારો ?’
ઉજાસ : ‘અહીં તમને તો અનેકને મળવાનો, સાંભળવાનો મોકો મળતો હશે..તમારે એના વિશે કશું કહેવાનું છે ?’ (પ્રશ્ન રીપીટ કરીને ડાયરી બંધ કરવાની તૈયારી કરે છે.)
વડલાદાદા : (થોડી નિરાશાથી) ‘શું કહું ભાઈ ? આ જિંદગીમાં એટલું બધું જોયું, જાણ્યું અને સાંભળ્યું છે કે એ બધું જો વિગતવાર કહેવા બેસું તો એક જનમારો ઓછો પડે.’
ઉજાસ : ‘છતાં બે ચાર વાત કહેશો તો તમારો આભાર. બે ચાર યાદગાર પ્રસંગો કે એવું કશું….’
વડલાદાદા : ‘અન્યાય કરનાર જ નહીં પરંતુ મૂંગે મોઢે અન્યાય સહન કરનાર કે અન્યાય થતો જોઇ રહેનાર પણ ગુનેગાર ગણાય. એ ન્યાયે હું પણ ગુનેગાર જ ગણાઉં. જટાયુની માફક અન્યાયનો પ્રતિકાર કરી શકવાનું સામર્થ્ય અમને નથી મળ્યું. પરંતુ આજે હૈયાની વાત કહી થોડું હળવું થવું ગમશે. તમારા દ્વારા મારી વાત સમાજ સુધી પહોંચે અને બની શકે કોઈના ભીતરને ઝકઝોરે. કોઈ એકાદને સ્પર્શીને એના અંતરના કમાડ ઉઘાડે. બસ, એ એક માત્ર ઝંખનાથી, આશાની ઉજળી લકીર લઈ હું થોડી વાત જરૂર કરીશ.’
ઉજાસ : ‘થેંકસ..શરૂ કરશો ?’
વડલાદાદા : ‘આજે નહીં…….એ માટે તમારે આવતી કાલે ફરી આવવું પડશે.’
ઉજાસ : ‘આવતી કાલે કેમ ? આજે કોઈ તકલીફ છે ? બીઝી છો ?’
વડલાદાદા : ‘ સવાલ વાંધાનો કે તકલીફનો નથી. પરંતુ હૈયાના ઉંડાણમાં એટલો અને એવો ખજાનો…એટલી બધી વાતો સંગ્રહાયેલી છે કે એમાંથી કઇ કહેવી ને કઇ ન કહેવી એ વિચારવા માટે કે યાદ કરવા માટે પણ મારે સમય જોઇશે.’
ઉજાસ : ‘ઓકે..તો કાલે મળીએ….કાલે સ્યોર ને ?’
વડલાદાદા : ‘હા…કાલે મારું હૈયુ જરૂર ઠાલવીશ. ફરી વાર એવો મોકો મળે-ન મળે..કોને ખબર છે ?’
(ઉજાસ ડાયરી અને પેન બંધ કરે છે. સાથે લાવેલ બ્રીફકેસમાં મૂકે છે. પછી એકાદ મિનિટ તેની સામે ધ્યાનથી જુએ છે.)
ઉજાસ : ‘એક વાત…આપને દાદા કહી બોલાવી શકું ?’
વડલાદાદા : ‘દાદા..? જરૂર એ તો મારું ગૌરવ, મારી પ્રતિષ્ઠા છે. આમ પણ બાળકો કે મોટેરાઓ સૌ મને પ્રેમથી દાદા કહીને જ બોલાવે છે.’
ઉજાસ : ‘થેંકયુ દાદા…’ (જતા જતા…પ્રેક્ષકો સામે જોઇને) ‘આમ તો અમારા તંત્રીનો આ એક તરંગી તુક્કો જ છે પણ લાગે છે મને મજા આવી….સમથીંગ ન્યુ…. કાલે કદાચ ઘણી રસપ્રદ વાતો જાણવા મળશે અને તો મારી નોકરી પાક્કી. પ્રોબેશન પૂરું અને કાયમી નોકરીનો સિક્કો લાગી જશે.’ (દાદા સામે જોઇને મોટેથી) ‘દાદા….આવજો…આવતી કાલે આ જ સમયે અહીં મળીશું હોં…તમે તમારી વાતો જરૂર યાદ કરી રાખજો…..’
વડલાદાદા : ‘હા..હા..જરૂર…આવજો…’ (ઉજાસ જાય છે.)

(વડલાદાદા થોડા અશાંત બને છે. અજંપ બને છે. હલબલીને બે ચાર પર્ણ ખેરવી નાખે છે. લાઇટ ડીમ થાય છે. રાતનો અંધકાર ફેલાય છે. આકાશમાં છૂટા છવાયા તારલાઓ દેખાય છે. લાઇટીંગ ઇફેકટની મદદથી તારાઓ, ચંદ્ર જે શકય બને તે દર્શાવી શકાય. દાદા ધીમે ધીમે એકલા એકલા બોલે છે. અવાજમાં વ્યથા ઉભરાય છે, સંવેદના છલકે છે.)
