Felicitation of Shri Vinodbhai Ambani by Shri Ajitbhai Desai

Felicitation of Shri Vinodbhai Ambani by Shri Ajitbhai Desai

Felicitation of Shri Vinodbhai Ambani by Shri Ajitbhai Desai

સાંપ્રત શિક્ષણ : પ્રશ્નો જ પ્રશ્નો – શરીફા વીજળીવાળા

કોઈ પણ સ્વસ્થ સમાજને ઘડવાનું, જીવનમૂલ્યોને રક્ષવાનું કામ હંમેશાં શિક્ષણ જ કરી શકે. સારું અને સાચું શિક્ષણ. શિક્ષણ વ્યક્તિત્વ ઘડતરનું કામ કરે છે. શિક્ષણ જીવનમૂલ્યો શીખવે, સર્વાંગી વિકાસની દિશામાં લઈ જાય. સ્વસ્થ નાગરિક સમાજના ઘડતરમાં મૂલ્યનિષ્ઠ શિક્ષણનો જ સૌથી મોટો ફાળો હોવાનો. શિક્ષણ એટલે માત્ર ડિગ્રીધારીઓ પેદા કરવાની ફેકટરી નહીં પરંતુ એક સંપૂર્ણ મનુષ્ય બનાવનારી કેળવણી.

પણ આજે ચોતરફ નજર નાખો. ઉગતાથી આથમતા સુધી સતત દોડતો વિદ્યાર્થી ખરેખર શું ભણે છે ? બદલાયેલી શિક્ષણ પદ્ધતિએ બાળકો પર અર્થ વગરનો અને પાર વગરનો બોજો ખડકી દીધો છે. ભારણ વધ્યું છે પરંતુ ભણતર વધ્યું છે ખરું એવો પ્રશ્ન થાય. ભણતરના ભાર નીચે કચડાઈ જતો આ વિદ્યાર્થી વર્ગમાં ભલે 80-90 ટકા લાવે પરંતુ એનું વિસ્મયનું જગત ખોવાઈ ગયું છે. વાર્તાઓના જગતમાં ખોવાઈ જઈ કલ્પનાના લોકમાં વિહરવાનો સમય આજના ભણતરે એની પાસે રહેવા જ નથી દીધો. વિસ્મય અને અદ્દભુતના જગત સાથે જોડી આપતા અખૂટ વાર્તારસ સાથે આજના વિદ્યાર્થીને કોઈ નાતો જ ના રહ્યો. વળી ટેકનોલોજીના વિકાસે માહિતીનું મહત્વ વધાર્યું અને જ્ઞાનને બીજા નંબરે મૂકી આપ્યું. હરિફાઈની દુનિયામાં વ્યક્તિવિકાસના મૂલ્યો અને મહત્વાકાંક્ષાઓનું સ્વરૂપ બદલાઈ ગયું. પુસ્તકો દ્વારા વ્યક્તિત્વ ઘડતરનો ખ્યાલ જ અલોપ થઈ ગયો. વાચન માણસને વિચારતા કરે છે, પોતીકી રીતે નિર્ણય લેતા કરે છે. જેઓને વાંચવાની અને પરિણામે વિચારવાની ટેવ છે એમને ઘેંટાના ટોળાંની જેમ દોરી નથી શકાતા.

પણ છેલ્લા 25-30 વર્ષમાં વ્યક્તિને બદલે ટોળાં વધતા ગયા એનું મૂળ કારણ ખાડે ગયેલ શિક્ષણ છે. તમે દેશ કે દુનિયાના મહાન વૈજ્ઞાનિકો, વિદ્વાનો કે સર્જકોની વાતો વાંચો. વિક્રમ સારાભાઈ, રવીન્દ્રનાથ ટાગોર કે અત્યારે એ.પી.જે. અબ્દુલ કલામ, પંકજ જોશી વગેરેની વાતો વાંચો…. આ તમામની કુતૂહલવૃત્તિ, વિસ્મય એમના વાચનરસને કારણે પ્રદીપ્ત થયેલ. આજે ભણતરના ભારણે વિદ્યાર્થીના વાર્તારસ કે વાચનરસ બેઉનો સાવ જ છેદ ઉડાડી દીધો છે. આજના પોપટિયા શિક્ષણે એની સંપૂર્ણ મનુષ્ય બનવાની દિશા જ લગભગ બંધ કરી દીધી છે. આજના 80 થી 85 ટકા લાવનારા વિદ્યાર્થીની હાલત તો જરા જુઓ. અતિશય મર્યાદિત શબ્દભંડોળ, સાવ જ કાચીભાષા પરિણામે એકદમ જ નબળી અભિવ્યક્તિ, મૌલિક્તા અને સામાન્ય જ્ઞાનનો સદંતર જ અભાવ, આ વિદ્યાર્થીને ઈતરવાચન તો ઠીક પણ છાપાં વાંચવાની પણ કદી જરૂર નથી પડતી. પરંતુ આનો આ જ વિદ્યાર્થી પાછો રશિયાની રાજક્રાન્તિ વિશે કે બીજા વિશ્વયુદ્ધ વિશે નોંધ લખી આવે ! ભારતની આર્થિક નીતિ પર લખનારને બજેટ ક્યારે બહાર પડે કે કેવી રીતે પસાર થાય એની લેશમાત્ર ગતાગમ નથી. કોલેજના પે’લા-બીજા વર્ષના વિદ્યાર્થીને 1930 કે ’42 કે ’47 કે ’65 કે ’75 કે ’92માં શું બન્યું એવું પૂછો તો જવાબમાં મૌન પાળે છે. પશ્ચિમ બંગાળ પશ્ચિમમાં અને ગુજરાત દક્ષિણમાં એવા નિરાંતજીવે જવાબ આપે છે. હવે પ્રશ્ન કરો કે પેલા 80 કે 85 ટકાનો ફાયદો શો ? નિશાળોએ આ વિદ્યાર્થીને ગોખતા શીખવ્યું પણ બીજું કશું કેમ ના શીખવ્યું એવો પ્રશ્ન નહીં થાય ?

આજના શિક્ષણે આ વિદ્યાર્થીને એટલી હદે સપાટી પર છબછબિયા કરતો કરી દીધો છે કે ન એને ભૂગોળ આવડે, ન ઈતિહાસ. સંસ્કૃતિની જેટલી સમજ છે તે એટલી તો સાંકડી છે કે ‘વસુધૈવ કુટુંબકમ’ કે વિશ્વમાનવની વાત એમાં દાયરામાં જ નથી આવતી. સાવ છીછરું, સપાટી પરનું આ પોપટિયું શિક્ષણ ન તો જીવનમૂલ્યોનું સિંચન કરે છે કે ન જીવનઘડતરનું, ન વ્યક્તિત્વઘડતરનું કામ કરે છે. વળી ખોટનો ધંધો તો એ થયો છે કે જાણ્યે અજાણ્યે આ સપાટી પરના છીછરા શિક્ષણે વિદ્યાર્થીને ‘હું કંઈક છું’ના ભ્રમમાં રાચતો કરી દીધો છે. જ્ઞાનને કોઈ સીમા જ નથી હોતી એવું સમજવાને બદલે એ પોતાને મહાજ્ઞાની સમજતો થઈ ગયો છે.

ન કલ્પના લોકનો સાથ રહ્યો, ન કુદરત સાથેનો નાતો રહ્યો. આપણે આ વિદ્યાર્થીને વિષય તરીકે પર્યાવરણ ભણાવીએ છીએ પણ પર્યાવરણના ખરા પાઠ શીખવાડીએ છીએ ખરાં ? કુદરતી સ્ત્રોતના મહત્વ વિશે સભાન બનાવીએ છીએ ખરાં ? એને જીવનમૂલ્યનો હિસ્સો બનાવીએ છીએ ખરાં ? વનસ્પતિશાસ્ત્રમાં અનુસ્નાતક કક્ષાએ 75 ટકા લાવનારને બગીચાના એક પણ છોડના નામ નથી ખબર ! બોર્ડમાં નંબર લાવનારને એના રસ્તાના વળાંક પર ખીલી ઊઠેલા કાંચનારનો જાંબલી રંગ નથી દેખાતો. પ્રશ્ન આ છે. સમસ્યા આ છે. કટ્ટર હરિફાઈનો ભોગ બની, ટકા માટે ઘેલા બની આપણે વિદ્યાર્થીને માત્ર પુસ્તકિયા જ્ઞાન સુધી સીમિત કરી દીધો છે. જો આપણે તેને અનુભવજન્ય જ્ઞાન બાજુ, સામાન્ય જ્ઞાન અને વધારાના વાંચન બાજુ નહીં લઈ જઈએ તો આવતીકાલ નર્યા પ્રશ્નો લઈને ઉગશે. આપણી પાસે ગાંધીની બુનિયાદી તાલીમની પાક્કી સમજ છે જ. પણ એને અમલમાં મૂકવાની આપણી તૈયારી નથી. લોર્ડ મેકોલેએ આપણા માથા પર જે શિક્ષણ માળખું લાદ્યું તેને ફગાવી દેવાને બદલે આપણે એમાં વધુ ને વધુ ફસાતા ગયા. મેકોલેના વંશજો તો ગયા પરંતુ આપણે એના માળખાના મોહમાંથી છૂટ્યા છીએ ખરાં ?

અંગ્રેજી ભાષા તરફનો આપણો મોહ સાચી દિશામાં વધ્યો છે કે ખોટી દેખાદેખીની આ આંધળી દોટ છે ? અંગ્રેજી વિષયના શિક્ષણ સામે કોઈનેય વાંધો ન હોય પરંતુ શિક્ષણનું અંગ્રેજીકરણ તો કેવી રીતે ચલાવી લેવાય ? ભાષાવિજ્ઞાન, મનોવિજ્ઞાન અને દાકતરી વિજ્ઞાન તમામ એક વાતને ટેકો આપે છે કે માતૃભાષામાં ભણેલા વિદ્યાર્થીની પાયાની સમજ એકદમ ટકોરાબંધ હોય છે. પણ અંગ્રેજી પાછળની આંધળી દોટમાં આ સાંભળવા તૈયાર કોણ છે ? જેમને અંગ્રેજી માધ્યમમાં મૂક્યા તે અંગ્રેજી સાહિત્ય વાંચતા થયા ? જવાબ ‘ના’. એમણે ગુજરાતી વાંચ્યું ? તો એ તો એને આવડ્યું જ નથી. તો આ તો બાવાના બેઉ બગડ્યા જેવો ઘાટ થયો ને ? ટૂંકમાં છેલ્લા બે-ત્રણ દાયકાઓથી જાણે કે વાચનયુગ જ પૂરો થઈ ગયો છે. આપણાં બાળપણના પાત્રો સોટી-પોઠી, બકોર પટેલ, મિયાં ફૂસકી આ બધા તો બિલકુલ ગાયબ જ થઈ ગયા. ’70ના દાયકા સુધી આપણે ત્યાં ડૉક્ટરો, ઈજનેરો સહિત બધા વાંચતા. ઘરે ઘરે મુનશી, મેઘાણી, મડિયા, ર.વ. દેસાઈ, દર્શક ઉપરાંત શરદબાબુ, ટાગોર અને ખાંડેકર પણ પુષ્કળ વંચાતા. કોકિલા, મંજરી, મૃણાલ કે રોહિણી રાજુ કે જીવીને ગુજરાતી પ્રજા ઓળખતી. આજે તો ગુજરાતી વિષય સાથે એમ.એ. એમ.ફિલ કે પી.એચ.ડી. કરનાર વિદ્યાર્થીને પણ આમાંથી માંડ એકાદ બે નામ ખબર હશે. એય જો કશેક અભ્યાસક્રમમાં આવ્યા હશે તો નહિતર રામ…રામ…

આપણે પ્રાથમિક શિક્ષણ ક્યાં જઈ રહ્યું છે એની પરવા જ ન કરી અને સર્વોચ્ચ પદવીઓ માટે જીવદયા મંડળીઓ ખોલી બેઠા… જેના પરિણામ આપણી સામે જ છે. આજનો આપણો વિદ્યાર્થી જાતે પંદર વાક્યો નથી લખી શકતો, ગોખેલી પદ્ધતિ સિવાય અન્ય પદ્ધતિથી, તાળો મેળવીને દાખલા નથી ગણી શકતો. ટ્યૂશન કલાસ અને માર્ગદર્શિકાઓના બોટલફિડિંગે એને સાવ પરાવલંબી બનાવી દીધો છે. નિબંધ લખવા માટે આજનો વિદ્યાર્થી મા-બાપ સાથે જ્યારે નિબંધમાળા શોધવા નીકળે ત્યારે જીવન વધુ ગંભીર લાગે. વાચન માણસને પોતીકી રીતે વિચારતા કરે છે, બીજા માનવીના આંતરમન સુધી પહોંચવામાં મદદ કરે છે, વીતેલા સમયની ઘટનાઓના આકલનમાં, એને સાચા પરિપ્રેક્ષ્યમાં સમજવામાં, સમૂહની માનસિકતા સમજવામાં આપણને વાચન જ મદદ કરી શકે. વાચન માણસને પાયામાંથી બદલી શકે છે, જીવનમૂલ્યોનું ઘડતર કરે છે, મનોજગતને વિસ્તારે છે, પોતીકી સમજ કેળવે છે. આટઆટલાં ફાયદા હોવા છતાં આજે કેમ વિદ્યાર્થી વાંચતો બંધ થઈ ગયો ? આમ તો આ પ્રશ્ન છેલ્લાં 30-35 વર્ષથી પૂછાઈ રહ્યો છે. નહીં વાંચનારી એક આખી પેઢીના સંતાનો આજે વિદ્યાર્થી તરીકે શાળા-કૉલેજોમાં પહોંચી ગયા છે એટલે પ્રશ્ન વધુ વિકટ બન્યો છે.

આ બધું રાતોરાત નથી થયું. આની પાછળ બદલાયેલી શિક્ષણપદ્ધતિ જેટલી જવાબદાર છે એટલો જ નબળો પડતો જતો શિક્ષક પણ જવાબદાર છે. એક જ શિક્ષક અમારા જમાનામાં બધા વિષય ભણાવતા પ્રાથમિક શાળામાં તે છતાં પાયા કેવા તો પાક્કા થતાં હતાં. ને આજે ? આજે દરેક વિષયના નિષ્ણાત શિક્ષક ભણાવે છે છતાં શિક્ષણ આટલું ખાડે ગયું છે. ભારણ વધતું જાય છે અને ભણતર ઘટતું જ જાય છે. વર્ગમાં જનાર શિક્ષકમાં જે પ્રકારની સજ્જતા હોવી જોઈએ તેનો આજે અપવાદને બાદ કરતાં સંપૂર્ણ અભાવ છે. શિક્ષકે પોતે ઘણું બધું વાંચ્યું હશે. તો એ એના વિદ્યાર્થીને વાંચવા અંગે માર્ગદર્શન આપી શકશે ને ? આજે તો શિક્ષક જ ત=ટ, ગ=ઘ, ર=લ, દ=ડ બોલતો હોય વર્ગમાં પછી વિદ્યાર્થી શું ખાખ ઉચ્ચારણશુદ્ધિ શીખવાનો ? કૂવામાં ન હોય તો હવાડામાં ન આવે એ શિક્ષણ માટે સવાયું સત્ય છે. આજે શિક્ષણક્ષેત્રે કૂવાઓ ખાલી છે એ દુ:ખ સાથે આપણે કબૂલવું પડશે. શિક્ષક વાંચતો હશે, વિચારતો હશે, મૂલ્યનિષ્ઠ અને પ્રામાણિક હશે તો એના 70-75 ટકા વિદ્યાર્થી તો એના જેવા થશે જ. વિદ્યાર્થીના કુતૂહલને શિક્ષકે પ્રદીપ્ત કરવાનું છે, ઢબૂરી નથી દેવાનું. શિક્ષકે વ્યક્તિત્વ ઘડતર કરવાનું છે. પોતાનો વિદ્યાર્થી ટોળાંનો ભાગ ન બની જાય, એ પોતાની રીતે વિચારતો થાય, મૌલિકપણે નિર્ણયો લેતો થાય, વાંચતો-લખતો થાય એ જોવાની શિક્ષકની નૈતિક જવાબદારી છે.