‘કેટલાયે તડકા છાંયા જોઇ નાખ્યા અને હજુ ન જાણે કેટલા જોવાના બાકી છે. ટાઢ, તાપ, વરસાદ, વાવાઝોડા, વંટોળ બધું સામી છાતીએ ટટ્ટાર ઊભા રહીને ઝીલ્યું છે. અનેકને આશરો આપ્યો છે. નાનકડી કીડીથી માંડીને દરેક પશુ, પંખી માણસો….બધાનો વિસામો બન્યો છું. અંતરના પટારામાં એ બધો સમય અકબંધ સચવાઇ રહ્યો છે. યાદોના અઢળક વાદળો ભીતર ઊમટી આવ્યા છે. આજે કોઇ મારો ઈન્ટરવ્યૂ લેવા આવ્યું છે. પહેલીવાર કોઈ મારા હૈયાની વાતું જાણવા આવ્યું છે. સાવ નવતર વાત…ચાલ જીવ, એ અનુભવ પણ લઈ લેવા દે. પણ શું કહીશ કાલે હું ? કોની કોની વાતો કરીશ ? અનંતકાળથી મારી ઉપર પકડદાવ રમી રહેલી, આનંદના અવતાર જેવી આ ખિસકોલીઓની ચંચળતાની વાત કરું ? એ કયારેય થાકતી કે ધરાતી નથી. શું છે એના હૈયામાં ? કોને પકડવાની આ મથામણ છે ? કાળને ? એ તો હમેશનો વણપકડાયેલ……કોઇથી કયારેય પકડાયો છે ખરો ? એ ખિસકોલીઓને જાણ હશે ખરી કે કાળને પકડવો એટલે ખાલી શીશીમાં ગરમાળા જેવા પીળા ધમરક કિરણોને ભરવાની રમત કે પછી મારી મખમલી ત્વચાને ફોલી ખાતી હારબંધ કીડીઓના સંપની વાત કરું ? માળો બનાવીને જંપી ગયેલ પંખીડાઓ તો મારા લાડકા સંતાનો એમની વાત કરું ? સાવ સૂક્કા ભઠ્ઠ થઇને પછી યે લીલાછમ્મ કોળવાના મારા અનુભવોની વાત કરું ? સરી ગયેલ કાળની અગણિત ક્ષણો અંતરમાં સંઘરાઈ રહી છે. અહીં મારી છાતી સામે અનેક કાવાદાવા ખેલાયા છે. રાજકારણની રમતુંના આટાપાટા રમાયા છે. સભાઓ ભરાઇ છે. મારા ચોતરા પર બેસીને મુખી કે સરપંચે લોકોના ન્યાય કે અન્યાય તોળ્યા છે. સાચા કે ખોટા અનેક સાધુ-સંતોએ અહીંથી પોતાની કથાઓ રેલાવી છે. રાતભર ભજનોની મહેફિલ જામી છે તો ચૂંટણીટાણે સભાઓ ગાજી છે. નિસ્વાર્થભાવે સેવાની ધૂણી ધખાવી બેસેલ સાચા માનવીઓને જોયા છે. હરખના આંસુ પણ અહીં વહ્યા છે અને દુ:ખની અગણિત વ્યથાઓ-કથાઓનો સાક્ષી પણ બન્યો છું. કઈ વાત કરવી અને કઇ ન કરવી ?’ (થોડીવાર મૌન પથરાય છે. જુદા જુદા ભાવ દર્શાવવા માટે જુદા જુદા રંગના પ્રકાશની આવનજાવન બતાવવી. લાઇટીંગ ઇફેકટનો ઉપયોગ કરવો. ફરી અંધકાર છવાય છે ને શબ્દો સંભળાય છે.) ‘કે પછી કાલે પેલા ઇતિ અને આર્યની વાત માંડું ? એમના શૈશવની મીઠી ક્ષણોનો હું સાક્ષી… આ ક્ષણે પણ મારી ભીતર એ લીલાછમ્મ ભણકારા મોજુદ છે. જુઓ, સંભળાય છે ? નાનકડી ઇતિનો અવાજ….’
(લાઇટ ચાલુ થાય છે. સ્ટેજ પર દસેક વરસની છોકરી અને એવડો જ છોકરો વાત કરતા દેખાય છે.)

ઇતિ : ‘આર્ય, આ ડાળીએ તારો હીંચકો અને અહીં હુ મારો હીંચકો બાંધીશ.’
આર્ય : ‘ના, ઇતિ, આપણા બંનેનો હીંચકો એક જ હશે.’
ઇતિ : ‘અરે, પણ એક હીંચકો હોય તો બંને સાથે કેમ હીંચકાય ? પોતાના વારાની રાહ જોવી પડે.’
આર્ય : ‘ભલે જોવી પડે..હું જોઇશ..પણ આપણો હીંચકો તો એક જ ડાળે..’
‘સહિયારો..હીંચકો..સહિયારું ઘર…સહિયારું જીવન….’