આજે જરૂર છે એવા શિક્ષણની જે વિદ્યાર્થીને કલ્પનાની પાંખે ઊડવા દે, એનો સર્વાંગી વિકાસ સાધે, એને સંપૂર્ણ મનુષ્ય બનાવે. વિદ્યાર્થી ‘સ્વ’ને બદલે ‘સર્વ’નો વિચાર કરતો થાય એવા શિક્ષણની આજે તાતી જરૂરિયાત છે. અત્યારે જે માળખું છે તે તો માત્ર સ્વકેન્દ્રી મશીનો જ પેદા કરી શકે એમ છે, એમાંથી સર્વનો વિચાર કરતો સાચુકલો માણસ પેદા કરવો બહુ અઘરો છે. આપણું સમગ્ર માળખું પરિવર્તન માગે છે. બે વર્ષની ઉંમરના બાળકને રમવા દો… વાર્તાઓ સાંભળવા દો. એને ભણતરના ચૂલામાં ઝોંકવાની જરૂર નથી. પાંચેક વર્ષની ઉંમરે ભણવા બેસાડો. શિક્ષકે જે શીખવાડવાનું છે એ નિશાળમાં જ શીખવાડવાનું છે. આ બરાબર થતું હશે તો કોઈ ટ્યૂશન, કોઈ ગાઈડની જરૂર નહીં જ પડે. બાળક વેઠી શકે એટલું જ લેસન આપો. બાળક મશીન નથી, માણસ છે. એ સમજીને એને હસતા-રમતા ભણાવો. બોર્ડની પરીક્ષાઓના ખોટા હાઉ દૂર થવા જોઈએ. બાકીની પરીક્ષાઓ જેવી જ આ પણ એક પરીક્ષા છે એવો માહોલ ઊભો થવો જોઈએ. કટ્ટર હરિફાઈની ઘેલછામાં તમારા બાળકને ના હોમી દો. હા, કૉલેજ સ્તરે ભારણ વધારો. આજે કૉલેજોમાં મશ્કરી લાગે એટલો ચપટી અભ્યાસક્રમ છે. એને વધારી શકાય. એમ.ફિલ. પી.એચ.ડી. જેવી ઉચ્ચ પદવીઓમાં ચાલતી લાલિયાવાડી બંધ થવી જોઈએ. જે આવતીકાલે શિક્ષક થવાના છે એવા તમામ વિદ્યાર્થીની તાલીમ વધુ નક્કર થવી જોઈએ. એમની પાસે વધારાના વિશાળ વાચન અને જાણકારીની અપેક્ષા રખાવી જોઈએ… તો… કદાચ તો આપણું કથળી ગયેલું, ખાડે ગયેલું શિક્ષણનું સ્તર જરાક સુધરે. એક વાત દરેકે ગાંઠે બાંધવા જેવી છે કે જે પ્રજાનું શિક્ષણ ખાડે જાય તેનું સઘળું ખાડે જાય. એટલે જો આપણને આપણી આવતીકાલ ઉજળી જોઈતી હોય, એક સ્વસ્થ નાગરિક સમાજ જોઈતો હોય તો આપણે આજના શિક્ષણના માળખામાં આમૂલ પરિવર્તન કરવા જ પડશે.

E-mail This Article to Friend

આપણે સૌ એક પિતાનાં સંતાન – મોહનદાસ ગાંધી

પ્રકાશકનું નિવેદન : ગાંધીજીની કામ કરવાની રીત એવી હતી કે પોતાને જે સાચું ને કરવા જેવું લાગે તે જાતે કરવા માંડવું. પછી પોતાનું કાર્ય બીજાઓને સમજાવવાને માટે પત્રવ્યવહાર, જરૂર પડે તો ભાષણ અને ચર્ચા કરવી. તેમના કાર્યનો ફેલાવો જેમ જેમ થતો ગયો તેમ તેમ તેમણે એ કામને માટે અઠવાડિકો ચલાવ્યાં. દક્ષિણ આફ્રિકામાં એ માટે તેમણે ‘ઈન્ડિયન ઓપીનિયન’ અઠવાડિક શરૂ કરેલું. અહીં હિંદમાં આવ્યા બાદ એ જ કામને માટે પહેલાં અંગ્રેજીમાં ‘યંગ ઈન્ડિયા’ અને ગુજરાતીમાં ‘નવજીવન’ એ બે અઠવાડિકો ચલાવ્યાં. પાછળથી એ જ કામ તેમણે ‘હરિજન’ સાપ્તાહિકો મારફતે ચાલુ રાખ્યું. કોક સ્થળે તેમણે આ અઠવાડિકોને પોતાના પ્રજાજોગ સાપ્તાહિક પત્રો કહીને ઓળખાવ્યાં છે. આમ પત્રવહેવાર, પ્રસંગોપાત્ત ભાષણો, જરૂર પડ્યે જાહેર નિવેદનો અને આ અઠવાડિકો મારફતે તેમનું પાર વગરનું સાહિત્ય નિર્માણ થયું છે.

ગાંધીજીને, તેમના કાર્યને, ખાસ કરીને તેમના અહિંસાના સંદેશને અને તે માટે તેમણે યોજેલી કાર્યપદ્ધતિને જે સમજવા માગે તેણે એ બધા સાહિત્યનો શ્રદ્ધાથી અભ્યાસ કરવો જરૂરી છે. એ બધું સાહિત્ય એટલું વિશાળ છે કે તેમાંથી રુચિ તેમ જ શ્રદ્ધા મુજબ ઘણા લોકોએ પસંદગી કરી નાનામોટા સંગ્રહો બહાર પાડ્યા છે. સંયુક્ત રાષ્ટ્રસંઘની એક સમિતિ જે ટૂંકમાં ‘યુનેસ્કો’ને નામે ઓળખાય છે તેને દુનિયાની આજની વિષમ સ્થિતિમાં ગાંધીજીના કાર્યનું અને સંદેશાનું મહત્વ એટલું બધું લાગ્યું કે તેનો પરિચય કરાવવાના આશયથી તેણે પણ ગાંધીજીનાં વચનોમાંથી પસંદગી કરીને એક સંગ્રહ ‘ઑલ મેન આર બ્રધર્સ’ એ નામે બહાર પાડ્યો છે. એ સંગ્રહની રચના એવી થઈ છે કે ગાંધીજીના વિશાળ સાહિત્ય સુધી જે ન પહોંચી શકે તે પણ તેની મારફતે તેમના કાર્યનો, તેમની વિભૂતિનો, તેમની કાર્યપદ્ધતિનો અને તેમના વિચારોનો પરિચય કરી શકે.

અંગ્રેજી અને ગુજરાતી તેમ જ હિંદની બીજી ભાષાઓમાં આ સંગ્રહ બહાર પાડવાની યુનેસ્કોએ નવજીવન સંસ્થાને પરવાનગી આપી છે. તે મુજબ આ ગુજરાતી સંગ્રહ ‘આપણે સૌ એક પિતાનાં સંતાન’ એ નામે પ્રગટ કરવામાં આવ્યો છે. ગુજરાતી જાણનારા સૌ કોઈ જિજ્ઞાસુને એ ઉપયોગી થયા વગર રહેશે નહીં. – તા. 14-11-1962.]

[1] હું ભવિષ્યમાં ડોકિયું કરવા નથી ઈચ્છતો. મને વર્તમાનની સંભાળ રાખવાની ચિંતા છે. ઈશ્વરે બીજી પળ પર મને કાબૂ નથી આપ્યો.

[2] હું મને મંદબુદ્ધિ માનું છું. ઘણી વસ્તુ મને બીજાઓના કરતાં સમજતાં વાર લાગે છે. પણ એની મને ચિંતા નથી. બુદ્ધિના વિકાસને સીમા છે. હૃદયના વિકાસને અંત નથી.

[3] આપણું ધ્યેય હંમેશ આપણાથી દૂર ને દૂર ખસતું જાય છે. જેમ જેમ આપણે આગળ વધતા જઈએ છીએ તેમ તેમ આપણી ત્રુટિઓનું આપણને વિશેષ ભાન થતું જાય છે. પુરુષાર્થમાં જ આનંદ છે, પ્રાપ્તિમાં નથી. પૂર્ણ પુરુષાર્થ એ પૂરો વિજય છે.

[4] જ્યાં જ્યાં લોક મુશ્કેલીમાં આવી પડે ત્યાં ત્યાં તેમને છોડાવવા દોડી જનાર ક્ષાત્ર પરિવ્રાજક થવાનો ધંધો કરવો એવું મેં મારું જીવનકાર્ય માન્યું નથી. પણ લોકો શી રીતે પોતાની મુશ્કેલીઓનો ઉકેલ લાવી શકે તે દેખાડવું એ મારો નમ્ર વ્યવસાય છે.

[5] હું પોતે ચાર દીકરાનો બાપ છું અને મારી બુદ્ધિશક્તિ પ્રમાણે મેં તેમને સારી રીતે કેળવ્યા છે. મારાં માતાપિતાનો હું બહુ આજ્ઞાંકિત પુત્ર હતો અને મારા અધ્યાપકોનો આજ્ઞાંકિત વિદ્યાર્થી હતો. પિતા પ્રત્યેના ધર્મની કિંમત હું સમજું છું પરંતુ પ્રભુ પ્રત્યેના ધર્મને હું સર્વ કરતાં શ્રેષ્ઠ ગણું છું.

[6] ગગનવિહારી હોવાનો હું ઈન્કાર કરું છું. હું સંતપણાનો દાવો સ્વીકારતો નથી. હું સામાન્ય માટીનો બનેલો સામાન્ય માનવી છું. તમારી જેમ જ હુંયે નબળાઈઓ તરફ ઢળું છું. પરંતુ મેં દુનિયા જોઈ છે. મારી આંખો ખુલ્લી રાખીને હું દુનિયામાં જીવ્યો છું. મારે માણસના નસીબમાં લખેલી બધી જ અગ્નિપરીક્ષાઓમાંથી પસાર થવું પડ્યું છે. એ સાધનામાંથી હું પસાર થયો છું.

[7] મને સર્વ કાળે એકરૂપ દેખાવાની કશી પરવા નથી. સત્યની મારી શોધમાં મેં ઘણા વિચારોનો ત્યાગ કર્યો છે ને ઘણી નવી વસ્તુઓ હું શીખ્યો છું. ઉંમરમાં હું ભલે વૃદ્ધ થયો હોઉં, પણ મારો આંતરિક વિકાસ થતો અટક્યો છે અથવા દેહ પડ્યા પછી મારો વિકાસ અટકી જશે એવું મને લાગતું નથી. મને એક જ વસ્તુની પડી છે, ને તે પ્રતિક્ષણ સત્યનારાયણની વાણીને અનુસરવાની મારી તત્પરતા છે.

[8] જ્યારે હું કોઈ બાબત વિષે લખું છું ત્યારે અગાઉ એ વિષે હું શું લખી ગયો છું એનો વિચાર નથી કરતો. કોઈ પ્રશ્નને છણતી વેળાએ એ વિષે અગાઉ હું લખીબોલી ગયો હોઉં તે જોડે બંધબેસતા થવાની મારી નેમ નથી હોતી પણ તે તે વખતે જે કંઈ સ્વરૂપમાં સત્યનું દર્શન મને થાય તેને અનુરૂપ બનવાનું મારું લક્ષ્ય હોય છે. પરિણામે એક સત્યથી બીજા સત્યનું મને દર્શન થયે ગયું છે, મારી સ્મરણશક્તિ નાહકની તાણથી બચી છે અને વિશેષ એ કે જ્યારે જ્યારે મારાં પચાસ વરસ પૂર્વેનાં લખાણોને પણ મારાં તાજામાં તાજાં લખાણો જોડે સરખાવવાનો વખત આવ્યો છે ત્યારે બેમાં મને કશો વિરોધાભાસ જણાયો નથી.

[9] આપણે ધનદોલત કરતાં વધારે સત્ય દાખવીશું, સત્તા અને સંપત્તિના ભપકા અને દમામ કરતાં વધારે નિર્ભયતા દાખવીશું, પોતાની જાતના પ્રેમ કરતાં વધારે ઉદારતા દાખવીશું ત્યારે જ આપણે સાચા અર્થમાં આધ્યાત્મિક રાષ્ટ્ર બનીશું. આપણે આપણાં ઘરો, આપણી મહેલાતો તથા આપણાં મંદિરોને ધનદોલતના મેલથી અને ઠાઠમાઠથી મુક્ત કરીને તેમને નીતિમત્તાથી વિભૂષિત કરીશું તો વિરોધી દળોના ગમે તેવા જોડાણની સામે પણ આપણે મોટા લશ્કરનો બોજો વહન કર્યા વિના ટક્કર લઈ શકીશું.

[10] કોણ જાણે કેમ પણ માણસજાતમાં પડેલી ઊંચામાં ઊંચી વસ્તુ બહાર ખેંચવાની પ્રભુ મને શક્તિ આપે છે. તેથી જ તો ઈશ્વર પ્રત્યેની તેમ જ મનુષ્યસ્વભાવ વિષેની મારી શ્રદ્ધા ટકી રહે છે.

[11] ઘણી વખત મારો વિશ્વાસઘાત થયો છે એ ખરું. અનેકે મને દગો દીધો છે અને અનેક ધારેલા તેવા ઊતર્યા નથી, છતાં તેઓની સાથેના મારા સંસર્ગ માટે મને પસ્તાવો નથી થતો. કેમ કે જેમ મેં સહકાર કરી જાણ્યો છે તેમ જ અસહકાર પણ. જ્યાં સુધી વિરુદ્ધમાં પાકા પુરાવા ન હોય ત્યાં સુધી માણસ પોતાને વિષે આપણને કહે તે માનીને ચાલવું એ આ દુનિયામાં વધુમાં વધુ વ્યવહારુ અને આબરૂભરેલો માર્ગ છે.

[12] આપણે પ્રગતિ કરવી હોય તો આપણે ઈતિહાસની પુનરુક્તિ ન કરતાં ઈતિહાસ નવો રચવો જોઈએ. આપણા વડવાઓએ મૂકેલો વારસો આપણે વધારવો જોઈએ. ભૌતિક જગતમાં આપણે નવી નવી શોધો કરી શકીએ તો આધ્યાત્મિક જગતમાં આપણે દેવાળું શાને જાહેર કરીએ ? અપવાદો વધારી વધારીને નિયમ ન બનાવી શકાય શું ? શું હંમેશાં માણસે માણસ બનવા માટે પહેલું પશુની દશામાંથી પસાર થવું જ જોઈએ ?

[13] ગમે તેવું નજીવું કામ તમારે કરવાનું હોય પણ તે જેટલી કાળજીથી તમે જેને બહુ જ મોટું કામ ગણો તે કરો એટલી જ કાળજીથી કરો, નાનામાં નાના કામમાં તમારો આત્મા રેડો. योग: कर्मसु कौशलम નો એ જ અર્થ છે. નાનામાં નાના કાર્યમાં દેખાતા આ કૌશલથી તમારી કિંમત અંકાશે.

[14] જે કંઈ ‘પ્રાચીન’ને નામે ખપે છે તે બધાનો હું આંધળો ભક્ત નથી. જે કંઈ અનિષ્ટ હોય, નીતિભ્રષ્ટ હોય, એ બધું ચાહે એટલું પ્રાચીન હોય તોયે તેનો નાશ કરતાં હું અચકાતો નથી. પણ સાથે સાથે મારે કબૂલ કરવું રહ્યું કે, પ્રાચીન પ્રણાલીનો હું પૂજક છું અને લોકો હરેક આધુનિક વસ્તુની પાછળ પોતાની દોડમાં પોતાની સઘળી પ્રાચીન પરંપરાઓને ધુતકારી કાઢે અને પોતાના જીવનમાં તેમની ઉપેક્ષા કરે, એ જોઈને મને દુ:ખ થાય છે.

[15] ખરી નીતિનો એ નિયમ છે કે, આપણે જાણતા હોઈએ એ માર્ગ લેવો બસ નથી, પણ જે માર્ગ ખરો છે એમ આપણે જાણતા હોઈએ, તે માર્ગથી આપણે વાકેફ હોઈએ કે નહીં તો પણ, આપણે તે લેવો જોઈએ.

[16] નીતિવાળું કામ આપણી પોતાની ઈચ્છાએ થયેલું હોવું જોઈએ. જ્યાં સુધી આપણે યંત્ર માફક કામ કરીએ, ત્યાં સુધી આપણું કામ નીતિવાળું ન કહેવાય. નીતિવાળું દરેક કાર્ય શુભ ઈરાદાથી થવું જોઈએ એટલું જ બસ નથી, તે દબાણ વગર થવું જોઈએ. એટલે કે નીતિથી થયેલું કામ દબાણ વગરનું અને ભય વગરનું હોવું જોઈએ.

[17] ભલાઈ સાથે જ્ઞાનનો સુયોગ સાધવો જોઈએ. કેવળ ભલાઈ ઝાઝી ઉપયોગી નથી. માણસ પાસે સુક્ષ્મ વિવેકશક્તિ હોવી જોઈએ. એ સારાસારવિવેક આધ્યાત્મિક હિંમત અને ચારિત્ર્યનો સહોદર છે. કટોકટીને પ્રસંગે, ક્યારે બોલવું અને ક્યારે મૌન સેવવું, ક્યારે પ્રવૃત્ત થવું અને ક્યારે ન થવું એ માણસે જાણવું જોઈએ. એવા સંજોગોમાં કર્મ અને અકર્મ પરસ્પર વિરોધી ન રહેતાં એકરૂપ બની જાય છે.

[18] એક માણસ બીજા માણસનો ધર્મપલટો કરે એમાં હું માનતો નથી. મારો પ્રયાસ, પોતાના ધર્મને વિષેની બીજાની શ્રદ્ધા ડગાવવાનો નહીં પણ તે પોતાના જ ધર્મનો વધારે સારો અનુયાયી બને એવો હોવો જોઈએ. આના મૂળમાં બધા જ ધર્મોને વિષે આદર અને તેમનામાં રહેલા સત્યને વિષે શ્રદ્ધા રહેલાં છે. વળી એના મૂળમાં નમ્રતા તથા દેહના અપૂર્ણ સાધન દ્વારા બધા જ ધર્મોને દૈવી પ્રકાશ લાધ્યો છે અને એ સાધનની પૂર્ણતાને કારણે વત્તે ઓછે અંશે બધા જ ધર્મો અપૂર્ણ છે, એ હકીકતનો સ્વીકાર પણ રહેલો છે.

[19] મૃત્યુ એ કોઈ ભયંકર ઘટના નથી એવો ખ્યાલ હું ઘણાં વર્ષોથી સેવતો આવ્યો હોવાને કારણે કોઈના પણ મૃત્યુનો આઘાત મારા ઉપર લાંબા સમય સુધી અસર કરી શકતો નથી.

[20] ‘કળાને ખાતર કળા’ સાધવાનો દાવો કરનાર પણ ખરું જોતાં તેમ નથી કરી શકતા. કળાને જીવનમાં સ્થાન છે. કળા કોને કહેવી એ નોખો સવાલ છે. પણ આપણે બધાએ જે માર્ગ કાપવાનો છે તેમાં કળા વગેરે સાધન માત્ર છે. એ જ જ્યારે સાધ્ય થાય ત્યારે બંધનરૂપ થઈ મનુષ્યને ઉતારે છે.

[21] જે કળા આત્માને આત્મદર્શન કરતાં ન શીખવે તે કળા જ નહીં. અને મને તો આત્મદર્શનને માટે કહેવાતી કળાની વસ્તુઓ વિના ચાલી શકે છે. અને તેથી જ મારી આસપાસ તમે બહુ કળાની કૃતિઓ ન જુઓ તોપણ મારા જીવનમાં કળા ભરેલી છે એવો મારો દાવો છે. મારા ઓરડાને ધોળીફક દીવાલો હોય, અને માથા ઉપર છાપરુંયે ન હોય તો કળાનો હું ભારે ઉપભોગ કરી શકું એમ છું. ઉપર આકાશમાં નક્ષત્રો અને ગ્રહોની અલૌકિક લીલા જે જોવાની મળે છે તે મને કયો ચિતારો કે કવિ આપવાનો હતો ? છતાં તેથી ‘કળા’ નામની સમજાતી બધી વસ્તુનો હું ત્યાગ કરનારો છું એમ ન સમજશો. માત્ર આત્મદર્શનમાં જેની સહાય મળે તેવી જ કળાનો મારે માટે અર્થ છે.

સામાજિક ટી.વી. સીરિયલો – આભા ટંડેલ

આજે ચોતરફ સંસ્કારોની હોળી ખેલાઈ રહી છે. દેશી-વિદેશી ચેનલો અને ફિલ્મી મનોરંજનની ચેનલોએ દર્શકોના મનોરંજનના નામે હલકામાં હલકાં દશ્યો રજૂ કરવા માંડ્યાં છે. જાણે રીતસરની હરીફાઈ ઊપડી છે. ભારત પાસે ગરીબી અને ભૂખમરો છે. બેકારી અને બેહાલી છે. હજારો વર્ષ સુધી ટકી રહેલા સંસ્કારો અને સંસ્કૃતિ છે, પરંતુ આજે એક દીવાનખંડમાં ઘૂસી જઈને ટેલિવિઝન વિવિધ ચેનલો દ્વારા રીતસરનું આક્રમણ કરી રહ્યું છે, ત્યારે સંતો સિદ્ધિમાં, નેતાઓ મદમાં અને પ્રજા પ્રમાદમાં ડૂબેલી છે. ઉઘાડી આંખે જોઈ શકાય એમ હોવા છતાં દેશની સંસ્કૃતિની વાતો કરનારા, પેટ ભરીને ભાષણો ઠોકી સંસ્કૃતિને નામે મત માગનારાઓના પેટનું પાણીય નથી હાલતું.

ચોવીસ કલાક ટીવી ઉપર જુદી-જુદી ચેનલો દ્વારા ભાતભાતનો રસથાળ પીરસાતો રહે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી કેટલીક ચેનલ દ્વારા દર્શાવાઈ રહેલી સામાજિક સીરિયલોના ફૂલ્યા-ફાલ્યા અજગરે સમાજના મોટા વર્ગને પોતાના ભરડામાં જકડી લીધો છે. ઝૂંપડપટ્ટીથી લઈને હાઈ-સોસાયટી સુધી, શહેરોથી લઈને નાના ગામડા સુધી ટીવી ઉપર આ સીરિયલો નિહાળનારાઓની એ એક ‘આદત’ બની ચૂકી છે જાણે.

એક સમય હતો જ્યારે અઠવાડિયામાં અડધો કલાક-કલાક દરમ્યાન આવી કોઈ સામાજિક સીરિયલ દર્શકોને મનોરંજન સાથે જીવનપ્રેરક સંદેશા આપતી. ખૂબ લોકપ્રિય બનેલી હમલોગ, ખાનદાન, સાંજા ચૂલ્હા, માલગૂડી ડેઝ જેવી સામાજિક સીરિયલો હોય, રામાયણ-મહાભારત, ક્રિષ્ણા જેવી ધાર્મિક સીરિયલો હોય કે પછી સાંપ્રત સમસ્યાઓથી ઘેરાયેલા માનવીના જીવંત પ્રશ્નોને આબેહૂબ વાચા આપતી દિગ્દર્શક જશપાલ ભટ્ટીની સીરિયલ હોય, પરંતુ એમાં ક્યાંય ભારતીય સમાજની આગવી સંસ્કૃતિનું વસ્ત્રાહરણ થયું નથી. બાવન હપ્તે પૂરી થયેલ આ સીરિયલોના કોઈ અનિચ્છનીય પ્રત્યાઘાતો પડ્યાનું બહુ જાણમાં નથી. જ્યારે આજની સામાજિક સીરિયલોની માયાજાળે સ્ત્રીઓ-પુરુષો, યુવાનોથી માંડીને બાળકો અને વૃદ્ધો ઉપર પણ પોતાની જાદૂઈ અસર ફેલાવી દીધી ન હોય તેવું લાગી રહ્યું છે. સીરિયલ નિહાળનારો એક ચોક્કસ વર્ગ રાત્રે ન વધે તેટલો દિવસે અને દિવસે ન વધે તેટલો રાત્રે વધી રહ્યો છે અને આ માત્ર સીરિયલ નિહાળવા સુધીની જ વાત હોય તો તો ઠીક, અહીં તો મોટા ભાગના દર્શકો રીતસરની ‘સીરિયલ લાઈફ’ જીવતા થઈ ગયા છે. અઠવાડિયાના ચાર દિવસ એટલે કે સોમવારથી ગુરુવાર સુધી રાત્રે સાડા આઠથી સાડા અગિયાર વાગ્યા સુધી એટલે કે સતત ત્રણ કલાક અને અઠવાડિયાના ગણો તો બાર કલાક (બાકીનો હિસાબ વાચકો જાતે લગાવે) આ સામાજિક સીરિયલોનું સામ્રાજ્ય ટીવી ઉપર છવાયેલું રહે છે. જે કંઈક દેખાઈ રહ્યું છે, તેનો આછો ચિતાર રજૂ કરવાનો પ્રયત્ન કરું છું.

સીરિયલો જોનારા પરિવારમાંથી ભાગ્યે જ કોઈ સદસ્ય અલિપ્ત રહી શકતો હશે. રાત્રે 8.30 વાગ્યે મોટા ભાગના પરિવારો સોમથી ગુરુ દરમ્યાન ટીવી સામે ગોઠવાઈ જતા હોય છે. ઘણાં તો સીરિયલનો કોઈ ભાગ ચૂકી ન જવાય એ માટે લૂસ-લૂસ જેમતેમ ભોજન પતાવી નાખે. ઘણા તો રાત્રિભોજન પણ ટીવી જોતાં-જોતાં જ પતાવે. આવી રીતે ભોજન લેનાર સીરિયલના પાત્ર અને પ્રસંગની સાથે-સાથે જ જુદા-જુદા આવેગો અને ઉત્તેજના અનુભવે. આયુર્વેદની દષ્ટિએ આવું ભોજન કેટલું આરોગ્યપ્રદ મનાય ? ગૃહિણીઓ સમયસર રસોઈ બનાવી નાખવાની વેતરણમાં સહકુટુંબ ફરવા જવાનો કે પિકનિકનો અમૂલ્ય આનંદ પણ ગુમાવે. કૌટુંબિક પ્રશ્નોની ચર્ચા-વિચારણાનો પૂરો સમય સીરિયલો ખાઈ જાય. કોઈ બીમાર સંબંધીની ખબર કાઢવા જવાનું હોય તો ભૂલેચૂકેય આવા સમયગાળામાં ન જવાય અને જો ભૂલથી જઈ ચડ્યા તો યજમાનના ઘરના અન્ય દર્શકોના ચહેરા ઉપર રસમય હપ્તો ચૂકી જવાનો રંજ અવશ્ય જોવા મળે. અરે, ઘણી વાર તો ફરજિયાતપણે સાથે બેસીને સીરિયલ જોવાની સજા ભોગવવી પડે અને વધુમાં મળવા જવાનો મૂળ હેતુ જ માર્યો જાય.

ઘરમાં, ઑફિસમાં, બસમાં કે ટ્રેનમાં, શાળા-કૉલેજમાં, ચોરે ને ચૌટે બસ સીરિયલની જ ચર્ચા સંભળાય. એમાં પણ વળી કોઈ રસપૂર્વકની ઘટના જો અધવચ્ચે જ અટકાવી દીધી હોય તો તો દર્શકના જીવ દિવસ આખો તાળવે જ ચોંટેલા રહે. હવે પછી આમ થશે ને તેમ થશેની જાતજાતની પૂર્વધારણા બાંધ્યા કરે. સીરિયલના પ્રિય પાત્રના શોખ, હર્ષ, દુ:ખ બધું જ નિહાળનારનું પોતીકું બની જાય. જો કોઈ પ્રિય પાત્રનું મૃત્યુ થતું બતાવાય તો તે દિવસો સુધી જાણે પોતીકું સ્વજન ગુમાવ્યું હોય, એવો શોક મનાવનારાય ઓછા નથી જોવા મળતા. આ લેખ લખાય છે ત્યારે 2003 પ્રમાણે ‘સાસ ભી કભી બહુ થી’ની પાયલ કે આરતી હોય, ‘કહાની ઘર ઘર કી’ની પલ્લવી હોય કે પછી ‘કસોટી જિંદગી કી’ની કોમલિકા હોય. સીરિયલમાં ખલનાયિકાઓનું પાત્ર ભજવનારી જાણે દર્શકોની પોતાની જ સાત જનમની દુશ્મન હોય એટલી નફરત બતાવે, જાહેર ચર્ચામાં. સીરિયલમાં આવતી નવી નવી પ્રણાલિકાઓ, પહેરવેશ, સંવાદ, વર્તનનું વાસ્તવિક જીવનમાં કેવું અનુકરણ થતું હોય, તે જોવું હોય તો આસપાસના વાતાવરણનો જ અભ્યાસ કરો તો ખ્યાલ આવશે કે આજનો સમાજ કઈ દિશામાં દોરવાઈ રહ્યો છે. તુલસીની સાડી હોય, પાર્વતીની બિંદી હોય કે પછી પ્રેરણાનાં ઘરેણાં હોય. સીરિયલ દ્વારા જાહેરાત થતી સ્ત્રી શણગારની દરેક ચીજવસ્તુ બજારમાંથી ચપોચપ ઊઠી જાય છે. વળી, આ ફેશનનું આયુષ્ય પણ ખૂબ જ ટૂંકું હોય છે. ત્રણ-ચાર હપ્તા પછી તો એ જૂની ફેશન બની જાય. આવી તો કેટલી સીરિયલોવાળાંનાં ખિસ્સા ભરવા માટે હજારોનાં ખિસ્સાંનો ભાર હળવો થઈ રહ્યો છે, તે પણ ખુશી ખુશી.