(ફરી સ્ટેજ પર અંધકાર…ઇતિ અને આર્ય જાય છે. દાદાનો અવાજ સંભળાય છે.) ‘અને ઇતિએ વરસો સુધી રાહ જોઇ રહી હતી. આર્ય અને ઇતિનો હીંચકો આભને આંબતો. વાદળો સાથે વાતો કરતો. બંને બાળકોના ખડખડાટ હાસ્યના પડઘા દિગંતમાં રેલાઇ રહેતા. અને મારા અંતરમાં પીઠીવર્ણો ઉજાસ ઉગતો. મોટા થયા પછી અહીં ઓટલા પર કલાકો બેસીને તેમની ગુફતુગૂ ચાલતી. હું મારી મર્યાદા સમજતો હોં. ચૂપચાપ ડાળીઓ ઝૂકાવી, આંખો બંધ કરી દેતો. પણ થોડા શબ્દો તો કાને અથડાતા જ…’ (ફરી સ્ટેજ પર પ્રકાશ પથરાય છે. મોટા થયેલ ઇતિ અને આર્ય સ્ટેજ પર દેખાય છે.)

ઇતિ : ‘આર્ય, તું ભણવા માટે આટલો દૂર કેમ જાય છે ?’
આર્ય : ‘શું કરું ઇતિ ? મજબૂર છું… મમ્મી,પપ્પાનું સપનુ છે. મને અમેરિકા મોકલવાનું…ત્યાં ભણાવવાનું.. હું તેમનો એક માત્ર પુત્ર….તેમનું સપનું કેમ તોડી શકું ?’
ઇતિ : ‘ અને તારું સપનું ?’
આર્ય : ‘મારું સપનું તો તું..મારી ઇતિ…’
ઇતિ : ‘સાચું કહે છે ?’
આર્ય : ‘સાવ સાચું…..વિશ્વાસ ન આવતો હોય તો તારી પેલી ચિબાવલી બહેનપણી મેઘાના સમ..બસ ? (હસે છે.)
ઇતિ : ‘ આર્ય, માર ખાઇશ હોં….’
આર્ય : (હસતા હસતા) ‘ગાલ ઉપર મારજે જેથી બીજો ગાલ ધરી શકાય.’
ઇતિ : (બૂમ પાડીને કૃત્રિમ ગુસ્સાથી ) ‘તને તો બધી વાતમાં મશ્કરી જ સૂઝે છે. આર્ય, તું કયારેય સીરીયસ નહીં થાય ?’
આર્ય : (ગંભીરતાથી) ‘ઓકે……હવે હું સીરીયસ છું..સાવ સીરીયસ…ખુશ ?’ (આર્ય ખિસ્સામાંથી એક ડબ્બી કાઢે છે. તેમાંથી વીંટી લે છે. ઇતિનો હાથ પોતાના હાથમાં લઇ તેની આંગળીમાં વીંટી પહેરાવે છે.) ‘ઇતિ, મારી પ્રતીક્ષા કરીશ ને ?’
ઇતિ : ‘એ કોઇ પ્રશ્ન છે ? આર્ય, મને ડર લાગે છે. ત્યાં જઇને મને ભૂલી તો નહીં જાય ને ?’ (આર્યને વળગી ઇતિ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી. આર્ય પોતાના હોઠથી ઇતિના આંસુ ઝીલે છે.) (એકદમ ભાવુકતાથી…) ‘આર્ય, આપણે અહીં જ લગ્ન કરીશું. આ વડલા નીચે જ આપણો માંડવો નખાશે હોં.’
આર્ય : (એ જ ભાવુકતાથી) ‘ઇતિ, ભૂલી જાઉં ? અને તને ? “ન ભૂતો, ન ભવિષ્યતિ..”…ઇતિ, આપણે અહીં જ ફેરા ફરીશું. અગ્નિની સાક્ષીએ તો ખરા જ પણ આપણે તો આ વડલાદાદાની સાક્ષી પહેલાં જોઇએ…..અહીં જ તો આપણું શૈશવ વીત્યું. આપણો પ્રેમ પાંગર્યો…બરાબર ને ?’
ઇતિ : ‘હા…(થોડી શરમાઇને) અને પછી દર વરસે વડસાવિત્રીનું વ્રત કરવા હું અહીં આવીશ. ….’ (ફરી અંધકાર છવાય છે. આર્ય, ઇતિ જાય છે. દાદાના શબ્દો પડઘાય છે.) ‘રાતાચોળ…ગુલમહોરી શમણાં…અઢળક શમણાં બંનેની આંખોમાં અંજાયા હતાં. ખુશખુશાલ બનીને એ ધન્ય પળની પ્રતીક્ષા ઇતિની જેમ મેં પણ કરી હતી. પણ…..એ પળ કદી આવી જ નહીં…..આવી જ નહીં (વ્યથાથી) હા, બે વરસ પછી ઇતિ અહીં આવી હતી. પણ એકલી..સાવ એકલી…..’
ઇતિ : (સ્ટેજ પર પ્રકાશ પથરાય છે. ઇતિ ભીની આંખે દાદાની સામે જોતી ઊભી છે. પછી દાદાને નમન કરે છે.) ‘દાદા, તમે અમારા સ્નેહના એકમાત્ર સાક્ષી છો….મારી સાથે આવું કેમ થયું ? દાદા, કેમ થયું ? આર્યએ ત્યાં લગ્ન કરી લીધા..દાદા…સાંભળ્યું તમે ? દાદા, મારા આર્યએ લગ્ન કરી લીધા..(રડે છે પછી હાથમાંથી વીંટી કાઢી ત્યાં મૂકે છે.) દાદા, તમારી સાક્ષીએ આર્યએ આ વીંટી મને પહેરાવી હતી આજે એ અહીં જ મૂકીને જાઉં છું.