પોતાના વર્તુળમાં આકર્ષણ જમાવવા માટે કોલેજિયનો સીરિયલમાં બતાવાતા નુસ્ખાઓનો આધાર લેતા જોવા મળે છે. અહીં તો આખે-આખી સ્ત્રીજાતિને જ ધરમૂળથી બદલી નાખવા માગતી ન હોય, તેમ સરેરાશ સીરિયલોમાં સ્ત્રીને જ ખલનાયિકા બતાવવામાં આવી રહી છે. ક્યાંક તે પૈસાના લોભે પુરુષને ફસાવતી પ્રેમિકા છે, ક્યાંક દેરાણી-જેઠાણી, સાસુ તો ક્યાંક પોતાનો બદલો લેવા આખા ઘરનું સત્યનાશ વાળતી વહુના પાત્રમાં. આજની સામાજિક સીરિયલોમાં કૌટુંબિક સંબંધોનું જે વરવું સ્વરૂપ મારી ઠોકીને વારંવાર દર્શાવી, દર્શકોના મગજનું ઓપરેશન કરતું જે સ્વરૂપ બતાવવામાં આવે છે, તે કેટલે અંશે સ્વીકાર્ય છે ? આ તો એક માત્ર ભારત જેવા દેશમાં જ ટકી રહેલી આગવી સંયુક્ત કુટુંબની સંસ્કૃતિ ઉપર કરવામાં આવી રહેલો કુઠારાઘાત નથી શું ? વાસ્તવિક જીવનમાં સાસુ-વહુ, દેરાણી-જેઠાણી કે ભાભી-નણંદનાં અંગત વેર-ઝેર કે અબોલા હોય કે પછી મનદુ:ખ હોય. બધી જ ફરિયાદો કૌટુંબિક સુખ-દુ:ખના પ્રસંગોએ ઊભી પૂંછડીએ ભાગી જાય છે. જ્યારે અહીં તો કાવાદાવા, પ્રપંચ અને બદલાની ભાવના એવી તો જવાળા ઓકતી બતાવાય છે કે છેવટે સામેની વ્યક્તિના મૃત્યુ પછી જ શાંત થાય. એ બધું કેટલું વાજબી ગણાય ? સીરિયલ જોનારા ઘણી વ્યક્તિઓના અંગત જીવનમાં પણ આ બધા પડઘા પડતા હોય છે. દંપતીનો અન્યોન્યને જોવાના દષ્ટિકોણમાં પણ ધરખમ ફેરફાર થતા હોય છે. ઘણી શંકાશીલ સ્ત્રીઓના મગજમાં કોઈક ‘કોમલિકા’ કે ‘પાયલ’ સતત છવાયેલી રહે છે. પરિણામ સ્વરૂપ પતિની સહકર્મચારિણી હોય કે સ્ત્રીમિત્ર હોય, વગર વાંકે દામ્પત્યજીવનમાં તિરાડ પાડવાનું કારણ બને. ઘણી વાર એથી ઊંઘું, પતિ મહાશયો પણ આનો ભોગ બને. આ સિવાય ઘણા પતિદેવો તો સીરિયલમાં બનીઠનીને રહેતી સ્ત્રીપાત્ર સાથે સતત પત્નીની સરખામણી કરી અસંતોષની લાગણી મનમાં ઘૂંટ્યા કરે. વૃદ્ધોના ભાગે તો નાના પડદે દેખાતા પ્રસંગો, કૌટુંબિક જીવન અને વાસ્તવિક જીવન વચ્ચેનું અવલોકન માત્ર કરવાનું આવે.

સૌથી બૂરી દશા બાળમાનસની થઈ રહી છે. ભારેખમ ભણતરનો બોજ માંડ-માંડ ઉપાડી શકતા કોમ્પ્યુટર યુગનાં બાળકોનો આઈ.ક્યુ ભલે ઊંચો આંક બતાવતો હોય, પરંતુ એના સર્વાંગી વિકાસના પાયા સાથે જે ચેડાં થઈ રહ્યાં છે, તે તો અક્ષમ્ય જ ગણાય. શૈશવ ખોવાઈ ગયું છે, વાંચન ગયું, પુસ્તકો ગયાં, ભાઈ-ભાંડુ સાથેનાં મસ્તી-તોફાન બંધ થયાં, શેરી-રમતો અભરાઈએ ચડી ગઈ, દાદાજીની વાર્તા અને દાદીમાના હાલરડાં ખોવાઈ ગયાં. માતા-પિતા પાસે પૂરતો સમય નથી ત્યારે ભર્યાં ઘરમાં એકલા પડેલા એ બાળકના કુમળા માનસ ઉપર સંસ્કાર સીંચવાનું કામ ટેલિવિઝને ઝૂંટવી લીધું હોય ત્યારે ભાવિ પેઢી પાસેથી આપણી અપેક્ષાઓ કેવી ફળશે ? સાત-આઠ વર્ષના બાળકને સ્ત્રી-પુરુષ વચ્ચેના સંબંધનો ખ્યાલ આવી જવા લાગ્યો છે. સીરિયલનાં ટાઈટલ ગીતો કડકડાટ મોઢે થઈ જાય. મોટેરાંઓની સાથે એટલા જ રસપૂર્વક સીરિયલો જુએ. એક વાર હળવાશની પળોમાં મારી શાળામાં ભણતા ચોથા ધોરણના વિદ્યાર્થીએ અચાનક જ મને પ્રશ્ન કર્યો : ‘ટીચર, તમને સીરિયલમાં આવતી કોમલિકા ગમે ?’ હું સીરિયલ જોતી નથી છતાં આસપાસના વાતાવરણમાં થતી ચર્ચાને આધારે અમુક જાણીતાં પાત્રો વિશેની આછી માહિતી ખરી તેથી મેં પ્રતિ સવાલ પૂછ્યો, ‘તને ગમે ?’ પ્રત્યુત્તરમાં એણે ના પાડી. મેં પૂછ્યું કે કેમ ? તો કહે, ‘કોમલિકા છે ને તે બહુ ખરાબ છે. પ્રેરણા અને અનુરાગનાં લગન થવા જ દેતી નથી.’ મારી સામે ઊભેલા ભાવિ નાગરિકના આ જવાબથી હું તો સ્તબ્ધ જ થઈ ગઈ. ટીવી સીરિયલના દર્શકો અને ચાહકો મને માફ કરે. ટીવી ઉપર જોવા જેવા ઘણા કાર્યક્રમો આવતા હોય છે. વળી, સામાજિક સીરિયલોમાંથી પણ ગ્રહણ કરવા યોગ્ય વિષયવસ્તુઓ મળતી હશે, પરંતુ જે પ્રકારનું ચિત્ર ઊપસી રહ્યું છે, તે ચિંતા પ્રેરે એવું અવશ્ય છે જ. આજે નાની દેખાતી આ સમસ્યા ટૂંક સમયમાં જ મોટું સ્વરૂપ પકડે તો નવાઈ નથી. આ એક ધીમું અને લાંબા ગાળાનું ઝેર સાબિત થઈ શકે. અતિ સર્વત્ર વર્જયેત. સામાજિક સીરિયલો માટેના ચાહકવર્ગનો વધુ પડતો લગાવ ભાવિ સમાજને કઈ દિશામાં દોરી જશે, એ વિશે ચિંતા અને ચિંતન બન્ને કરવાનો સમય પાકી ગયો છે. સીરિયલ-દર્શકોની વિવેકબુદ્ધિ જ આમાંથી સાચો માર્ગ કાઢી શકે.

અગાઉ જણાવ્યું તેમ, શરૂઆતથી જ હું આવી કોઈ સીરિયલો જોતી નથી. મારી આસપાસ થતી લોકજીભે ચર્ચાતી વાતો અને આસપાસના વાતાવરણનો થોડા સમયના અભ્યાસ પછી જ મેં ઉપરોક્ત ચિતાર રજૂ કર્યો છે. માત્ર સીરિયલનાં ઉપરોક્ત કેટલાંક પાત્રો અંગેની યથાર્થતા નક્કી કરવા પૂરતી જ દસેક મિનિટ જેટલો એ સીરિયલોનો કેટલોક ભાગ જોયો છે. અગર જો કોઈ સંસ્થા દ્વારા આ વિષય ઉપર રીતસરનું સર્વે કરી અભ્યાસ કરવામાં આવે તો તેનાં તારણો ચોક્કસ આપણા સૌની આંખો ચાર કરી દેનારાં હશે જ, એવા વિશ્વાસ સાથે વિરમું છું.

લગ્નો આટલાં તકલાદી કેમ ? – કીર્તિકુમાર મહેતા

છેલ્લા એકાદ માસમાં સ્વજનો પાસેથી ખૂબ જ આઘાતજનક સમાચાર સાંભળ્યા….. સારી, શિક્ષિત, સંસ્કારી જ્ઞાતિની સાત પરણેલી કન્યાઓ પિયર પાછી આવી. આ કન્યાઓના લગ્ન સમયને ત્રણથી બાર માસ થયા હશે. ધામધૂમથી માતાપિતાએ ખૂબ જ ખર્ચ કરીને લગ્ન-રિસેપ્શન વગેરે ઊજવ્યાં હતાં અને બાર માસમાં તો જાણે એ ભૂતકાળનું સ્વપ્ન બની ગયું.

શા માટે લગ્ન નિષ્ફળ જાય છે ? શા માટે ટૂંક સમયમાં જ લગ્નો ફરી થાય છે ? શા માટે કોડભરી, આશાભરી, કન્યાઓ પાછી પિયર ફરે છે ? આ પ્રશ્ન વ્યક્તિગત છે, કુટુંબજીવનનો છે છતાં સામાજિક દષ્ટિએ પણ આ પરિસ્થિતિ અસહ્ય બને છે. આવી પાછી આવેલી પુત્રીઓને લગભગ અપરિણિત રહેવું પડે તેમ બને છે. યુવકોને બીજી કન્યા મળી જાય છે. આ પરિસ્થિતિ કેટલાક પાયાના સવાલો ઊભા કરે છે ? શું આ બધાં લગ્નો માતાપિતાના અને કુટુંબના સંતોષ માટે, કુટુંબની પ્રતિષ્ઠા માટે જ યોજાયાં હતાં ? કેટલીક પાયાની બાબતો વિચારવા જેવી છે.

પ્રથમ તો આપણે આવાં લગ્નો કે જે ટૂંક સમયમાં જ તૂટી જાય તેનાં કારણો વિચારીએ-કલ્પીએ. યુવક અને યુવતી કોઈ બીજાના પ્રેમમાં હોય અને વડીલોની આજ્ઞા ખાતર, કુટુંબની પ્રતિષ્ઠા ખાતર લગ્નોમાં જોડાઈ જાય અને પછી સહન ન થઈ શકે, પ્રથમ પ્રેમની યાદમાં બધા દુ:ખી થાય અને લગ્ન તૂટી જાય. યુવતીઓને પોતાના પિયર જેટલી સ્વતંત્રતા સાસરામાં ન મળે, વારંવાર સાસરિયાંની ટીકા સાંભળવી પડે અને સહન ન થઈ શકે, સહનશક્તિની હદ આવી જાય અને પિયર પાછા ફરવાનું નક્કી કરી નાખે.

બંને કુટુંબનાં સંસ્કારો-શિક્ષણ વગેરે તો જુદાં હોય જ પણ આર્થિક સ્થિતિ પણ આસમાન હોય તેથી વારંવાર તેની ટીકા થાય ત્યારે પણ સહન ન થાય. શ્રીમંતોથી સાદાઈ સ્વીકારાતી નથી અને એકવાર શ્રીમંતાઈની ટેવ પડી જાય તે જવી મુશ્કેલ છે. યુવક અને યુવતીમાં પણ સમજણનો અભાવ હોય, એકબીજાને સમજવાની ધીરજ ન હોય, એકબીજાને અનુકૂળ થવાની તૈયારી ન હોય, સહનશક્તિ જ ઓછી હોય. આ ઉપરાંત જેને ‘લાઈફ સ્ટાઈલ’ કહેવાય છે તે પણ બંનેની જુદી હોય, તેના ખ્યાલો પણ જુદા હોય અને એક બીજાની ‘સ્ટાઈલ’ ન જ ગમે અને તે પરિસ્થિતિ લાંબો વખત ટકી ન રહે તેથી છૂટા થઈ જાય. બંનેમાં સ્વતંત્ર વિચારોનો આગ્રહ, પોતાની વાત જ ખરી અને સામી વ્યક્તિનું દષ્ટિબિન્દુ સમજવાની તૈયારી જ ન હોય ત્યાં આવી વ્યક્તિનું દષ્ટિબિન્દુ અપનાવી ન જ શકે.

તાત્કાલિક લગ્ન પછી છૂટા પડવાનું એક કારણ યુવક અગર યુવતીમાંથી કોઈને કંઈ રોગ હોય, કંઈક વિકૃતિ હોય, જે સુખી લગ્નજીવનમાં બાધારૂપ બની જાય. ગ્રહો મળે છે કે નહીં તેની કાળજી લેવાય છે. પણ એકબીજાના ‘પૂર્વગ્રહો’ કઈ બાબતના છે તે સમજવાનો પ્રયત્ન થતો નથી. લગ્ન એટલે પોતાના પૂર્વગ્રહોનો ત્યાગ અથવા તો ધીરે ધીરે જે પૂર્વગ્રહો સુખી, દામ્પત્ય જીવનમાં બાધારૂપ બને તેને સમજીને દૂર કરવાનો છે. જેવી રીતે ગ્રહો મેળવીએ છીએ તેવી જ રીતે હવે યુવક-યુવતીના મેડિકલ ચેકઅપ રિપોર્ટ પણ મેળવવા પડશે.

આમ કેટલાંક કારણોને લીધે લગ્નો તૂટી જાય છે અને આપણા સમાજમાં તો પુત્રીને પિયર જ આવવું પડે તેવી સ્થિતિ થઈ છે. કાયદેસર એકબીજાને હક્ક મળે પણ તે માટે જરા લાંબી લડત આપવી પડે પણ તેની કોઈને ઈચ્છા નથી હોતી. આવું ન બને, આવા કિસ્સાઓમાં પરસ્પર સમજૂતી કેળવીને લગ્નજીવન સુખી બને તેનો શું કોઈ ઉપાય છે ? ઉપાયો તો છે પણ તે દરેક કુટુંબે શરૂઆતથી અપનાવવા જેવા છે.

સંસ્કૃતમાં એક સુભાષિત છે જેનો અર્થ છે કે સોળ વર્ષના યુવાન પુત્રને મિત્ર ગણો. આ પુત્રીને પણ લાગુ પડે જ. પુત્ર, પુત્રીને સોળ વર્ષથી જ મિત્ર ગણીએ તો તેના અંગત જીવનની વાતો ખબર પડે. માતાપિતા સાથે નિખાલસતાથી અંગત વાતો ચર્ચી શકે તેવું વાતાવરણ ઊભું કરવું જરૂરી છે. આને લીધે યુવક કે યુવતી કોઈને પ્રેમ કરતાં હોય અને તેની જ સાથે લગ્ન કરવા ઈચ્છતાં હોય તો માતાપિતાએ પણ આ પાત્ર કેવું છે તેની તપાસ કરી, શક્ય હોય તો પુત્ર, પુત્રીને માર્ગ કરી આપવો જોઈએ. પરાણે અન્ય સાથે લગ્ન ગોઠવી દેવાથી બેને બદલે ત્રણ-ચાર જીવન બરબાદ થઈ જાય અને લગ્ન ભલેને ધામધૂમથી, વાજતેગાજતે કર્યાં હોય પણ પુત્રીને પાછા ફરવાનો સમય આવી જાય.

અત્યારનો સમાજ સ્વકેન્દ્રી વધુ છે. સંયુક્ત કુટુંબો રહ્યાં નથી. જે રહ્યાં છે તે પણ તૂટતાં જાય છે. સંયુક્ત કુટુંબ એ તો સહનશીલતાનું તાલીમ કેન્દ્ર છે. દરેક વ્યક્તિને બીજ ખાતર કંઈ કરવાની ત્યાં તાલીમ મળે છે. આજે એ ન હોવાને કારણે બાળકોને પોતે જે જોઈએ તે મળશે જ એવી ખાતરી હોવાથી બાળકો વધુ સ્વકેન્દ્રી બની જાય છે અને જરાપણ અગવડ સહન કરી શકતાં નથી. આમાં માતાપિતાએ પણ પોતાની ફરજ બજાવવી જરૂરી છે અને સારા સંસ્કાર પડે તે જોવું જોઈએ. આ દુનિયામાં ઘણુંબધું પૈસા ખર્ચીને મળી શકે છે. બાહ્ય સગવડો ઊભી થઈ શકે છે પણ સંસ્કારની કોઈ કેપ્સ્યુલ મળતી નથી. સંસ્કાર તો પોતાના વર્તનથી બાળકો ઉપર સતત પાડવાની પ્રક્રિયા છે. આને માટે અત્યારના આ જીવનમાં કોઈને સમય જ હોતો નથી. પરિણામે ‘સહન કરવાના’, ન ગમે તે પણ કોઈવાર સ્વીકારી લેવાની વૃત્તિ કેળવવી નથી અને તેથી વાતવાતમાં ગુસ્સે થઈ જવાની અને સંબંધ તોડી નાખવા સુધી એ પહોંચે છે.

આ દહેજના જમાનામાં કન્યાને, એટલે કે આમ તો વરને ગાડી, ફ્રિજ, ફલેટ, ફોન (અને હવે મોબાઈલ) ફર્નિચર, વૉશિંગ મશીન, સ્ટીલ કબાટ વધુ આપવામાં આવે છે. પણ ‘સંસ્કાર’ અપાતા નથી, જેને કારણે લગ્નજીવન સુખી થઈ શકતાં નથી. પોતાનું ધાર્યું ન પણ થાય એ વાત યુવક-યુવતીઓ સમજતાં નથી પરિણામે સંબંધો તૂટી જાય છે. યુવક અને યુવતીને લગ્નજીવન, કુટુંબજીવન, બીજા કુટુંબની જુદી પરંપરા કેવી હોઈ શકે, તેની સાથે કેમ ‘એડજસ્ટ’ થવું. તેને કેમ અપનાવવી, વગેરે ઘણી બાબતો લગ્ન પહેલાં જ શીખવવાની, સમજાવવાની જરૂર છે. આને માટે ‘સમજ’ કેન્દ્રો ઊભાં કરવાં પડે અને તેમાં અનુભવી વડીલો કે સુખી દંપતીઓને બોલાવી ચર્ચા વિચારણા કરાવવી જોઈએ.

‘પુત્રીને’ પાછું પિયર જ આવવાનું હોય તો અને બીજા લગ્ન ગોઠવી ન શકાય તેવી સ્થિતિમાં કન્યાને મુશ્કેલી ન પડે એ માટે હરેક કન્યાને પરત શિક્ષણ આપવું જરૂરી છે. મૂળ તો પહેલાં જ પુત્રીને નિરાંતે ભણવા દેવી જોઈએ અને સારી એવી નોકરી પણ કરતી થઈ જાય પછી જ લગ્ન કરવાં જોઈએ. લગ્ન થયાં પછી પણ નોકરી ન છોડે એ જરૂરી છે. કેમકે પોતે નોકરી કે વ્યવસાય કરતી હોય તો સ્વમાનભેર જીવી શકે. લગ્ન થઈ જાય પછી પણ બંને કુટુંબોએ અરસપરસ વધુ મળવાનું રાખવું જોઈએ જેથી નાનીનાની વાતોની ગેરસમજ થઈ હોય તે દૂર થઈ શકે. કોઈ પણ કુટુંબે પોતાની આર્થિક સ્થિતિ માટે મિથ્યાભિમાન રાખવાની જરૂર જ નથી, જો આપણે પોતાને વધુ શ્રીમંત માનતા હોઈએ તો બરોબરના કુટુંબ સાથે જ સંબંધ બાંધવો, નહીં તો સહેજ ઓછ શ્રીમંતના યુવક કે યુવતીને વારંવાર અપમાનિત ન કરવાં. અત્યારની કેટલીક સમૃદ્ધિ ઘણા લોકો પાસે અચાનક આવી ગઈ છે તેથી આવા પ્રકારની ‘લક્ષ્મી’ની માવજત કરતાં તેમને આવડતું નથી. આવી ‘લક્ષ્મી’ મળવાથી સંસ્કાર આવી જતા નથી. તેથી ખરી જરૂર સારા સંસ્કારો રેડવાની છે અને અરસપરસ સમજૂતી, સહનશીલતા કેળવવાની તથા દરેક નાની વાતને વધુ પડતું મહત્વ આપવાની ટેવ ન પાડવી, વારંવાર એકબીજાને અપમાનિત ન કરાય, આવી ઘણી બધી બાબતો સમજવાની છે, તેને માટે સહૃદયથી પ્રયત્નો કરવા પડે. ‘કન્યાને વળાવી દીધી’ એટલે ફરજ પૂરી થતી નથી પણ કન્યા કે યુવાન એકબીજાને તથા બંને કુટુંબને કેમ વધુ ને વધુ સુખી કરી શકે તે કાળજી રાખવાની જરૂર છે. રવિશંકર મહારાજના શબ્દો યાદ આવે છે : ‘સુખી થવા નહિ પણ સુખી કરવા પરણજો.’

સફળયાત્રા – ભૂપત વડોદરિયા

એક ભાઈએ પત્ર લખ્યો છે. એમણે એક સવાલ કર્યો છે. તેઓ લખે છે : ‘મોટા માણસોની વાત સૌ કોઈ કરે, મોટા માણસો વિષે આપણને જાણવા-સમજવાનું પણ ગમે, પણ ખરેખર મોટા માણસોની સંખ્યા કોઈ પણ સમયે કેટલી હોઈ શકે ? બહુ મોટા મોટા અને ઠીક ઠીક મોટા એવા માણસોને બાદ કરો તો બાકીના અસંખ્ય સામાન્ય લોકોનું શું ? આવા સામાન્ય લોકોની જિંદગી કંટાળાજનક કિતાબ જેવી હોય છે. જન્મ, લગ્ન અને મૃત્યુના ત્રણ મુખ્ય બનાવો અને બાકીનું પણ બધું તદ્દન સામાન્ય. આવો વિચાર કરીએ ત્યારે પામરતાની – અલ્પતાની એક તીવ્ર લાગણી પેદા થાય છે. સામાન્ય માણસને વાજબી રીતે એમ લાગે છે કે આ પૃથ્વી પર આપણી જિંદગી એક ફોગટના ફેરા જેવી છે. કોઈકે મજાક કરીને આપણને આ ખોટો ધક્કો ખવરાવ્યો છે. આપણે કોઈની મજાક કરવા માગતા હોઈએ ત્યારે તેને કહીએ કે જા, પેલી જગાએ અમુક કિંમતની વસ્તુ દાટેલી છે. પેલો માણસ ત્યાં જાય અને કોઈ દાટેલી વસ્તુ તો ન મળે પણ તેને ઠેર ઠેર જાતજાતના ખાલી ખાડાઓ જ જોવા મળે ! મોટાભાગે સામાન્ય માણસની જિંદગી આવી ખાલી ખોજ બની રહેતી હોય છે, ખરી વાત કે નહીં ?’

અલબત્ત, આવી લાગણી કોઈ પણ માણસને સંભવી શકે છે, પણ ખરી વાત આ નથી. એક સામાન્ય માણસની જિંદગી કંટાળાજનક કિતાબ જ બની રહે તેવું અનિવાર્ય નથી. આપણે જેને મહાન માણસ તરીકે પિછાનીએ છીએ, અગર અમુક માણસના અમુક કાર્યને મહાન કાર્ય કહીએ છીએ ત્યારે પાયાની એક હકીકત યાદ રાખવાનું ભૂલી જઈએ છીએ કે કોઈ પણ માણસે ‘મહાન’ ના દરજ્જા સાથે જિંદગી શરૂ કરી હોતી નથી અને કોઈ પણ માણસે જ્યારે ‘મહાન’ કાર્ય કર્યું છે, ત્યારે તેણે પોતાનું આ કાર્ય મહાન પુરવાર થશે જ તેવી ખાતરી સાથે તે કર્યું નથી. આવી ખાતરી કોઈને મળી હોતી જ નથી. અલબત્ત, તેને એવી શ્રદ્ધા હોય છે કે પોતે જે કામ કરી રહ્યો છે તેમાંથી કશુંક મહત્વનું કે મૂલ્યવાન નીપજી શકે છે. માણસ ગમે તેવા મોટા મહેલમાં જન્મ્યો હોય કે માણસ લક્ષ્મીની છોળો વચ્ચે ઊછર્યો હોય તેની જિંદગીની કોઈ પણ શાખા કે કોઈ પણ ફૂલ કે પર્ણનો કોઈ જ વીમો ઊતરી શકતો નથી. એટલે કે દરેક માણસની મર્યાદાઓ બીજા કોઈ પણ માણસ જેટલી જ હોય છે અને એવી જ રીતે દરેક માણસના વિકાસની શક્યતાઓ પણ બીજા કોઈ માણસ જેટલી જ હોય છે. એવું બન્યું કે કેટલાક માણસોએ પોતાની શક્યતાઓના ખાતામાં એવો સંગીન હિસાબ રજૂ કર્યો છે કે આપણને તેમની મર્યાદાઓનું ખાનું જોઈને તાજુબી થાય ! આટઆટલી મર્યાદાઓ છતાં આ માણસે પોતાની આટલી બધી વિશેષતાઓ પ્રગટ શી રીતે કરી હશે તેનું જ આપણને આશ્ચર્ય થાય.

માણસ ગમે તેટલો સામાન્ય હોય, તે પોતાની જાત માટે અસામાન્ય જ છે અને જે સામાન્ય માણસ પોતાની આ અસામાન્યતાની પૂરી કદર કરીને તેને સિદ્ધ કરવા મથે છે તે માણસ પોતાનું જીવન એક સફળ યાત્રામાં પલટાવી શકે છે. તેને કોઈને કીર્તિ, નામના કે માનચાંદ મળે કે નામ મળે, તેની કોટિ બદલાઈ જાય છે. તે એક ખાસ કક્ષમાં દાખલ થઈ જાય છે. એક સામાન્ય માણસ ગમે તેવાં બંધનો વચ્ચે પણ પોતાની અંગત જીવનની આરઝી હકૂમત સ્થાપી શકે છે. આ આઝાદ હકૂમતના કર્તાહર્તા તરીકે તે જે કંઈ કરે, જે કંઈ વિચારે, જે કંઈ અનુભવે તેમાં તે પોતાનો ઊંચો નાદ પ્રગટ કરી શકે છે. આવી રીતે માત્ર પોતાના ‘ઘેરા રંગ’ ને કારણે જ કેટલા બધા સામાન્ય માણસોનાં નામ લોકવાયકામાં, સાહિત્યમાં કે ઈતિહાસમાં ગૂંથાઈ ગયાં છે ! કોઈક સામાન્ય માણસે એવો પ્રેમ કર્યો કે તે પ્રેમની એક અમરકથાનો નાયક બની ગયો ! કોઈક માણસે એવી દોસ્તી બાંધી કે દોસ્તી એક દષ્ટાંત બની ગઈ. કોઈ માણસે પોતાના સાથીદાર પ્રત્યે એવી વફાદારી બતાવી કે એ અસામાન્ય વફાદારીને કારણે જે એ માણસનો એક સિક્કો પડી ગયો. કોઈકે અસામાન્ય માતૃભક્તિ દ્વારા, કોઈકે અસાધારણ ભ્રાતૃપ્રેમ દ્વારા, કોઈકે અનન્ય બલિદાનવૃત્તિ દ્વારા, કરુણા કે દાનવૃત્તિ દ્વારા આવું ચરિત્ર નિપજાવ્યું છે. કોઈકે પોતાના હૈયાની ખુશી માટે ગમે તે ભોગ આપવાનું કે ગમે તેવું કઠિન સાહસ ખેડવાનું પસંદ કર્યું અને તેની જિંદગીમાં હૃદયની શોભા ફેલાઈ ગઈ. કોઈકે વળી ધરતીના કોઈ ખૂણાની, સાગરના કોઈ તળિયાની, આકાશના કોઈક કૂંડાળાની ખોજમાં પોતાની જિંદગીને કામે લગાડી, અને તેની જિંદગીનું પાત્ર છલકાઈ ગયું ! આવી રીતે કોઈકે પુરાતત્વમાં, કોઈકે ઈતિહાસમાં, કોઈકે સાહિત્યમાં કે કોઈકે ધર્મ અગર તત્વજ્ઞાનમાં પોતાનું જીવનવસ્ત્ર ઝબોળીને જ્યારે તેને બરાબર રંગ-તરબોળ કર્યું છે ત્યારે તેને પોતાનું સાવ અસામાન્ય વસ્ત્ર પણ બદલાઈને કોઈક ઊંચી જાતના કાપડમાં પલટાઈ ગયેલું પ્રતીત થયું છે.

માણસની જિંદગી એટલે ખરેખર શું ? બહુ જ લાંબો પટ એટલે ખરી જિંદગી ? બહુ જ પહોળો પટ એટલે શું સાચી જિંદગી ? માણસની જિંદગીમાં બેસુમાર બનાવો, તરેહતરેહના પ્રસંગો, એકદમ ચીલઝડપ એટલે શું ‘સમૃદ્ધ’ જિંદગી ? મોટો કારોબાર અને મોટી મિલકત એટલે શું દળદાર જિંદગી ? આવું તો કોઈ કહી જ નહીં શકે, કેમ કે ઘણા માણસો નેવું કે એકસો વર્ષ જીવે છે અને આટલો લાંબો પટ પણ ખાલીખમ નદી જેવો જ નીવડે તેવું બને છે. કેટલાક માણસોએ પાંચ-દસ શહેરોમાં પોતાની જિંદગીનો પથારો કર્યો હોય તેવું બન્યું છે અને છતાં તેમાં તેમના વ્યક્તિત્વની કોઈ મોટી છત્રી ખૂલી નથી. એક ગુનેગારની જિંદગીમાં ભરચક પ્રસંગો હોઈ શકે છે અને એને એક નિરાંતના શ્વાસનું સુખ પણ નસીબ ના થાય તેવું બની શકે છે. જિંદગીમાં જાતજાતના મોટા કારોબાર ચલાવનારા કેટલાકના જીવનમાં નરી શુષ્ક્તા અને નીરસતા જ ભરી હોય તેવું બન્યું છે. મોટી મિલકતવાળાઓ મિલકતને જ જિવાડવા-ટકાવવા જતાં જાતે જીવવાનું ભૂલી ગયા હોય તેવું પણ બન્યું છે.

એટલે જેવું કિતાબના કદ અને વજનનું છે તેવું જ માણસની જિંદગીનું છે. કોઈક ચોપડી અસાધારણ કદની અને ભારે વજનદાર હોય અને તેની બાંધણી-પૂઠું મજબૂત હોય પણ અંદર કંઈ જ કસ ન હોય, એક ચોપડી નાનકડી હોય અને તેની અંદર ત્રણે કાળનું જ્ઞાન હોય ! દુનિયામાં આવી દૂબળી અને છતા પાણીદાર કિતાબ પણ છે અને માત્ર પસ્તીવાળાણું જ માન પામે તેવાં તગડાં ટીપણાં પણ છે. ચોપડી કેવડી મોટી કે કેવા કાગળ-છપાઈની છે તેની કિંમત નથી, તેની અંદર શું છે તેનું મૂલ્ય છે. માણસની જિંદગીનું પણ એવું જ છે.

કિતાબની અંદર શું છે તેમાં તેનો કસ છે. માણસની જિંદગીમાં તેણે શું કર્યું છે તેનો જ ખરો કસ છે. માણસ પોતાની જિંદગીની કિતાબ જાતે લખે છે. તેની કહાણીનું એક કિસ્મત હોઈ શકે છે. આ કિસ્મત તેના હાથની બાબત નથી હોતી તેવી દલીલ મંજૂર છે, પણ આ કહાણી તો તેણે જ લખવાની છે. આપણે બધા આપણી પોતપોતાની જિંદગીની કિતાબ લખવા બેઠા છીએ. કેટલાંક પાત્રો અને કેટલાંક પ્રસંગો આપણને બધાને સરખાં મળ્યાં છે. આ પ્રસંગને દરેક પોતપોતાની રીતે આલેખી શકે છે. દરેકની માવજત જુદી જુદી હોઈ શકે છે. કેટલાકે ઝેર પણ હસીને પીધું છે અને તેનું બયાન પણ એટલું જ હૃદયસ્પર્શી રીતે આલેખ્યું છે. બીજા કેટલાક સાધારણ દવાને પણ ઝેરની જેમ હોઠે ધરે છે. એટલે માણસની જિંદગીનો પ્લોટ વિધાતાએ ઘડ્યો હોય તોપણ તેની કથા તો તમારે જ લખવાની છે.