(ધ્રૂસકે ધ્રૂસકે રડે છે. વડલાદાદાને નમન કરી દોડી જાય છે. ફરી સ્ટેજ પર અંધકાર છવાય છે અને દાદાનો અવાજ પડઘાય છે.)
વડલાદાદા : ‘આ ઇતિ અને આર્યની વાત કરું ? કે પછી…. હમણાં થોડાં દિવસ પહેલાં જ મારી પાસે આવીને રડી ગયેલ જમના માની વાત કરું ?’

જમનામા : (સ્ટેજ પર પ્રકાશ…. પચાસની આસપાસની એક સ્ત્રી અને યુવકનો પ્રવેશ.) ‘બેટા, આમ મને એકલીને મૂકીને તું સાત સાગર પાર ચાલ્યો જાઇશ ? અહીં મારું કોણ ? બેટા, તારી પાછળ મેં મારી જિંદગી કાઢી છે. હવે મને જયારે તારા સહારાની જરૂર છે ત્યારે તું આમ મને તારી એકલવાયી માને મૂકીને આટલો દૂર ચાલ્યો જઇશ ? તને અહીં આટલી સારી નોકરી મળી ગઇ હોવા છતાં….? (કરૂણ અવાજે)
આકાશ : (મક્કમ અને રુક્ષ અવાજે) ‘મા, મારા ભવિષ્યનો સવાલ છે. મહેરબાની કરીને મને ઇમોશનલી બ્લેકમેઇલ કરવાનો પ્રયત્ન ન કરીશ.’
જમનામા : (દુ:ખી અવાજે) ‘બ્લેકમેઇલ ? આને બ્લેકમેઇલ કહેવાય ? એક માની ઝંખનાને બ્લેકમેઇલ કહેવાય એની મને ખબર નહોતી. પાંખો આવે ને બચ્ચાં ઉડી જાય એ સાચું પણ બેટા, જયાં એકલવાયી માની નજર પણ ન પહોંચે એવા આસમાનમાં જવું જરૂરી છે ? અને બેટા, પુત્રની જેમ દરેક માને યે એક ભવિષ્ય તો હોય છે હોં. એક એવું ભવિષ્ય જેની પ્રતિક્ષામાં શિશુના જાજેરા જતન કરીને જેણે પોતાના રાત દિવસ એક કર્યા છે તે માના ભવિષ્યને દીકરાઓ ભૂલી ન જતા. બેટા, તમારી પાસે તો આખું ભવિષ્ય છે પણ તમારી મા પાસે તો હવે રહ્યાં છે ભવિષ્યના ગણ્યાગાંઠયા વરસો જ… કોઇ માને દીકરાનો વિશ્વાસ કરતાં પહેલાં દસ વાર વિચાર કરવો પડે એવી સ્થિતિમાં કોઇને ન મૂકતા બેટા….ન મૂકતા…
(સ્ટેજ પર ફરી અંધકાર. જમનામા એક દિશામાં જાય છે. દીકરો બીજી દિશામાં જાય છે.)
વડલાદાદા : (વડલાદાદાનો અવાજ આવે છે.) ‘આજે પણ જીવનથી હારેલા, થાકેલા જમનામાની આંખોમાં શબરીની પ્રતીક્ષા જોઇ શકાય છે અને કશું ન કરી શકવાની મારી મજબૂરી પર વ્યથિત હ્રદયે ઉભો રહી હું ચૂપચાપ આંસુ સારતો રહું છું. કાલે આ વાત પેલા યુવાન છોકરાને કરું ? અને હવે મારી અંદર ઉમટે છે……દીકરીને જન્મ ન આપી શકનાર મીક્ષાના અનરાધાર આંસુઓ….એ દ્રશ્ય મને આ ક્ષણે પણ હચમચાવી રહ્યું છે.’ (સ્ટેજ પર લાઇટ થાય છે.)
(બે યુવતીઓ આવે છે. એક રડે છે. બીજી તેને સાંત્વના આપે છે.)

નિરાલી : ‘મીક્ષા, રડ નહીં. જે થવાનું હતું તે થઈ ચૂકયું. હવે અફસોસ કરીને યે શો ફાયદો ?’