માણસ ભણેલો હોય કે અભણ હોય, તે શ્રીમંત હોય કે ગરીબ હોય, તે તંદુરસ્ત અને તાકાતવાન હોય કે બીમાર અને નિર્બળ હોય તેણે સ્વયં વિધાતા થવાનું જ છે. ભાગ્યના વિધાતા તરીકે ભગવાન કે ગ્રહો કે જેને માનવા હોય તેને માનજો પણ તમારી જાતનું ઘડતર તમે જાતે કરવાની જવાબદારી કબૂલ રાખો તે ખૂબ જરૂરી છે. તમે ગમે તેટલા નાના હશો, નમ્ર હશો, શાંત કે શરમાળ હશો પણ આ કામ તમારે જાતે જ માથે લેવું પડશે. તમે જ તમારા વ્યક્તિત્વના શિલ્પી છો. તમારે પથ્થરમાંથી તમારી મૂર્તિ બનાવવાની છે. તમારા મિત્રને આરસપહાણ મળ્યો છે. તમારા બંધુને સોનું કે ચાંદી મળી છે. આપણે બધાએ આપણને મળેલા આ કાચા માલમાંથી એક મૂર્તિને કંડારી કાઢવાની છે. એક માણસ પથ્થરમાંથી મહાન પ્રતિમાનું નિર્માણ કરશે. બીજો માણસ આરસ કે સોનામાંથી પણ કોઈ સાચી પ્રતિમા કંડારી નહીં શકે. એક શિલ્પવિધાન તરીકે તેની કોઈ કિંમત નહીં અંકાય.

તમારી જિંદગીનું બહારનું ખોળિયું એક ઝૂંપડી જેવું કે એક મહેલ જેવું હોઈ શકે છે. આ ખોળિયામાં વસનારો તમારો રામ ‘મોટો જીવ’ હોઈ શકે અગર ‘નાનું જંતુ’ હોઈ શકે. ઝૂંપડીમાં રહ્યા છતાં તમને સાચા માણસ અને મોટા માણસ ગણવામાં કોઈ વાંધો ન લે અને લાખો રૂપિયાના મહેલમાં રહેનારો એક કોડીની કિંમતનો ઠરે એવું બની શકે છે. તમારી કિંમત સુધારવા-વધારવાનું તમારા હાથમાં છે. તમારા સાચા મૂલ્યની આ વાત છે. બજારો બદલાતા રહે છે. લાચારી અને ગરજના ભાવતાલનું કોષ્ટક પણ નડતું હોય છે, પણ અહીં બજારભાવની કે બજારકિંમતની વાત નથી. માણસ પોતાની અસલ કિંમતમાં ઉત્તરોત્તર કંઈ ને કંઈ વધારો કરી શકે છે, કોઈ કહેશે કે આવી મૂલ્યવૃદ્ધિથી શું ? તમારા પોતાના વ્યક્તિત્વની વિકાસપોથીમાં ગમે તેટલું લખો પણ તેથી શું ? આવો સવાલ કરનારને આપણે કહીશું કે મૂળમાં રેડેલાં પાણી અને નાખેલા ખાતરની કિંમત છોડનાં પુષ્પો ને વૃક્ષની શિખરશાખાને પૂછશો તો તે સાચો જવાબ આપશે.

બાળકને શું ખવડાવવુ ડોક્ટર ?

મિત્રો
લગભગ દરેક બાળ રોગ નિષ્ણાંત ને 50% થી વધુ માતાનો રોજબરોજ પૂછાતો સવાલ છે સાહેબ મારા બાળકને શું ખવડાવુ કે તે ખૂબ સરસ તંદુરસ્ત રહે… અને પછી અનેક સલાહો અને થોડી દવાઓ લખવા સાહેબને ઘણી વાર મજબૂર કરવામાં પણ આ મમ્મીની લાગણી કામ કરી જતી હોય છે તો આજે પ્રસ્તુત છે આ જવાબનો સરળ જવાબ ….!!!
કેટલાક મૂળભૂત સિધ્ધાંતો યાદ રાખશો.

1. પ્રથમ છ માસ માટે સ્તનપાન સંપૂર્ણ આહાર છે. શારીરીક અને માનસિક વિકાસ તથા રોગ મુકત તંદુરસ્ત બાળક રાખવા આ નિયમને ચુસ્ત પણે વળગી રહો.

2. છ માસ પછી નો ઉપરી આહાર બાળકના ઝડપથી વધી રહેલા શારીરીક અને માનસિક વિકાસની જરુરી માંગને પૂરી કરવા ખૂબ જરુરી છે.

3. ઉપરી ખોરાક માટે ખાસ વધુ પડતી મહેનત જરુરી નથી. આપના ઘરના અન્ય સભ્યો માટે બનાવાતા ખોરાકમાંથી જ બાળક માટે ખોરાક બનાવી શકાય છે. દા.ત. જો ઘરમાં મેનુ માં તુવેરની દાળ બનાવવાની છે તો બાળક માટે બાફેલી દાળમાં ખાંડ કે ગોળ અને ઘી નાખી ને પૂરણ જેવો પોચો અને પૌષ્ટીક ખોરાક બની શકે છે. જરુર માત્ર બુધ્ધિ દોડાવવાની છે.

4. ઘરના રોજીંદા ખોરાકના મેનુ માંથી બાળક માટે ખોરાક પસંદ કરવાથી ધીરે-ધીરે બાળકને ભાણે બેસાડી એક જ થાળીમાંથી જમતુ કરવાના આપણો પ્રયાસ સરળ બને છે.

5. ઋતુવાર આવતા ફળો બાળક માટે હંમેશા તાજા વિટામીન અને મિનરલ થી ભરપૂર ઈશ્વરદત્ત ખજાનો છે. તેનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ. કેળા વિશે લોકોમાં ભાત-ભાતની ગેરમાન્યતાઓ પ્રવર્તે છે અને શરદી થશે કે ભારે પડ્શે તેવી ખોટી ભ્રમણાથી બાળકોને આ ઉત્તમ કેલરી અને કેલ્શયમ થી ભરપૂર ફળ થી દૂર રાખે છે જે તદ્દન ખોટુ છે.

6. પોપ્કોર્ન- મમરા-વેફર – ધાણી – બિસ્કીટ વિ. પદાર્થો સરળતાથી પ્રાપ્ય છે પરંતુ તેમની અંદર કેલરીનુ પ્રમાણ અન્ય ઘરેલુ ચીજો થી ઓછુ હોય છે એટલે જો બાળક આવો ખોરાક ખાય તો પોષણ/ કેલરી ની ખામી સર્જાઈ શકે છે. વળી આ ચીજોનુ પાચન ઘણી વાર બાળકોમાં સમ્સ્યા સર્જતુ જોવા મળે છે.

7. ઘી- તેલ-ગોળ અને ખાંડ આ ચાર વસ્તુ કોઈપણ ખોરાકની કેલરી વધારી શકવા સક્ષમ છે. નાના બાળકો શરુઆતી દિવસો માં જ્યારે ઓછો ખોરાક લે ત્યારે જરુરી છે કે જેટલો પણ ખોરાક લે તે ખૂબ જ કેલરીક્ષમ હોય. આ માટે તમે દરેક ખોરાકમાં જ્યાં જે ભળે તે ઉપરની ચાર વસ્તુમાંથી (ઘી- તેલ-ગોળ અને ખાંડ) નાખી શકો છો. દા. ત. ખિચડીમાં ઘી નાખવુ કે રોટલીનો ઘી – ગોળ વાળો લાડવો બનાવવો.

8. કોમર્શીયલ બેબી ફૂડ કદાચ બાળક માટે ઉપયોગી ઘણા સારા પદાર્થો ધરાવે છે અને તેનો ઉપયોગ ઘણો સહેલો છે અને ટ્રાવેલીંગ દરમ્યાન ઘણુ ઉપયોગી છે. પરંતુ તેના વિશે કેટલાક મુદ્દા ખાસ નોંધવા રહ્યા – 1) ઘણુ મોંઘુ છે. 2) એકજ સ્વાદનુ હોય છે. 3) પેકેજીંગ તારીખ અને પીરસવા વચ્ચે હંમેશા અંતર હોવાથી તાજુ ન કહી શકાય. 4) બાળકોને ઘણી વાર આ સ્વાદની ખૂબ આદત પડી જાય તો અન્ય ખોરાકમાં તેમની રુચિ રહેતી નથી. 5) જો બાળક તુરંત જ ન ખાય તો બનાવેલ ખોરાકને સ્ટોર કરી શક્વુ અઘરુ છે તે સહેલાઈ થી બગડી જાય છે.

9. અન્ય પ્રાણીનુ દૂધ છ માસ બાદ બાળકને આપી શકાય છે પણ તેમાં પાણી નાખવુ નહી.

10. સફાઈ ખૂબ જ જરુરી છે તમારી અને તમારા બાળકના હાથની – મોટાભાગની મા પોતે ચોક્કસ હાથ ધોવે છે પણ બાળકના ભૂલી જાય છે!!. કમનસીબે મા કરતા બાળકનો હાથ તેના મોં માં વધુ વાર જતો હોય છે.!!

11. બાળકને પણ પોતાની પસંદ અને ના પસંદ હોય છે.! તેનો આદર કરવો. ઘણા બાળકોને ગળ્યુ નથી ભાવતુ તો ઘણાને ખારુ નથી ભાવતુ. જરુરી નથી કે તમે ખૂબ મહેનત કરી બનાવ્યુ હોય તો બાળક ખાશે જ…!! તો નિરાશ ન થશો….!

12. બાળકની ભૂખ – ઉંઘ અને શારીરીક બાંધો ઘણા પરિબળો પર આધાર રાખે છે તો કયારેય તમારા બાળકની અન્ય સાથે સરખામણી ન કરશો. બાળકનો વિકાસ યોગ્ય છે કે નહિ તે વિશેષજ્ઞ પર છોડી દો.

મકરસંક્રાન્તિ ઍટલે કે પંખીઓ નીમરણ સંક્રાન્તિ

આવી રહી છે મકરસંક્રાન્તિ ઍટલે કે પંખીઓ નીમરણ સંક્રાન્તિ
શુ ઉત્તરાયણ ઉજવવી જોઈયે ????
હા કે ના

લોકો ઍવુ કહે છે કે ફેસ્ટીવલ તો ઉજવવા જ જોઈઍ.

તો શુ આપણા શોખ માટે આપણે બીજા ને મારવા જોઈઍ કે મરવા દેવા જોઈઍ.
જો ના તો ઉત્તરાયણ ના ઉજવવી જોઈઍ.
કેમ કે ઉત્તરાયણ કરવાથી ખાલી ઍક જ ફાયદો થાય છે જે છે ફક્ત તમારુ મનોરંજન પણ આની સામે ગણા બધા નુકસાનો થાય છે. જેવા કે

1 પંખી :-
પંખી ઓને – બિચારા અબોલા પંખીઓ કે જે બોલી શકતા નથી તેમની ક્યાંક પાંખો કપાઈ જાય,ક્યાંક ડૉક કપાઈ જાય અને ડૉક કપાય તો મારી પણ જાય અને પાંખો કપાઈ જાય તો બિચારા ઉડી ના શકે અને ક્યાંક કુતરા ના મુખ નો કૉળીયો થઈ જાય તો આપણે ઍમાની આ હાલત નુ નિમ્ત બનીય છે. લોકો કેહ છે કે ઉત્તરાયણ ના દિવશે પુનિય કરવા જોઈઍ તો આપડો આ ભવ સુધરે છે પણ આપડે તો પુનિય ને બદલે પાપ કરી રહિયા છે ફક્ત આપણા મનોરંજન માટે.

2 ઈંડા :-
તમને બધા ને તો ખબર જ હશે કે – દોરી ઑ બનાવવા માટે આની લુઅગ્દિ મા ઈંડા ( egg ) નો રસ ઉમેરવા મા આવે છે . વિચારો કે કેટલાય પંખી ઑ જન્મ લેતા પહેલા જ મરી જાય છે, વિચારો કે આપણે કેટલા પંખીઑને જન્મ લેતા પહેલા જ પ્રતિયક્ષ કે પરોક્ષ રીતે ઍમના મરણ નુ કારણ બનિયે છે.

3. વ્યક્તિઓને :-
આપણે રોજ-રોજ વર્તમાન પત્ર પર વાંચીયે છે કે આજે ઍક જગ્યા પર ઍક વ્યક્તિનુ પતંગ ની દોરી વાગવા થી મરણ થયુ કે ગંભીર ઈજા થઈ કેટલાય વ્યક્તિ ઑના ગડા ને નુકશાન કરે છે . કેટલાય વ્યક્તિઓને તકલીફ પડે છે અને જેમના પરિવાર ના સભ્ય નુ દોરી થી મરણ થાય છે તેમની વેદના નુ તો અનુમાન જ ના કરી શકાય કે પછી અહિયા શબ્દો થી બયાન ના કરી શકાય.

4. જ્ઞાન :-
જ્ઞાન ની આસ્થા – કારતક સુદ પંચમ ના દિવસે કેટલાયા લોકો જ્ઞાન પૂજન અને સરસ્વતીમાતા નુ પૂજન કરે છે અને ઍજ લોકો ઉત્તરાયણ ના દિવસે કાગળ ના પતંગો છગાવી ને જ્ઞાન ની અને સરસ્વતીમાતા ની આષાધના કરે છે બોલો પછી જ્ઞાન કેવી રીતે વધે ???

હૂ ઍવુ નથી કેહેવા માંગતી કે તેહવાર ના મનાવો જોઈઍ કિન્તુ તેહવાર ઍવો મનાવો જોઈઍ જેમા કોઈ પણ જીવ ને આપણા ધ્વારા દર્દ ના પોહોચે.

“અહિંસા પરમો ધર્મ”

પાસ-નાપાસ.માર્કંડ દવે.

કસોટી થી ડરે ? તે નામર્દ હશે, ઈશ્વર..!!
પથ્થર થૈ રડે ? ખુદગર્જ હશે, ઈશ્વર..!!

==========================

” કેમ અલ્યા ક્યાં છે, તારો આચાર્ય ? કોણ હતી એ ? કોણે મારી દીકરીને હાથ
અડાડ્યો? બોલાવ સા…ને..!!મારી હાળી બે બદામની મહેતી..!!”, આજે નાયબ
મામલતદાર શ્રીવાઘેલાસાહેબ,ગરમ લ્હાય જેવા થઈને,શાળામાં
પ્રવેશતાંજ,ઘાંટાઘાંટ કરતા,પટાવાળાને ધક્કો મારી,હડસેલીને,આચાર્યની
કૅબીનમાં પ્રવેશ્યા.

નેહા આચાર્યશ્રીની કૅબીન બહારજ ઊભી રહી ગઈ,ડઘાઈ ગયેલો પટાવાળો અને
અસમંજસમાં મૂકાઈ ગયેલા શાળાના આચાર્ય, બંને કાંઈ સમજે તે પહેલાં,સાહેબ
ફરી તાડૂક્યા,”કેમ ભાઈ,તારી નિશાળ બંધ કરાવવી છે ? હું કોણ, મને ઓળખે
છે?”

અપમાનનો ઘૂંટડો ગળી જઈને,શાળાના આચાર્યશ્રીએ શ્રીવાઘેલાસાહેબને શાંત થવા
જણાવી,ગુસ્સે થવાનું કારણ પુછ્યું.

વાત જાણે એમ બની હતીકે,દાદાદાદી પાસે ગામડે રહેતી અને ગામડાની શાળામાં
વારંવાર નાપાસ થવાથી, આ વર્ષે, આ શાળામાં દાખલ કરેલી, નવમા ધોરણમાં,
અભ્યાસ કરતી,શ્રીવાઘેલાસાહેબની,આશરે સત્તર વર્ષની, દીકરી નેહાને, કોઈ
શિક્ષિકાબહેને, પ્રથમ કસોટીમાં,નાપાસ થવા બદલ થપ્પડ મારી હતી.