મીક્ષા : (રડતા અવાજે) નિરાલી, ફાયદો કશો નથી. હું જાણું છું. મારો આર્તનાદ કોઇ સાંભળવાનું નથી પણ શું કરું ? મારી ન જન્મેલ દીકરીની ચીખ હજુ પણ મારા કાનમાં, મારા અસ્તિત્વના પ્રત્યેક અણુમાંથી મને પોકારી રહી છે, મને પૂછી રહી છે…..મારી પાસે જવાબ માગી રહી છે. જન્મ ન પામી શકેલ મારી દીકરીનો આંસુભીનો અદીઠ ચહેરો મને જંપવા નથી દેતો. ‘મા, શું વાંક હતો મારો ? મા, મને કાં અવતરવા ન દીધી ?’ નિરાલી, શું જવાબ આપું હું મારી ન જન્મેલ એ પુત્રીને ? હું એક મા…થઈને મારી પુત્રીને ન બચાવી શકી. નિરાલી, ન બચાવી શકી… આ એકવીસમી સદીમાં મારી પાસે મારા સંતાનને જન્મ આપવાનો હક્ક પણ નથી…
(એકાદ ક્ષણ રોકાઇને) છે જવાબ તમારા કોઇ પાસે ? બચાવી શકશો મારી અને બીજાની આવી અનેક ન જન્મી શકતી દીકરીઓને ?’ (મીક્ષા મોટેથી રડે છે. નિરાલી તેને વાંસે હાથ ફેરવે છે આશ્વાસન આપે છે. અને ધીમે ધીમે અંદર લઇ જાય છે. ફરી અંધાર છવાય છે. દાદાનો ઘેરો અવાજ સ્ટેજ પર ગૂંજી રહે છે.) ‘જવાબ મારી પાસે તો નહોતો મંગાયો…પરંતુ માંગ્યો હોત તો પણ હું શું જવાબ આપી શકત ? આખરે શું થવા બેઠું છે માનવજાતને ? આ કેવો લૂણો લાગ્યો છે માનવતાને ? કયાં સુધી મારે આ બધી વ્યથા અને કથાના મૂક સાક્ષી બની રહેવાનું ?’ (સ્ટેજ પર ફરી ઝાંખો પ્રકાશ થાય છે. ત્રણ છોકરીઓ સાથે આવે છે. કંઇક હસી મજાક ચાલે છે. ત્યાં ચોથી છોકરી….ચૈતાલીનો પ્રવેશ થાય છે. તે ઉદાસ, મૌન દેખાય છે. એને જોઇને બીજી બધી છોકરીઓ એકબીજીને ઇશારાથી કંઇક સૂચવે છે. પછી બધી છોકરીઓ ચૈતાલી પાસે જાય છે.)

ઇરા : ‘ચૈતાલી, તારી સાથે જે બન્યું તે બધું સાંભળીને અમને ખૂબ દુ:ખ થયું. (એકાદ ક્ષણ થોભીને ) હેં ચૈતાલી, એ લોકો કેટલા હતા ? બે કે ત્રણ ?’
ઇશા : ‘છાપામાં તો ત્રણ વ્યક્તિઓ હતી એવું લખેલ છે. બાપ રે..! ત્રણ-ત્રણ જણાં એક છોકરી પર આમ તૂટી પડે……કેવું ખરાબ કહેવાય નહીં ? તને કેવું ફીલ થતું હશે ? એ બધું થોડું કયારેય ભૂલી શકાવાનું છે ?’
શિવાની : ‘ચૈતાલી, તેં ચીસો તો પાડી જ હશે નહીં ? કેમ સહન થયું તારાથી એ બધું ? બાપ રે..! મારાથી તો એ કલ્પના પણ સહન નથી થતી.’
ઇરા : ‘બળાત્કાર શબ્દ જ એવો છે. મને તો થાય છે એ ત્રણેને ફાંસીની સજા થવી જોઇએ. હેં ચૈતાલી, તને અને તારા ઘરનાને પણ કેટલું દુ:ખ થયું હશે નહીં ? બાકી ચૈતાલી, તું હિંમતવાળી તો કહેવાય હોં. નહીતર આવી ફરિયાદ કોઇ જલદીથી પોલીસમાં કયાં કરે છે ? (ચૈતાલી અકળાઇને કાને મૂકી વ્યગ્રતાથી આમ તેમ ફરતી રહે છે.)
ઇશા : ‘કયાંથી કરે ? છોકરીની કેવી બદનામી થાય ? પછી એની સાથે લગ્ન કરવા કયો છોકરો તૈયાર થવાનો ? એ બળાત્કારીઓને તો જે સજા થાય તે પણ આ ચૈતાલીની બિચારીની જિંદગી તો વિના વાંકે બગડી જ ને ?’
ચૈતાલી : (અવાજમાં આંસુભીનો આક્રોશ છે….મોટેથી) ‘બસ, બહુ થયું. બંધ કરો તમારું આ સહાનુભૂતિનું નાટક. નથી જોઇતી મારે તમારી બનાવટી હમદર્દી. મારા દૂઝતા જખમને ખોતરવાનું બંધ કરો. પ્લીઝ, બંધ કરો. સહાનુભૂતિને નામે વારંવાર મારા ઘાવ કુરેદતા રહેવાની સમાજની રૂગ્ણ માનસિકતાથી હું થાકી ગઇ છું. શરીર પરનો બળાત્કાર તો હું સહન કરી ગઇ પણ ઉંદરની માફક ફૂંકી ફૂંકીને, ફોલી ખાનાર સમાજનો, તમારા સૌનો.. કહેવાતા મિત્રોનો રોજરોજનો આ માનસિક બળાત્કાર મારાથી નથી સહન થતો….નથી સહન થતો. હું જે ભૂલવા મથું છું એ ખરેખર હું ભૂલી જાઉં તેવું કોઇ ઇચ્છતું નથી. જાતજાતની દયાવૃતિ દાખવીને મારા જખમને દૂઝતા રાખવાની આ ગંદી હરકત હવે બંધ કરો. નથી જોઇતી મારે તમારા કોઇની દયા. મારા કહેવાતા સ્વજનો જ મારા….. (ચૈતાલી રડતી રડતી ભાગવા જાય છે. બધી છોકરીઓ તેની પાછળ ફર્યા કરે છે. જાત જાતના પ્રશ્નો સંભળાયા કરે છે. સાથે સાથે ચૈતાલીનો આર્તનાદ પડઘાતો રહે છે. ચૈતાલી અંદર દોડી જાય છે. પ્રકાશની રંગછાયાનો ઉપયોગ કરવો.)
ઇરા, શિવાની : ‘આવું થયું તો યે પાવર તો સમાતો નથી. આ તો શરમાવાને બદલે ગાજે છે.’
ઇશા : ‘ખરી છે ચૈતાલી. પણ…..બાપ રે! મારી સાથે આવું થયું હોય ને તો હું તો શરમની મારી એક શબ્દ બોલી ન શકું કે કોલેજે આવવાની હિંમત જ ન કરી શકું. કોઇને શું મોં બતાવી શકાય ? આ તો ચોર કોટવાળને દંડે છે. લાજવાને બદલે ગાજે છે. આપણે તો બિચારીની દયા ખાવા ગયા.’
ઇરા : ‘દયા ખાવાનો જમાનો જ નથી. મરશે….આપણે શું ? ચાલો, કેન્ટીનમાં જઇને કંઇક નાસ્તો કરીએ. મૂડ ખરાબ થઇ ગયો.
(બધા જાય છે. સ્ટેજ પર અંધકાર છવાય છે.)

વડલાદાદા : ‘ચૈતાલીનો પ્રશ્ન, તેની વ્યથા સમજવાવાળું કોઇ નથી ? પીડિતને વધુ કુરેદવાની સમાજની આ રૂગ્ણ મનોવૃતિથી કેમ બચવું ? સમાજ પોતાની નૈતિક જવાબદારી કયારે સમજશે ? કોઇ સમજતું કેમ નહીં હોય કે સહાનુભૂતિને નામે થતા આ બધા પ્રશ્નો એક છોકરીને વારંવાર એ પીડાદાયી પ્રક્રિયામાંથી પસાર કરતા રહે છે. બધાને પોતાની છૂપી જિજ્ઞાસા સંતોષવી છે કુત્સિત આનંદ મેળવવાની. આ પરપીડન મનોવૃતિથી બચવાનો કોઇ ઉપાય નથી ? ચૈતાલીની આ વાત તો કાલે પેલા પત્રકારને જરૂર કરીશ. સમાજ સુધી મારી વાત પહોંચાડવાનો આ મોકો મળ્યો છે તો એ કામ હું અવશ્ય કરીશ. કદાચ કોઇને અસર થાય તો ?
આ બધાનો કોઇ આરો કે ઓવારો નહીં હોય ? સમાજમાં આવું જ બધું છે ? ના….ના….સાવ એવું તો કેમ કહી શકાય ? જુઓ, સામેથી આ વિરાજ અને એનો ભાઇ દફતર ઝૂલાવતા આવે છે તે દેખાય છે ? (સ્ટેજ પર ઝગમગ પ્રકાશ પથરાય છે.)
(સાત-આઠ વરસની છોકરી અને તેની સાથે એવડો જ એક છોકરો દફતર ઝૂલાવતા, એકમેકનો હાથ પકડીને હસતાં હસતાં આવે છે. વાતાવરણ જાણે એકદમ પ્રસન્ન થઇ ઉઠે છે. (સ્ટેજ આખું પ્રકાશથી ઝળહળ.))

વિરાજ : ‘ભાઇલા, કાલે રક્ષાબંધન છે ને ? મમ્મીએ મને કહ્યું કે કાલે અલતાફ તને કંઇક આપશે અને તારે એને રાખડી બાંધવાની. હું આજે સાંજે તારા માટે રાખડી લેવા જવાની. ભાઇલા, તું મને કાલે શું આપીશ ?’
અલતાફ : ‘એ કંઇ અત્યારથી કહી ન દેવાય. એ તો સરપ્રાઇઝ ગીફટ છે. મમ્મી-પપ્પાએ મને સમજાવ્યું છે કે ભાઇએ હમેશા બહેનનું ધ્યાન રાખવાનું હોય. એની રક્ષા કરવાની હોય. હું હમેશા તારું-મારી બહેનનું ધ્યાન રાખીશ હોં.
વિરાજ : ‘મારો ભાઇલો તો મને બહુ વહાલો છે.’ (બંને એકબીજાનો હાથ પકડી ગીત ગાતા ગાતા જાય છે. વડલાદાદા ટટ્ટાર થાય છે. આંખોમાં એક ચમક ઉભરે છે.) વડલાદાદા : તમને ખબર છે આ વિરાજ કોણ છે ? (સ્ટેજ પર ઝાંખો પ્રકાશ પથરાય છે. ચાર-પાંચ જણા….હિંદુ-મુસ્લીમ……એકબીજાને મારો કાપોના અવાજ સંભળાય છે. બે હિંદુ ઢળી પડે છે.)