“મારે, તારી નિશાળની, એ મહેતી, મારી સામે હમણાંજ હાજર જોઈએ,નહીતર વર્ગમાં
જઈને, તેનો ચોટલો પકડી ઘસડી લાવીશ..!! શું સમજે છે,તેના મનમાં..!! મારી
એકની એક દીકરી લાડકોડથી ઉછેરી છે,તે તમારા બધાના હાથનો માર ખાવા?”
શ્રીવાઘેલાસાહેબ ફરી તાડૂક્યા.

આચાર્યશ્રીના ઈશારે,પટાવાળાએ પાણી લાવી શ્રી વાઘેલાસાહેબને આપ્યું.પાણીનો
ઘૂંટડો ભરી,જાણે વાઘેલાસાહેબ થોડા ટાઢા પડ્યા હોય તેમ,અવાજમાં ઉગ્રતા ઓછી
કરી,આચાર્યશ્રીને ફરી કહ્યું,”તમારે મારી દીકરીની કોઈ ફરીયાદ હોયતો, મને
રુબરુ બોલાવવો જોઈએને, એમ મન ફાવે તેમ મરાતું હશે?”

એટલામાં પટાવાળો જઈને,નેહાનાં શિક્ષિકા પાયલબહેનને બોલાવી લાવ્યો.
શિક્ષિકાબહેનનો અત્યંત ગરિમાયુક્ત,જ્ઞાનની આભાભર્યો,શાંત મુખમુદ્રા
સહિતનો ચહેરો અને જાજરમાન વ્યક્તિત્વ જોઈ શ્રીવાઘેલાસાહેબની અનુભવી નજર
અને જીભ બંનેને જાણે,અચાનક લકવા મારી ગયો.

પાયલબહેને,પોતાની સાથે લાવેલી,નેહાએ લખેલી,તમામ વિષયની ઉત્તરવહીઓ
બતાવી.જેમાં પ્રશ્નોના જવાબના સ્થાને નેહાએ,નવી ફિલ્મોનાં પ્રેમગીતો
લખ્યા હોવાનું અને આમજ ચાલે તો,નેહાના ભણતરનું ભાવિ, અંઘકારમય હોવાનું
જણાવી, રહી સહી કસર પણ પૂરી કરી દીધી.શ્રી વાઘેલાસાહેબના ગુસ્સાની તોપનું
નાળચું હવે,દીકરી નેહા તરફ વળી ગયું,બહાર ઉભેલી નેહા,આચાર્યશ્રીની
કૅબીનમાં પ્રવેશતાંજ ઉકળાટભર્યા અવાજે તેને પુછ્યું” આ બઘું શું છે
નેહા,તું આવા જવાબ લખે છે?”

લાડકોડમાં ઉછરેલી અને ફાટીને ધૂમાડે ગયેલી છોકરીએ કહ્યું,”મારે આ
નિશાળમાં નથી ભણવું,અહી કોઈ સરખું ભણાવતું જ નથી.મારે ગામડે દાદાદાદી
પાસે જવું છે.મને ત્યાંની નિશાળમાં દાખલ કરી દો.”

અહીં, નેહાએ વર્ણન કર્યાથી સાવ વિપરિત પરિસ્થિતિ પેદા થયેલી જોઈ,હમણાં
સુધી, વાઘની જેમ ઘૂર્રાતા શ્રીવાઘેલાસાહેબ, હવે શિયાળની સલૂકાઈ પર આવી
ગયા,”હે..હે…હે.. !! આજકાલનાં આ છોકરાં જુવોને, આચાર્યસાહેબ મારાં
બેટાંઓને ભણવું જ નથી.”

આચાર્યશ્રી સમજી-વિચારીને સાવ ચૂપ રહ્યા,હવે તેમણે આમેય કાંઈ કહેવાનું,
કરવાનું ન હતું.

લાચાર બાપે ફરી દીકરીને સવાલ કર્યો,”તારે ખરેખર ગામડે ભણવા જવું છે?”
નેહાએ ડોકી ધૂણાવી હા પાડી.

શ્રીવાઘેલાસાહેબે, એકજ કલાકમાં, નેહાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
મેળવી,નેહાને બીજાજ દિવસે ગામડે,દાદાદાદી પાસે રવાના કરી દીધી.

આ બનાવને બે વર્ષ વીતી ગયાં.આખીયે શાળા આ ઘટનાને સાવ ભૂલી ગઈ હતી,પરંતુ
એક દિવસ આચાર્યશ્રીની ઑફિસમાં,શાળાનાં શિક્ષિકા પાયલબહેન, નેહાના, જે
સમાચાર લઈને આવ્યાં,તે ઘણાબઘા માતા-પિતા-વાલી મિત્રોની આંખો ખોલી નાંખે
તેવા હતા.

ગામડે ગયા પછી,સ્વાભાવીકપણે નેહા સુધરવાને બદલે વધારે બગડી ગઈ
હતી,ગામડામાં બાપની ઈજ્જત આબરુનો વિચાર કર્યા વગરજ,કેટલાય છોકરાઓ સાથે
પ્રેમમાં પડીને, અભ્યાસને છેવટે તિલાંજલી આપી દીધી હતી. શ્રીવાઘેલાસાહેબ
ફરીથી નેહાને શહેરમાં લઈ આવ્યા અને ઘરમાં નજરકેદ જેવી સ્થિતિમાં
રાખી,છતાં વાઘેલાસાહેબેની ગેરહાજરીમાં,ધરાર,ઉઘાડેછોગ,ચારરસ્તે સાવ
આવારાગર્દી કરતા,એક પરધર્મીના પ્રેમમાં નેહા ફસાઈ ગઈ.

આખરે,માઁ વગરની,ઓગણીસ વર્ષની, પૂખ્ત દીકરીને,એક લાચાર પિતા, કેટલુંક
દબાણ કરી શકે? વાઘેલાસાહેબે છેવટે ન્યાતનો જ એક ગરજાઉ મુરતિયો શોધી
પરણાવવાની પેરવી કરી, તો લગ્નના આગલા દિવસે,લગ્નના ગરબાના ટાણે, આ આવારા
પ્રેમી સાથે,નેહા ભાગી ગઈ.

નાયબ મામલતદારના રુઆબને કારણે,પોલીસે દરમિયાનગીરી કરી,બંનેને શોધી
કાઢી,વાઘેલાસાહેબને સોંપ્યાં, ત્યારે પેલા આવારા પરઘર્મીએ નેહાને કાયમ
માટે છોડી દેવા પાંચ લાખ માંગ્યા,છેવટે ઘરમેળે વાઘેલાસાહેબે ત્રણ લાખમાં
સમાઘાન કરી,સવાર થતાં તો,પેલા સોદાબાજ પ્રેમીને નાંણા ચૂકવી, ખાનગીમાં
આખીએ શરમજનક વાત પર, કાયમી પડદો પાડી, નિરાંતનો શ્વાસ લીધો.

લગ્નના દિવસે,બપોરે લગ્નનો આનંદ છવાયો હતો,સગાંવહાલાંથી,સરકારી
અધિકારીઓ,નામાંકિત રાજકારણીઓથી આખો હોલ ભરાઈ ગયો,એક બાજૂ ભાવતાં ભોજનનો
રસથાળ,મહેમાનો આરોગીને, શ્રીવાઘેલાસાહેબની ભાવસભર સરભરાનાં મોંફાટ વખાણ
કરતાં હતાં,ત્યાંતો, ગોરમહારાજનો પોકાર સંભળાયો,”કન્યા પધરાવો
સાવધાન..!!”

બેંડવાળા અને એક ખૂણે બેસી સંગીત પિરસી રહેલા,મ્યૂઝીક
પાર્ટીવાળા,પ્રસંગને અનુરુપ ગીતો જોરથી ગાવા લાગ્યા,પણ થોડી વારમાં જાણે
લગ્નના આનંદમય વાતાવરણને,જાણે સાપ સૂંઘી ગયો હોય તેમ,આખાયે હૉલમાં સોપો
પડી ગયો.નેહા ફરીથી ગાયબ હતી.

શ્રીવાઘેલાસાહેબના મોબાઈલ ઉપર,નેહાનો મેસેજ આવ્યો હતો,” પપ્પા,મેં
લગ્નનું મહુરત સાચવી લીધું છે.મારા પસંદગીના પ્રેમીને,અમારાં લગ્નની સારી
શરુઆત માટે, ત્રણ લાખ જેટલી માતબર રકમનો આશીર્વાદ આપવા બદલ ધન્યવાદ.”

આજે એક પથ્થર દિલ, ઉદ્ધત બાપ,દીકરીનાં કારસ્તાન સામે, કસોટીમાં નાપાસ થઈ,
હૉલના બાથરુમમાં એકલો ચોધાર રડતો હતો.

કસોટી થી ડરે ? તે નામર્દ હશે, ઈશ્વર..!!
પથ્થર થૈ રડે ? ખુદગર્જ હશે, ઈશ્વર..!!

જોકે,લાંચ રુશ્વત લઈને તગડા થયેલા શ્રીવાઘેલાસાહેબને એ ખબર નથીકે, આ
આવારા પરધર્મી પ્રેમીની,નેહા બીજી પત્ની છે.તેમને ચાર શાદી કરવાની છૂટછાટ
મળેલી છે???

આચાર્યશ્રીએ વિચાર્યું,” શ્રીવાઘેલાસાહેબને આ બાબતની જાણ થશે ત્યારે તે
કેવું વલણ અપનાવશે?”

છેલ્લે, વાતનું સમાપન કરતાં, પાયલબહેન,આંખમાં ઝળઝળીયાં સાથે બોલતા
હતાં,”સાહેબ, એ માઁ વગરની નેહાની,જો મને ગુરુમાઁ બનવાનો, એક મોકો, એના
પપ્પાએ, મને આપ્યો હોત તો…ઓ..ઓ..ઓ?”

આ તોંત્તેર મણના `તો`,નું વજન આપ, જો આપના મન પર અનુભવતા હોય તો, મને જરા
કહેશો ? ગુરુમાઁ, પાયલબહેન સાથે આપ સહમત છો?

શાબાશ બેટા..રચયિતા : નીલમ દોશી

ઉંચે જતી ધૂમ્રસેરને મંથનભાઇ સજળ આંખે જોઇ રહ્યા.વહાલી પત્ની ને આજે પોતે સ્વહસ્તે….! એક ફૂલ હજુ તો અઢળક ફોરમ હૈયામાં સંઘરીને બેઠુ હતું. અને એ ફોરમના હકદાર…બે વ્યક્તિને આમ અધવચ્ચે મૂકીને…આવી અલવિદા તે હોતી હશે ? મંથનભાઇથી એક ડૂસકુ મૂકાઇ ગયું. મિત્રનો સાંત્વનાભર્યો હાથ વાંસામાં ફરતા એ શાંત થવાનો નિષ્ફળ પ્રયત્ન કરી રહ્યા.

તેર દિવસ તો સગા સ્નેહીઓ અને મિત્રોએ સંભાળી લીધા. સગાઓ તો ખાસ હતા જ કયાં ? મિત્રોની સંખ્યા પણ બહુ વધારે તો નહોતી જ. એક માત્ર મિત્ર હતી તે પણ આમ અધવચ્ચે છોડીને…! બધાનો સધિયારો..દિલાસો મૌન બની તે સાંભળી રહ્યા. પુત્રીને પણ કોઇએ સંભાળી લીધી હતી. મમ્મી માટેના તેના પ્રશ્નોના જવાબ કોણે કેવા આપ્યા હશે તે તો ખબર નહોતી. પરંતુ દસેક વરસની પુત્રી જયારે ‘પપ્પા’ કહીને પોતાને વળગી પડી ત્યારે એટલું તો સમજાયું કે પુત્રીને જાણ થઇ ગઇ છે કે મમ્મી હવે પાછી નહીં જ આવે. મરનાર પાછું નથી આવતું..એટલું સમજી શકે તેવડી તો પુત્રી હતી જ.

અને પછી તો કેલેન્ડરના પાના ફાટતા રહ્યા. લાલચટ્ટક ગુલમહોર મહોરતો રહ્યો. કેસૂડાના ફૂલોની આવનજાવન ચાલુ રહી. અને પીળો ગરમાળો યે પર્ણને બદલે ફૂલોથી આચ્છાદિત થતો રહ્યો.

’ પપ્પા..બાય..કહેતી પુત્રી..સ્કૂલે જતાં પહેલા..પપ્પા દૂધ પી લેજો…ઓફિસમાં ચા બહું ન પીતા.સાંજે વહેલા આવી જજો.’

શિખાના જ રોજના વાકયો.! રિચા સ્કૂલે દોડતી રહી.. રોજ સાંજે બાપ દીકરી વહાલના દરિયામાં ભીંજાતા રહે. કયારેય બેમાંથી કોઇ શિખાનું નામ ન લે..પરંતુ દરેક વાતમાં શિખાની હાજરી અચૂકપણે હોય જ. રિચા ‘ મમ્મી ‘ એવું બોલે નહીં.. પણ મમ્મી વિનાની તેની કોઇ વાત ન હોય. ‘ લાંબા વાળ ફાવતા નથી ‘ કહી કપાવી નાખ્યા હકીકતે રિચાને લાંબા વાળ બહુ ગમતા હતા.પણ હવે કોણ ઓળી આપે ? કામ કરનાર બેનને મમ્મી જેવા થૉડા આવડે ? તેથી દીકરીએ જાતે જ…..!

રિચા સમજણી થઇ ગઇ હતી. કદાચ મા વિનાની દીકરીઓ વહેલી જ સમજણી થઇ જતી હશે.! રિચાની ચંચળતાએ ગંભીરતાનું સ્થાન, નાદાનીએ સમજણનું સ્થાન લીધું હતું તેનું દરેક વર્તન તે વાતની સાક્ષી પૂરાવતું હતું. જોકે પપ્પાને તે વર્તન ખુશ કરવાને બદલે ઉદાસ બનાવતું હતું. પપ્પાને એકલા, ઉદાસ બેસેલ જોઇ રિચા બધું લેશન પડતું મૂકી ‘ પપ્પા, ચાલો..મારી સાથે રમોને…’ અને વહાલસોયી દીકરીને ના કહેવાનું પપ્પાનું ગજુ કેટલું ?

રિચા હવે સોળ વરસની તરુણી બની ગઇ હતી. બાપ દીકરી એકમેકના સાન્નિધ્યમાં ઓતપ્રોત રહેતા. અને તેમની દરેક વાતમાં જાણે શિખા તો હાજરાહજૂર.

એ શનિવારની સાંજ હતી. દર શનિવારે રિચા તૈયાર રહેતી. પપ્પા આવે ત્યારે બંને દરિયે જતા. આજે પણ પપ્પા આવ્યા..પરંતુ એકલા નહીં..સાથે કોઇ આન્ટી હતા.’ રિચા, આ શૈલા આન્ટી છે. આપણી ઓફિસમાં જ કામ કરે છે.

‘ નમસ્તે આન્ટી…..’ અને પછી ત્રણે જણા સાથે દરિયે ગયા. વાતો તો હમેશની માફક મોટેભાગે બાપ દીકરીએ જ કરી.શૈલા વચ્ચે વચ્ચે બે ચાર શબ્દો બોલી એટલું જ. હા. મંદ સ્મિત જરૂર ફરકાવતી રહી. રિચા સાથે વાત કરવાના થોડા પ્રયત્નો કર્યા..પણ રિચાએ કંઇ બહુ ઉત્સાહ દાખવ્યો નહીં. અને તેનો અણગમો સમજી ગયેલ શૈલા પછી મૌન જ રહી.

જોકે પછી શૈલા આન્ટી ઘરમાં અવારનવાર આવતા થયા. કયારેક રિચાની હાજરીમાં તો કયારેક તેની ગેરહાજરીમાં. અવ્યવસ્થિત રહેતું ઘર વ્યવસ્થિત રહેવા લાગ્યું. એક સ્ત્રીની કાળજી ઘરમાં વર્તાવા લાગી.