રહીમ : ‘હાશ ! હવે ટાઢક વળી. આજે મારા ભાઇ અફઝલના ખૂનનો બદલો લીધો. ધરતી પરથી બે કાફર ઓછા થયા. ઇબ્રાહીમ, આ બધા એ જ લાગના છે.’
ઈબ્રાહીમ : ‘હા, મારી અંદર પણ વેરનો જ્વાળામુખી ભભૂકે છે. અરે, અહીં એક બાળકી પણ હતી. તે કયાં ગઇ ? એ બચવી ન જોઇએ. કાલે બીજા હિંદુઓને તે જન્મ આપશે. એના કરતાં….(આમ તેમ શોધે છે. પાંચ-છ વરસની એક બાળકી ડરથી, ધ્રૂજતી એક ખૂણામાં સંતાણી છે. આ વાત સાંભળતા તે ખૂણામાં વધારે અંદર ભરાય છે. આંખો બંધ કરી ભગવાનને પ્રાર્થના કરે છે. ધ્રૂજતી રહે છે. રહીમ અને ઇબ્રાહિમ ઘવાયેલ સિંહની માફક તેને શોધતા રહે છે. બે ચાર આંટા સ્ટેજ પર મારે છે. અંધકારમાં કશું દેખાતું નથી.)
રહીમ : ‘ઇબ્રાહિમ, મને લાગે છે તે પાછળની તરફ ભાગી ગઇ છે. ચાલ, એ તરફ શોધીએ. કદાચ એ બાજુ કયાંક ભરાણી હશે.’
ઈબ્રાહીમ : ‘હા,ચાલ. એવડી અમથી છોકરી હજુ બહું દૂર નહીં ગઇ હોય.’ (આમતેમ જોતા જોતા બંને જાય છે. બાળકી એમ જ સંતાયેલી રહે છે. ધ્રૂસકા ભરતી રહે છે. ત્યાં કોઇ મૌલવીજી આવે છે.)
મૌલવીજી : ‘હે…..અલ્લાહ, આ તારા બંદાઓ આજે માર્ગ ભૂલ્યા છે. એને રસ્તો બતાવ. હે મૌલ, એને સાચો રસ્તો બતાવ.’ (બંદગી કરે છે. ત્યાં રડવાનો અવાજ કાને પડતા ચોંકે છે.) ‘યા….ખુદા….આ કોનો અવાજ સંભળાય છે ? કોણ રડે છે અહીં ? (આમતેમ શોધે છે. બાળકી પર ધ્યાન જાય છે.) ‘ત્યાં કોણ છે બેટા ? બહાર આવ, ડરવાની જરૂર નથી. (છોકરી રડતી રડતી ધીમેથી ઉભી થાય છે.) ‘બેટા, શું થયું ? બચ્ચી રડ નહીં. તું કોણ છે ?’
છોકરી : (મૌલવીજીને વળગીને રડે છે. તૂટક તૂટક શબ્દોમાં બોલે છે.) ‘મારા મમ્મી-પપ્પાને એ લોકોએ મારી નાખ્યા. દાદા, હું બચી ગઇ. હવે હું કયાં જાઉં ? મમ્મી…….મમ્મી..(મોટેથી રડી પડે છે.)
મૌલવી : ‘રડ નહીં બેટા….રડ નહીં…..હું છું ને ? આજથી તું મારી દીકરી. તારા ઘરમાં બીજું કોઇ હતું ?’
છોકરી : ‘ના. ખાલી મમ્મી-પપ્પા જ હતા. હવે મારું કોઇ નથી. દાદા, કોઇ નથી.’ (રડે છે.)
મૌલવી : ‘બેટા, તેં મને દાદા કહ્યો ને ? આજથી હું તારો દાદા અને તું મારી દીકરી. ચાલ બેટા, મારી સાથે. તને કંઈ નહીં થવા દઉં. મારા ભાઇઓ આજે ભાન ભૂલ્યા છે. વેરથી વેર શમ્યું છે કદી ? એમની ભૂલનું હું પ્રાયશ્વિત કરીશ. હિંદુ-મુસ્લીમના ભેદ ભૂલીને આ છોકરીને અપનાવીશ. હે અલ્લાહ….હે માલિક….તારા બંદાઓને સાચો રાહ બતાવ. સૌને સદબુદ્ધિ આપ. આ મારો-કાપોના નારા એકબીજા તરફ કયાં સુધી ? આખરે કયાં સુધી ? આ કેવી નફરત છે માનવીની માનવી તરફની ? હે ખુદા, માફ કર. માફ કર.’ (છોકરીનો હાથ પકડી ધીમે ધીમે અંદર જાય છે.)

( ફરી અંધકાર પથરાય છે. )

વડલાદાદા : ‘મૌલવીજીએ બાળકીને અપનાવી લીધી. તેને નવું જીવતર, નવું કુટુંબ આપ્યું. રોજ સવારે તેના ભાઇ સાથે દફતર ઝૂલાવતાં અહીંથી પસાર થાય ત્યારે ભાઇ-બહેનના કિલકિલાટ હાસ્યમાં હું તરબોળ બનું છું.
કોણ કહે છે હિંદુ-મુસ્લીમ દુશ્મન છે ? સૌને સંપીને રહેવું ગમે છે પણ મઝહબને નામે, જન્નતને નામે, અલ્લાહને નામે બાળકો અને યુવાનોને અવળે માર્ગે દોરી જતાં ધર્મગુરૂઓ, સ્વાર્થી રાજકારણીઓ અને ધર્માન્ધ, ઝનૂની, સ્વાર્થી એવા મુઠ્ઠીભર માનવીઓ કોઈને જંપવા દે ત્યારે ને ? મૌલવીજી જેવા અનેક સાચુકલા માનવીઓ આજે પણ દેખા દેતા રહે છે. કમનસીબે એનું પ્રમાણ ઓછું દેખાયું છે. છતાં એ અહેસાસ ભીતરની શ્રધ્ધાના દીપને ઓલવવા નથી દેતો. કયાંક કયાંક આવા કોડિયા જલતાં રહે છે. બની શકે કાલે એક કોડિયામાંથી અનેક દીપ પ્રગટી ઉઠે. મને લાગે છે. આવા મુઠ્ઠીભર માનવીઓને લીધે જ સર્જનહાર હજુ માનવજાતમાંથી સાવ શ્રધ્ધા ગુમાવી નથી બેઠો. કાલે આ વાત પણ પેલા છોકરાને જરૂર કરીશ. બસ, હવે તો મને પણ પ્રતિક્ષા છે આવતી કાલના સૂરજના ઉગવાની. એક નવા પ્રભાતની….(આશાભર્યા અવાજે) કાલે મારું હૈયું ઠાલવીશ. લોકો સુધી મારો સાદ પહોંચશે અને મને થોડો સંતોષ મળી શકશે.’

(ત્યાં બે મજૂરો આવે છે. હાથમાં મોટા કુહાડા છે.)
પહેલો મજૂર : ‘સાચું કહું…..? મને આ વડલાદાદાને કાપવાનું જરીયે મન નથી થતું. મારા થાકેલા શરીરે આ વડલાદાદાની છાંયામાં અનેકવાર વિસામો લીધો છે. આજે એને કેમ કાપવો ?’
બીજો મજૂર : ‘વાત તો તારી સાચી છે. પણ શું કરીએ ? ઓલા શેઠિયાની મોટી હોટલના પ્લાનમાં આ વડલો નડતરરૂપ છે. એથી એને મૂળસોતો ઉખેડી નાખવાનો છે.’
પહેલો મજૂર : ‘હા, શેઠિયાઓને જે નડે એને મૂળસોતા જ ઉખેડી નાખે. એને કંઇ દયા-માયા થોડી નડવાની હતી ? એને કાંઇ ઝાડવાનો છાંયો, એ વિસામાનો અરથ થોડો સમજાવાનો ?’ (નિસાસો નાખે છે)
બીજો મજૂર : ‘તારા નિસાસા નાખવાથી કંઈ નહીં વળે. આપણે તો ચિઠ્ઠીના ચાકર. ભગવાને આપણનેય પેટ તો આલ્યું જ છે ને ? હમણાં મુકાદમ આવી પૂગશે…..લે આ કૂહાડો અને હલાવ હાથ…. જોજે એકે મૂળિયું બચવું ન જોઇએ.’
(ધડાધડ કૂહાડાના અવાજ સંભળાય છે. સ્ટેજ પર અંધકાર છવાય છે અને વડલાદાદાના આખરી શબ્દો હવામાં પડઘાઇ રહે છે.)
વડલાદાદા : ‘કાશ ! એક દિવસ….જિંદગીનો માત્ર એક દિવસ મને વધારે મળ્યો હોત તો મારી વાત હું પેલા છોકરા સુધી પહોંચાડી શકયો હોત. કમનસીબે મારો ઈન્ટરવ્યૂ અધૂરો રહી ગયો. અધૂરી રહી ગઈ મારા હૈયાની વાતો. હવે સાંજે એ છોકરો આવે ત્યારે મારી વ્યથા-કથા તમે સૌ એને જરૂર પહોંચાડશો હોં….મારી આ આખરી વિનંતી……આખરી….અંતિમ ઈચ્છા છે…..પૂ…રી ક..ર..શો ને ? અલ…વિદા…..અ..લ..વિ…દા…..
(તૂટક તૂટક શબ્દો બોલાતા રહે છે. કૂહાડાના ઘા પડઘાતા રહે છે અને પડદો પડે છે.)

(નોંધ : પાંત્રીસથી ચાલીસ મિનિટના આ નાટકમાં સમયની જરૂરિયાતને અનુલક્ષીને પ્રસંગ કે પાત્રની સંખ્યા વધારી કે ઘટાડી શકાય. બે કે ત્રણ જ વ્યક્તિ પણ જુદા જુદા દરેક પાત્ર ભજવી શકે.)