પણ રિચાનો અણગમો આન્ટી માટે વધતો ચાલ્યો. રિચાને ભાવતું તે બનાવે તો રિચાને તે દિવસે તે ખાવાનો મૂડ ન જ હોય ! આન્ટી મમ્માના રૂમમાં જાય તે તેને ન જ ગમતું. એ રૂમ પર તો તેનો ને પપ્પાનો જ અધિકાર..ત્યાં કોઇ દાખલ કેમ થઇ શકે ? તેને થતુ..પપ્પા આન્ટીને તે રૂમમાં જવાની ના પાડી દેશે. પણ…પપ્પા તો..!

અને એક દિવસ તો…’ બેટા, આન્ટી આવે છે તો કેવું સારું લાગે છે નહીં ? ઘરમાં તેની હાજરી ઘરને જીવંત બનાવી દે છે..!

’ નહીં..પપ્પા… મને તો……’

અને મમ્મી ન હોવા છતાં એ હમેશ આપણી વચ્ચે રહેતા જ..આજે મને એ કેમ અદ્રશ્ય થતા લાગે છે..? ‘

જોકે રિચા મૌન જ રહી. પપ્પા પાસે તે પ્રગટ રીતે આવું કશું બોલી નહીં. પપ્પાને દુ:ખ થાય તેવું કશું બોલવાની તેને ઇચ્છા ન થઇ. અને તેની નજર…તેનો અણગમો પારખવા છતાં પપ્પા જાણે અજાણ્યા બની રહ્યા. કે પછી તે તરફ બેદરકાર..?

છેલ્લા એક વરસથી શૈલા આન્ટી સતત ઘરમાં આવતા જતા રહ્યા હતા. રિચાનું દિલ જીતવાના તેના પ્રયત્નો સમજી ન શકે તેવી અબૂધ તે નહોતી રહી. તેને કયારેક રડવું આવતું. કયારેક એકલી એકલી મમ્મીને ફરિયાદ કરતી. પણ મમ્મી તો ગુસ્સે થવાને બદલે ફોટામાંથી હસતી રહેતી. ગુસ્સામાં રિચાની આંખો છલકી રહેતી.

શિખાને ગયે આજે સાત વરસ થઇ ગયા હતા. રિચા સતર વરસની તરુણી બની ગઇ હતી. જીવનની એકએક ક્ષણ બાપ દીકરીના સ્નેહથી છલકતી રહેતી. વગર કહ્યે બંને એકબીજાની વાતો સમજતા હતા.દીકરી પપ્પાના ચહેરાની રેખા ઉકેલી શકતી…તેની આંખની લિપિ વાંચી શકતી.પુત્રીના દિલના અનર્ગળ વહેતા સ્નેહના ઝરણાએ પપ્પાની એકલતાના ઝૂરાપાને કંઇક સહ્ય બનાવ્યો હતો. તો પુત્રી કોઇ પણ ક્ષણે પ્રેમથી વંચિત ન રહે તેનો ખ્યાલ પપ્પાએ રાખ્યો જ હતો. અને બાપ દીકરીના આ વહાલના વારિથી ભીંજાતી શિખા ફોટામાં મલકતી રહેતી.

પણ..હવે આ સમીકરણ બદલાતું હતું કે શું ? એમાં કોઇ ચોથુ ઉમેરાતુ હોય તેવું કેમ લાગતું હતું..? પોતાના ત્રણ વચ્ચે ચોથા કોઇનો અનાધિકાર પ્રવેશ રિચા સહન કરી શકે તેમ નહોતી. પપ્પા બધાની સાથે હસતા રહે..એનાથી મોટી ખુશી રિચા માટે હોઇ જ ન શકે. રિચા એ માટે સતત પ્રયત્નશીલ હતી જ. પપ્પાને દુનિયામાં ફરીથી રસ લેતા તેણે જ કર્યા હતા. પપ્પાનો ચહેરો ઉદાસ રહે એ લાડકી પુત્રી કેમ સહન કરી શકે ?

પણ છતાં..પપ્પા આ શૈલા આન્ટી સાથે આ રીતે હસીને વાતો કરે..ઘરની વ્યક્તિની જેમ આવકારે. મમ્માના રૂમમાં તે પ્રવેશે..તે રૂમ સાફ કરે..ગોઠવે.. આ બધું રિચાથી કેમેય સહન નહોતું થતું. રિચાને કહેવાનું મન થઇ આવતું,’ આન્ટી, તમે રહેવા દો..મમ્માનો રૂમ કાયમ હું જ વ્યવસ્થિત કરું છું. એ કામ મારું કે પપ્પાનુ છે… ત્રીજા કોઇનુ …પારકાનુ નહી…’પણ શબ્દો બહાર નીકળતા નહીં અને મનોમન તે અકળાતી રહેતી.

પપ્પાના સ્નેહમાં કોઇ ફરક પડયો નહોતો. ઉલટુ પપ્પા જાણે ગુનાહિત લાગણી અનુભવતા હોય તેમ નાની નાની વાતો રિચાને પૂછયા કરતા. અને છતાં પપ્પાને હવે પોતાના કરતા શૈલા આન્ટીની જરૂર વધારે પડે છે તે સત્ય તેનાથી છૂપું કેમ રહે ? આન્ટી આવે ત્યારે પપ્પાની આંખમાં પ્રગટતી ચમકથી તે અજાણ થોડી હતી ? રિચાને કયારેક અણગમો..કયારેક રોષ..કયારેક દુ:ખ..ગુસ્સો આવતો. તેની નારાજગી એક યા બીજી રીતે તેના વર્તનમાં વ્યકત થતી રહેતી. અને પપ્પા શું રિચાનો અણગમો..નારાજગી પારખી શક્તા નહોતા ? અને છતાં યે…? બસ..આ એક વાત પર રિચા અકળાતી રહેતી. પોતાના અણગમાને પણ પપ્પાએ આ આન્ટી માટે નજરઅંદાજ કર્યો ? તેનું સૂક્ષ્મ અભિમાન ઘવાતું…

અને રિચા મૌન..ઉદાસ…!

શૈલા આંટી હવે રોજ ઘરમાં આવતા જતા હતા. રિચાની નાની નાની વાતોનો ખ્યાલ રાખવા તે મથતા. પણ રિચા તેનાથી અળગી જ રહેતી. આન્ટીના પ્રયત્નો જોઇ રિચાને વધારે ગુસ્સો આવતો..’જાણે હું કેમ કશું સમજતી ન હોઉં.! હું કંઇ હવે નાની નથી. આ ઘરમાં મમ્માનું સ્થાન કોઇ નહી લઇ શકે..તમે પણ નહીં..’ મૌન રિચાની આંખો બોલતી રહેતી. તે પપ્પાની સામે તીવ્રતાથી જોઇ રહેતી.. પપ્પા કશું બોલતા નહીં..પણ તેમની આંખોમાં વિષાદની લહેર ફરી વળતી. પણ રિચાને તો એમાં મમ્માની અવહેલના જ દેખાતી. ઉપરથી બધું સામાન્ય લાગતું હતું .. પણ છતાં એક તણાવ બધા મહેસૂસ કરી રહ્યા હતા.

અને એક દિવસ…….

‘ શૈલા..જયાં સુધી રિચા મનથી તારો સ્વીકાર ન કરી શકે ત્યાં સુધી હું મજબૂર છું..એ માને છે કે હું તેની મમ્મીનો દ્રોહ કરી રહ્યો છું. તેથી તે….! પુરુષની એકલતા તે ન સમજી શકે તે સ્વાભાવિક છે. શિખા પ્રત્યે આ મારી બેવફાઇ નથી…મારું મન તને આવકારે છે. તારામાં હું મારી ખોવાયેલી શિખા પામી શક્યો છું. પણ રિચાના સ્વીકાર વિના…..! અને હું જાણુ છું તેં રિચાનું દિલ જીતવાના ઘણાં પ્રયત્નો કર્યા છે..ફરિયાદનો એક પણ શબ્દ ઉચ્ચાર્યા સિવાય..તું અપાર ધૈર્ય રાખી શકી છે.. પણ….’

બોલતા બોલતા પપ્પાનો અવાજ ગળગળો થઇ ગયો. જવાબમાં શૈલા કશું બોલી નહીં… ફકત પપ્પાની છાતી પર માથુ મૂકી……!

કોલેજથી અચાનક આવી ચડેલ રિચાથી આ દ્રશ્ય સહન થયું નહીં.. તેના આંખો રોષથી છલકાઇ આવી. તે ધીમે પગલે પાછી ફરતી હતી..ત્યાં શૈલા આન્ટીના શબ્દો તેના કાનમાં પડયા.’ મંથન, તમે ચિંતા ન કરો..મારામાં અપાર ધીરજ છે. હું રિચાના તેના ઘેર જવાની રાહ જોઇશ ‘

રિચાની આંખો છલકાઇ આવી. તેને સમજ ન પડી પોતે વળી કયાં જવાની હતી ? તેની નજર સમક્ષ વારંવાર એ દ્રશ્ય જ તરવરતું હતું..પપ્પા આવું કરી જ કેમ શકે ? અને પોતાને કયાં મોકલવાનું ષડયંત્ર રચાઇ રહ્યું છે ? હોસ્ટેલમાં ? કેટલાયે પિકચરમાં જોયેલા દ્રશ્યો તેની આંખો સમક્ષ તરવરવા લાગ્યા…

રોષમાં…અભિમાનમાં.. એક આવેશમાં તે તેની બહેનપણી મિત્રાને ઘેર જવા નીકળી ગઇ. ત્યાં પહોંચી તેણે પપ્પાને ફોન કરી દીધો..’પપ્પા..મારી ચિંતા ન કરશો..હું આજે રાત્રે મિત્રાને ઘેર રોકાવાની છું. અમે સાથે વાંચવાના છીએ..સવારે ઘેર આવી જઇશ. ‘ અને પપ્પા કશું વધારે પૂછે તે પહેલા તેણે ફોન મૂકી દીધો.

આખી રાત અજંપામાં વીતી. કશું ગમતું નહોતું. મિત્રાને પણ તેણે કશી વાત કરી નહીં. અભિમાન…રોષ…આક્રોશ…પપ્પા પર તેને ગુસ્સો આવતો હતો શૈલા આંટી વિશે તો તે વિચારવા પણ નહોતી માગતી. આ બધાનું મૂળ તે જ તો હતા…છે. !

ચન્દ્ર ચાંદની વિનાનો,તારાઓ રોશની વિના ફિક્કા અને રાત ડરામણી..સપના ભયાનક….! મિત્રા તેનો અજંપો જોઇ કશું પૂછવા ગઇ તો તેની ઉપર તે વરસી પડી..

મિત્રા મૌન રહી વહાલથી બહેનપણીના વાંસે હાથ ફેરવી રહી. રિચાની આંખો અભિમાનથી કે આંસુથી ધૂંધળી…

થોડા દિવસો એમ જ વીત્યા…રિચા પપ્પા સાથે સંતાકૂકડી રમતી રહી. કયારેક પપ્પાના પેલા શબ્દો..કયારેક પેલું દ્રશ્ય તેનો પીછો કયાં છોડતા હતા ?

આજે વેલેન્ટાઇન ડે હતો. કોલેજમાં ચહલપહલ હતી..વાતાવરણ રંગીન હતું. યૌવન આજે સ્વાભાવિક રીતે જ ઉન્માદઘેલું બન્યુ હતું. એક રોમાંચના પૂરમાં સૌ તણાતા હતા. એકબીજાને અવનવી ગીફટની લહાણી યુવક યુવતીઓ કરતા રહ્યા..કયાંક હૈયાની આપ લે પણ થતી રહી. રિચાની દુનિયામાં આજ સુધી કોઇ છોકરાનું..પપ્પા સિવાય કોઇ પુરુષનું સ્થાન નહોતું. તે કોઇના સંપર્કમાં ખાસ આવી નહોતી. તેની દુનિયા પપ્પા….અને અદ્રશ્ય રીતે દ્રશ્યરૂપે દેખાતી મમ્મી…એટલામાં સીમિત રહી હતી. બીજો કોઇ વિચાર તેના અબોટ મનને સ્પર્શ્યો નહોતો.,નિસ્પૃહભાવે આ બધું જોતી તે લાઇબ્રેરીમાં જવાનો વિચાર કરતી હતી.. ત્યાં ઉમંગ આવ્યો..તેના જ કલાસનો છોકરો..જેની દોસ્તી માટે છોકરીઓ ઝૂરતી..તેણે એક ગુલાબનું ફૂલ જેમાં સાથે ખીલતી મોગરાની કળી હતી તે અને એક સુંદર કાર્ડ ધીમેથી રિચાને આપ્યા. ‘ રિચા..આઇ લવ યુ..’ તે ગણગણ્યો…રિચા સ્તબ્ધ..! મૌન..! હોઠ ફફડીને રહી ગયા..કોઇ શબ્દો બહાર ન નીકળ્યા. ઉમંગ પણ આગળ કશું બોલ્યો નહીં.. રિચાએ ધીમેથી ચૂપચાપ કાર્ડ અને ફૂલ લીધું. એક દ્રષ્ટિ ઉમંગ પર નાખી એક અસમંજસમાં તે આસ્તેથી ત્યાંથી સરકી રહી. પીઠ પાછળથી ઉમંગના શબ્દો સર્યા..’આઇ વીલ વેઇટ ફોર યોર આન્સર..” રિચાએ પાછળ ફરીને જોયુ..ન જોયું અને પગ ઉપાડયા…

તેની દ્રષ્ટિ આગળ કશું ઉઘડતું જતું હતું કે શું ? કયારેય ન સમજાતા અર્થો આજે સ્પષ્ટ થતા જતા હતા કે શું ?

તે સાંજે તે ઘેર ગઇ ત્યારે શૈલા આન્ટીએ તેની મનપસંદ ચાઇનીઝ ડીશ બનાવી હતી. અને તેની રાહ જોઇ રહ્યા હતા. રિચા એકાદ ક્ષણ તેની સામે જોઇ રહી..એક હળવું સ્મિત આજે ન જાણે કયાંથી તેના હોઠ પર આવી ને…! બહાર કોઇ કોયલનો ટહુકાર તેના કાને અથડાયો.. આન્ટીને તેના નજર બદલાયેલી લાગી. પણ હમેશની માફક તે કશું બોલ્યા નહીં.

અઠવાડિયુ એમ જ પસાર થયું..પેલી સંતાકૂકડી થોડી ઓછી તો થઇ હતી..છતાં વાદળ હજુ ઘેરાયેલ જ રહ્યા.

ત્યાં અચાનક રિચાની બહેનપણીના લગ્ન નક્કી થયા. રિચા બે દિવસથી તેને ઘેર હતી. સાસરે જતી બહેનપણીને તેના પપ્પાને વળગીને રડતી તે જોઇ રહી.. તેના પપ્પા આંસુભીની આંખે દીકરીને માથે હાથ ફેરવી આશીર્વાદ આપી રહ્યા હતા…અને પુત્રી, ‘ પપ્પા, તમે તમારું ધ્યાન રાખજો હોં… આજથી તમે એકલા થઇ ગયા..પપ્પા…’ કહી તે પપ્પાને વળગી રહી…

ઉપર ગોરંભાયેલું આસમાન એકાએક સ્વચ્છ, સ્ફટિક જેવું બની ગયું. વાદળો વિખેરાતા આકાશનો ગોરંભો અદ્રશ્ય…

તે દિવસે રાત્રે પપ્પાનો હાથ પકડી રિચા ધીમેથી બોલી ઉઠી, ‘ પપ્પા, મને પણ શૈલા આન્ટી ગમે છે…’

રિચા અને પપ્પા બંને નું ધ્યાન સાથેજ ત્યાં રહેલ શિખાના ફોટા પર ગયું. અને રિચાના કાનમાં જાણે મમ્માના શબ્દો પડઘાયા……

”શાબાશ બેટા..”

Previous Older Entries Next Newer Entries